આઝાદી અપાવનાર પક્ષમાં સત્તા પરિવર્તન થાય ત્યારે…

ફ્રિકન નેશનલ કોંગ્રેસે શ્વેત પ્રજાની રંગભેદી નીતિ સામે લાંબી લડત આપી હતી. દુનિયાભરમાં શોષણ કરનારા શ્વેતશાસકો સામે લડતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મહાત્મા ગાંધી પછી સૌથી જાણીતું નામ છે નેલ્સન મંડેલાનું. આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા તરીકે તેમણે જુલમી શ્વેતશાસકો સામે લડત આપી. તેમણે સત્તાવીસ વર્ષ જેલમાં ગાળ્યાં અને તે પછી આખરે રંગભેદ નાબૂદ કરીને દક્ષિણ આફ્રિકાને સાચા અર્થમાં સ્વતંત્રતા મળી ત્યારે મંડેલા તેના પ્રથમ પ્રમુખ બન્યાં હતાં. દક્ષિણ આફ્રિકા બ્રિટીશ સામ્રાજ્યમાંથી 1931માં નીકળી ગયું હતું. તે સ્વતંત્ર બન્યું, પણ માત્ર 20 ટકા વ્હાઇટ લોકો માટે. ડચ અને અંગ્રેજોએ ભેગાં મળીને રંગભેદી કાયદાઓ ઘડી કાઢ્યાં અને 80 બ્લેક લોકોનું શોષણ 1994 સુધી ચાલતું રહ્યું.1992થી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી) અને તેના મંડેલા સાથે વાટાઘાટો શરૂ થઈ. ત્યારબાદ 1994માં પ્રથમ સાર્વત્રિક ચૂંટણી થઈ તેમાં એએનસીને જંગી બહુમતી મળી અને અશ્વેત લોકોના શાસનનો ઉદ્દેશ થયો. તેની રજતજયંતીની ઉજવણી પણ હજી નથી ત્યાં એએનસીમાં આંતરિક વિખવાદ, ભ્રષ્ટાચાર અને સગાવાદના આરોપોમાં ઘેરાઇ ગઈ છે. 2019માં ચૂંટણી થશે ત્યારે 25 વર્ષ પૂરા થયા હશે, પણ દેશની સ્થિતિ રંગભેદ વખતે હતી તેના કરતાં કથળેલી છે એવું આંકડાં કહે છે.
2019માં પ્રમુખપદની ચૂંટણી થશે ત્યારે વર્તમાન પ્રમુખ જેકોબ ઝુમાની જગ્યાએ કોણ પ્રમુખ બનશે આ વર્ષના અંત પહેલાં નક્કી થઈ જશે. 25 વર્ષ થવા આવ્યા છે, પણ હજી સુધી વિપક્ષ મજબૂત થઈ શક્યો નથી. શાસન રંગભેદ નાબૂદ કરનાર અને સાચા અર્થમાં સ્વતંત્રતા અપાવનાર એએનસીનું જ રહ્યું છે. એએનસી અને તેના નેતાઓ સામે અનેક પ્રકારના આરોપો થયા છે, પણ બંધારણની એક જોગવાઈને કારણે હવે એએનસીના પ્રમુખ અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બદલાઇ જશે તે નક્કી છે.
બે ટર્મથી સત્તા પર રહેલા જેકોબ ઝુમા ત્રીજી વાર પ્રમુખ બની શકે તેમ નથી. તેથી તેમની જગ્યાએ કોણ પ્રમુખ બનશે તે નક્કી કરવા એએનસીનું અધિવેશન ડિસેમ્બરના મધ્યમાં મળ્યું. આ અધિવેશનમાં એએનસીના અધ્યક્ષ બનશે તે જ 2019માં પ્રમુખ બનશે, કેમ કે ફરી એક વાર એએનસી જીતી જશે તેમ મનાય છે.
