‘વિશ્વ મેલેરિયા દિવસ’: મચ્છરોને ખતમ કરો, બીમારીથી બચો

સમગ્ર દુનિયા ખતરનાક એવી મેલેરિયા બીમારી, જેને આપણે ગુજરાતીમાં મચ્છર કરડવાથી આવતો ટાઢિયો તાવ કહીએ છીએ, એની સામે જનજાગૃતિ માટે આખું જગત દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day) મનાવે છે.

આજે વિશ્વ મેલેરિયા-વિરોધી દિવસ છે. આ બીમારી કેટલી ખતરનાક છે એની સાબિતી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલા આ આંકડા પરથી જ મળે છે કે એ દર બે મિનિટે એક બાળકનો ભોગ લે છે.

આ ચેપી રોગ 95 દેશોમાં આશરે 3.2 અબજ લોકોને બીમાર પાડે છે. આમાં યુવાન અને ઘરડાં સૌ કોઈ આવી જાય. ભારતમાં, દર વર્ષે મેલેરિયાના 10 લાખથી વધારે કેસો નોંધાય છે.

ક્લોરોક્વીન જેવી અમુક અસરકારક દવાઓને કારણે દુનિયાભરમાં મેલેરિયાથી થતા મરણનો આંકડો 60 ટકા જેટલો ઘટાડી શકાયો છે. 2000ની સાલ પહેલાં પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી, પણ 2000 પછીના પંદર વર્ષમાં આ રોગ સામે તબીબી વિજ્ઞાને સારો એવો વિજય પ્રાપ્ત કર્યો છે. અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોમાં સૌથી વધારે સુધારો જોવા મળ્યો છે.

તે છતાં 2016માં મેલેરિયાના નવા 21 કરોડ કેસ નોંધાયા હતા. મોટા ભાગના કેસ નાઈજિરીયા, કોંગો, યુગાન્ડા, આઈવરી કોસ્ટ, મોઝામ્બિકમાં હતા.

આ ચેપી રોગને કારણે મૃત્યુ પામેલા 4,45,000 લોકોમાંથી 70 ટકા જેટલા બાળકો હતા, જેમની ઉંમર પાંચથી ઓછી વયની હતી.

મેલેરિયા વિશે આટલું જાણો…

મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડી જાય, શરીરે પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય. શરીરમાં કયા પ્રકારના અને કેટલા સમયથી જીવાણુ પ્રવેશ્યા છે, એના આધારે આ લક્ષણો અમુક વાર ૪૮થી ૭૨ કલાકમાં ઊથલો મારે છે.

મેલેરિયા માટે પ્લાઝમોડિયમ નામના જીવાણુઓ જવાબદાર છે. માદા ઍનોફિલસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે. આ જીવાણુઓ વ્યક્તિના લીવરમાં જાય છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વધે છે. લીવરના કોષો ફાટે ત્યારે, આ જીવાણુઓ વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશે છે. ત્યાં પણ એની સંખ્યા વધે છે. મેલેરિયાના જીવાણુઓ રક્તકણોમાં ઘૂસીને વધે છે અને પછી એ ફાટી જાય છે. રક્તકણો ફાટે ત્યારે, આ જીવાણુઓ બીજા રક્તકણોમાં પ્રવેશે છે.

રક્તકણો ફાટવાનું અને જીવાણુઓનું બીજા રક્તકણોમાં પ્રવેશવાનું ચક્ર ચાલ્યા કરે છે. વ્યક્તિના શરીરમાં જ્યારે ઘણા પ્રમાણમાં રક્તકણો ફાટે છે ત્યારે મેલેરિયાનાં લક્ષણો દેખાય છે.

મેલેરિયાથી બચવા આટલું કરો…

મચ્છરદાનીનો ઉપયોગ કરો. એ કાણાંવાળી કે ફાટેલી ન હોવી જોઈએ. ગાદલા નીચે એને સારી રીતે ભરાવી દીધેલી હોવી જોઈએ, જેથી મચ્છર અંદર ઘૂસી ન જાય

ઘરમાં વપરાતી જંતુનાશક દવા છાંટો. મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ મચ્છર ‘રીપેલન્ટ’નો ઉપયોગ કરો.

શક્ય હોય તો, બારી-બારણાં પર મચ્છરજાળી લગાવો. એરકન્ડિશનર અથવા પંખા વાપરો.

આછા રંગના અને શરીર પૂરેપૂરું ઢંકાય એવાં કપડાં પહેરો.

શક્ય હોય તો, ઝાડી-ઝાંખરામાં જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ભરાઈ રહે છે. ભરાયેલા પાણી પાસે જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ઉછરે છે.

મેલેરિયા થયો છે? તો આટલું ખાસ ધ્યાનમાં રાખો…

જો તમને મેલેરિયા થયો હોય, તો તરત ડોક્ટરને મળીને સારવાર લો.

મેલેરિયા ફેલાયો હોય એવા વિસ્તારમાં તમે રહેતા હો અથવા એવી જગ્યાએ જઈને આવ્યા હો તો, નીચે આપેલાં લક્ષણોની અવગણના કરશો નહીં,

સખત તાવ આવવો

પરસેવો થવો

ધ્રુજારી સાથે ઠંડી લાગવી

માથું દુખવું

શરીર દુખવું

થાક લાગવો

ઊબકા આવવા

ઊલટી થવી

ડાયેરિયા થવો.