જો બે મુદતથી વધુ સત્તા પર ના રહી શકાય તેવો કાયદો ના હોત તો એએનસીમાં નેલ્સન મંડેલા પછી સત્તા પરિવર્તન સહેલું હોત ખરું તે સવાલ થાય છે. નેલ્સન મંડેલા લાંબો સમય સત્તામાં અને જીવતા ના રહ્યા, નહિતો તેમની આબરૂ કેટલી બચી હોત તે પણ સવાલ છે. ભારતને આઝાદી અપાવી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે. કોંગ્રેસના પ્રમુખપદે જે આવે તે પ્રથમ વડાપ્રધાન બને તે નક્કી હતું. સરદાર પટેલના બદલે જવાહરલાલા પ્રમુખ બન્યા અને પ્રથમ વડાપ્રધાન બન્યા. 1952થી 1962 સુધી ચૂંટણી જીતીને સત્તા પર રહેલી કોંગ્રેસ 1962ની ત્રીજી ચૂંટણી પણ જીતી ગયું હતું. પણ તે પછી કોંગ્રેસમાં ચણભણાટ શરૂ થઈ ગયો હતો અને 1964માં નહેરુનું અવસાન થયું. તેઓ વધારે જીવ્યા હોય અને ચોથી ચૂંટણી લડ્યા હોત તેમની પ્રતીભામાં કેટલો ફેર પડ્યો તે અભ્યાસનો વિષય છે.
નેલ્સન મંડેલાએ જાતે જ બીજી વાર પ્રમુખ બનવાની ના પાડી હતી. તેમના પત્ની વીની મંડેલા પણ એએનસીના સિનિયર નેતા હતા, પણ બંનેના સંબંધો હવે સારા રહ્યા નહોતા. વીની મંડેલા પતિની ટીકા કરતાં હતા કે તેમને શ્વેત પ્રજાને ખુશ રાખવામાં વધુ રસ છે, અશ્વેતોના ઉદ્ધારમાં રસ નથી. બીજા પણ ઘણા અશ્વેત નેતાઓ આ ટીકા કરતાં રહ્યા છે કે રિકન્સીલિયેશન એટલે કે જૂલમી શ્વેતશાસકો સાથે વધારે પડતા સમાધાનની તેમની નીતિ અયોગ્ય હતી.
વીની મંડેલાથી નેલ્સન મંડેલા છુટ્ટા પડી ગયા હતા એટલે એએનસીમાં વંશપરંપરાની સમસ્યા રહી નહોતી. પરંતુ જેકોબ ઝુમાના કિસ્સામાં તે થઈ શકી હોત, કેમ કે તેમણે પુત્ર અને પુત્રીના મોહમાં છેલ્લા દસ વર્ષમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આરોપો મૂકાયેલા છે. દક્ષિણ આફ્રિકા અને ભારતનું કનેક્શન જૂનું છે તે આપણે જાણીએ છીએ. ગાંધીજી વકીલાત કરવા ત્યાં ગયા હતા અને શ્વેતશાસકો સામે કાનૂની લડતમાં ઉતર્યા હતા.
વર્તમાન પ્રમુખ જેકોબ ઝુમા સામે ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે તેમાં પણ ઇન્ડિયન કનેક્શન છે. ગુપ્તાબંધુઓ તરીકે જાણીતા ઉદ્યોગપતિઓ સાથે જેકોબ ઝુમાના દીકરા, દીકરી અને સગાઓના કનેક્શનો બહુ ચગ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ગુપ્તાબંધુઓનો અઢળક વિકાસ થયો છે. શસ્ત્રોના સોદા હોય કે સરકારી વીજકંપનીને કોલસો સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ હોય ગુપ્તાબંધુઓના ઇશારે જ બધુ થયું હતું. ગુપ્તાબંધુઓએ અખબારો ચાલુ કર્યા અને માહિતી પ્રધાનને બોલાવીને માહિતી ખાતાનું બધું જ બજેટ તેમના અખબારને ફાળવી દેવા કહેવાયું હતું. તેમણે ઇનકાર કર્યો તો પ્રમુખ ઝુમાએ તેમને બદલી કાઢ્યા. આવા તો અનેક કિસ્સાઓ દક્ષિણ આફ્રિકામાં ચર્યાય છે. સહારા કમ્પ્યૂટર્સ નામની ગુપ્તાબંધુઓની કંપની છે તેમાં ઝુમાનું દીકરો ડિરેક્ટર છે.
દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નાબૂદી પછી અશ્વેતોના હાથમાં સત્તા આવી ત્યારે નેલ્સન મંડેલાના કારણે બીજા આફ્રિકાના દેશોમાં થયું હતું તેવું ના થયું. શ્વેત વેપારી અને ઉદ્યોગપતિઓને રક્ષણ આપવામાં આવ્યું હતું, જેથી વેપારઉદ્યોગ ભાંગી ના પડે. ગાંધીજી 19મી સદીના અંતભાગમાં ત્યાં ગયા હતા ત્યારે પણ ભારતીય વેપારીઓનો મોટો વર્ગ ત્યાં સક્રીય હતો. આજેય ગોરા લોકોની સાથે મૂળ ભારતીયોનો વિશાળ સમૂહ છે તે વેપાર-ઉદ્યોગમાં અગ્રણી છે.
જોકે આ જે ગુપ્તાબંધુઓની વાત થઈ રહી છે તે બહુ જૂના નથી. પહેલી પેઢીના જ વેપારી છે અને દક્ષિણ આફ્રિકા આઝાદ થયા પછી આર્થિક રીતે પ્રગતિ કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ ત્યાં પહોંચ્યા હતા. એટલે કે 1990ના દાયકાની શરૂઆતમાં. મંડેલા એક જમાનામાં સામ્યવાદ તરફ આકર્ષાયા હતા, પણ તેમણે સત્તા પર આવ્યા પછી આર્થિક રીતે દેશને મજબૂત કરવા ગોરાઓની મુક્ત વ્યાપારની નીતિ યથાવત રાખી હતી. તેથી ગુપ્તા જેવા વેપારી સાહસિકોને આવકાર મળતો હતો. ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં રહેતા શિવકુમાર ગુપ્તાના વેપારી પરિવારમાં 1960 અને 1970 સુધીમાં ત્રણ પુત્રો જન્મ્યા હતા. તેમણે ત્રણેય પુત્રોએ વિદેશ જવા પ્રોત્સાહિત કર્યા હતા. અજય સૌથી મોટો તે રશિયા ગયો હતો. સૌથી નાનો રાજેશ ચીન પહોંચ્યો હતો અને વચલો અતુલે જોહાનિસબર્ગમાં બૂટચપ્પલની દુકાન ખોલી હતી. 1994માં મંડેલાની સરકાર આવી પછી દેશમાં નવા જ ઉત્સાહનો માહોલ હતો. કમ્પ્યૂટર પણ ત્યારે નવાનવા હતા અને તેની માગ હતી. અતુલે જૂતાની દુકાન બંધ કરીને એસેમ્બલ કમ્પ્યૂટર વેચવાનું ચાલુ કર્યું. સહારા કમ્પ્યૂટર્સ નામની તેની કંપની બહુ ઝડપથી પ્રગતિ કરવા લાગી. ધંધો એટલો વધી પડ્યો હતો કે બંને ભાઇઓ પણ તેની સાથે જોડાઈ ગયા.
અતુલના આફ્રિકન નેશનલ કોંગ્રેસના નવા ઊગતા નેતાઓ સાથે સંપર્કો થવા લાગ્યા હતા. તેમાંથી એક કાર્યકરે તેની ઓળખાણ મંડેલાના સાથી અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ થાબો મબેકી સાથે કરાવી. મબેકી ભારતની બિઝનેસ મુલાકાતે આવ્યા ત્યારે અતુલ પણ તેની સાથે ડેલેગિશનમાં જોડાયો હતો. મોટો ભાઇ અજય સંબંધો બાંધવામાં વધારે હોંશિયાર છે અને તે ઇન્ટરનેશનલ માર્કેટિંગ કાઉન્સિલમાં સભ્ય પણ બન્યો છે. વિદેશ વેપાર વધારવા માટે આ કાઉન્સિલની રચના થઈ છે.
મબેકી આગળ જતા પ્રમુખ બન્યા. દરમિયાન અજયનો પરિચય પેલા કાર્યકરે જેકોબ ઝુમા સાથે કરાવ્યો. ત્યારે ઝુમા સામાન્ય સંસદ હતા, પણ આ સંપર્ક ભાવીમાં ઊગી નીકળવાનો હતો. મબેકી સાથે તેઓ 1999માં વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. જોકે 2005માં તેમના સલાહકાર તેમના વતી લાંચ લેતા પકડાઇ ગયા. નૌકાદળ માટે ફ્રિગેટ ખરદીવાના સોદામાં લાંચ લેવાઈ હતી. સલાહકારને 15 વર્ષની કેદ થઈ. મબેકીએ તેમને સત્તાસ્થાનેથી હટાવ્યા. 2006માં ફ્રોડના બીજા કેસો સાથે મિત્રની દીકરી સાથે વ્યભિચારનો કેસ પણ તેમની સામે થયો. પણ ઝુમા રસ્તાઓ શોધવામાં માહેર નીવડ્યા. તેમણે જજને ફોડી કાઢ્યો અને નિર્દોષ સાબિત થયા. એટલું જ નહિ, 2007માં એએનસીના પ્રમુખપદની ચૂંટણી આવી ત્યારે મબેકીને જ હરાવી દીધા. ઝુમાની આ મુશ્કેલીઓ વખતે ગુપ્તાબંધુઓ તેમની સાથે રહ્યા હતા.
2007માં આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી 2009ની ચૂંટણીમાં પક્ષ જીત્યો એટલે દેશના પ્રમુખ પણ બની ગયા. ગુપ્તાબંધુઓને બખ્ખાં થઈ ગયાં. ગુપ્તાબંધુઓ જ પાછલા બારણે ઝુમાની સરકાર ચલાવતા હતા. ગુપ્તાનું જોર એટલું વધી પડ્યું છે કે તેમને હવે ‘ઝુપ્તા’ કહેવામાં આવે છે.
પણ હવે ફરીથી એએનસીના પ્રમુખ કોણ બને તેની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઇ રહી છે ત્યારે ગુપ્તાઓ સામે પણ મીડિયામાં ઝુંબેશ ચાલી રહી છે. તેમને રંગભેદી પણ કહેવામાં આવે છે, કેમ કે તેઓ પોતાની કંપનીમાં અને મહેમાનોની આગતાસ્વાગતા માટેના સ્ટાફમાં માત્ર ગોરાઓને જ રાખે છે તેમ કહેવાય છે. કાળાને તેઓ નીચા ગણે છે એવા આરોપો વચ્ચે તેમના ટેકેદાર ઝુમાની જગ્યાએ હવે નવા પ્રમુખ આવશે. નવા પ્રમુખ જ મોટા ભાગે દેશના પણ પ્રમુખ બનશે ત્યારે આ સત્તા પરિવર્તનથી પક્ષનું જે થવાનું હોય તે થાય, ગુપ્તાબંધુઓનું શું થશે તેની પણ ચર્ચા છે. જોકે ગુપ્તાબંધુઓનો ટ્રેક રેકર્ડ જોતા તેમણે ઉગતા નેતાઓને સાધી જ રાખ્યા હશે.
ભારતમાં પણ દેશને આઝાદી અપાવનાર કોંગ્રેસમાં પણ હવે નવા પ્રમુખ આવ્યા છે. ફરક એટલો છે કે રાહુલ ગાંધી જ આવશે તે નક્કી હતું. પણ રાહુલના આગમન પછી કોંગ્રેસના ટોચના વર્તુળોમાં ફેરફાર થશે. સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલની ટીમ આવશે અને સત્તા પરિવર્તન પક્ષને કેટલું ફળશે અને કોંગ્રેસના કયા જૂથને ફળશે તેની ગોસીપ આપણે આગલા દિવસોમાં સાંભળતા રહેશું.