2018માં કયા પ્રકારના આહાર અપનાવાયા?

સુના વર્ષના અંતિમ દિવસો છે અને આખા વર્ષના લેખાજોખા મંડાઈ રહ્યા છે, ત્યારે આપણે આહારવિહારની દૃષ્ટિએ આ વર્ષમાં કેવીકેવી ચીજો ચાલી તે જોઈએ. વર્ષ ૨૦૧૮માં સિકો ડાયેટ (કેલેરિઝ ઇન કેલેરિઝ આઉટનું ટૂંકું રૂપ)થી લઈને નકોરડા ઉપવાસ (અંગ્રેજીવાળા તેને વૉટર ફાસ્ટ કહે છે)ને લોકોએ અપનાવ્યા.

પેલિઓ આહાર:

પેલિઓલિથિક અથવા પેલીઓ ડાયેટ એક એવી આહારવિહારની યોજના છે જેમાં તમારે એવું ભોજન લેવાનું છે જે તમે પુરાપાષાણ (પેલિઓલિથિક) યુગમાં ખવાતું હતું. હવે પ્રશ્ન એ છે કે પેલિઓલિથિક યુગ શું છે? તો પેલિઓલિથિક યુગ એટલે એવો યુગ જે આશરે ૨૫ લાખથી લઈને ૧૦,૦૦૦ વર્ષ પહેલાં હતો. આ આહારવિહારની યોજના પાછળનો મુખ્ય વિચાર એ છે કે આપણું શરીર આધુનિક ખાદ્ય પદાર્થો પચાવવા ટેવાયેલું નથી. આથી વજન ઘટાડવાની આ પદ્ધતિમાં માત્ર એ જ ચીજો ખાવાની છે જે ખેતી દ્વારા ઉત્પન્ન થાય છે. આવી ચીજોમાં દૂધ અને તેને સંબંધી ઉત્પાદનો, પ્રક્રિયા કરેલાં તેલો, ખાંડ, કઠોળની શિંગ,ધાન્ય, આલ્કોહોલ અને મીઠું પણ તેમાં ખાય શકાય નહીં.

આહારવિહારમાં માંસ, માછલી, ફળો, શાકભાજીઓ, સોપારી, બીનો સમાવેશ થાય છે. આ રીતે જોઈએ તો પુરાપાષાણ યુગમાં જે ખાદ્ય ચીજો શિકાર કરીને કે એકઠી કરીને મળતી હતી તે જ ચીજો કાવાની છે. અને બીજી તરફ, પ્રક્રિયા કરેલી ખાદ્ય ચીજો, ઠંડાં પીણાં, દૂધની ચીજો, કૃત્રિમ ગળપણ વગેરેને ટાળવું જોઈએ.

સિકો આહાર:

સિકો આહારમાં તમે બિરયાની, સમોસા, પિઝા, ચીઝકેક અને મિલ્ક શેક જેમાં ઑરિયો કે મગફળી માખણ અથવા એવા પ્રકારની કેલેરી જે તમને પસંદ હોય તે નાખી હોય તે લઈ શકો છો. આ તો મજાની વાત છે, ખરું ને? પરંતુ એમાં ધ્યાન એ રાખવાનું કે સામે તમારે કેલેરી બાળવાની પણ છે. એટલે તમે જેટલી કેલેરી બાળો તે કરતાં તમે જેટલી કેલેરી ખાવ તે ઓછી હોવી જોઈએ. આ રીતે જ સિકો શબ્દ બન્યો છે.

મેક્રોબાયોટિક્સ આહાર:

મેક્રોબાયૉટિક પ્રકારનું ભોજન ખાવું તે મૂળભૂત રીતે જીવનશૈલીમાં પરિવર્તનની વાત છે અને આહારમાં બદલાવની વાત ઓછી છે. ૧૯૩૦ના દાયકામાં જ્યૉર્જ ઑહસાવાએ તેને લોકપ્રિય બનાવી. તેમાં ખાદ્ય ચીજો અને જીવનશૈલી બંનેનું સંતુલન કરવાનું હોય છે જેથી તંદુરસ્ત રહેવાય. તેમાં મોટા ભાગે જૈવિક (ઑર્ગેનિક) અને સ્થાનિક ઉગાડેલાં ખાદ્ય પદાર્થો ખાવાના હોય છે. તેમાં શાકભાજી, ધાન્ય, ફળો, બી વગેરેનો સમાવેશ થાય છે. ક્યારેક માછલી અને માંસ ખાઈ શકાય. જે લોકોને ઊંચું કૉલેસ્ટેરોલ છે, રક્તચાપ (બ્લડ પ્રૅશર) અને ડાયાબિટીસ છે તેવા લોકો માટે આ સારો વિકલ્પ છે. તમારે તમારી જિંદગીમાં કેટલાંક પરિવર્તનો પણ કરવાનાં હોય છે જે બહુ અઘરાં નથી. તમારે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે, ખાદ્ય ચીજો ગળી જતાં પહેલાં તેને બરાબર ચાવવાની છે, પાણી પીતા પહેલાં કે રસોઈ બનાવતા પહેલાં તમારે પાણીને શુદ્ધ બનાવવાનું છે. કેફિન કે આલ્કૉહૉલવાળાં પીણાંને ટાળવાનાં છે. તમારે પથારીમાં સૂવા જતા પહેલાં ઓછામાં ઓછા બેત્રણ કલાક પહેલાં ભોજન લઈ લેવાનું છે. સ્કિન અને હૅર કૅર પ્રૉડક્ટ માત્ર કુદરતી, બિનઝેરી તત્ત્વોમાંથી બનેલી જ વાપરવાની છે, નિયમિત કસરત કરવાની છે અને તેમાં યોગ તેમજ નિયમિત ચાલવાનું છે.

કાચી ચીજોનો આહાર:

કાચી ચીજોમાં માત્ર કચુંબર અને ફળોનો જ સમાવેશ નથી થતો. તેમાં કોઈ પણ રાંધ્યા વગરની ચીજોનો સમાવેશ થાય છે જે રિફાઇન નથી કરાયેલી, પેશ્ચરાઇઝ નથી કરી કે ડબ્બામાં બંધ નથી કરી કે રાસાયણિક પ્રક્રિયાવાળી નથી. સાદો નિયમ એ છે કે ૭૫ ટકા ચીજો તમે જે ખાવ તે કાચી હોવી જોઈએ.

નકોરડા ઉપવાસ:

અંગ્રેજીમાં તેને વૉટર ફાસ્ટ કહે છે. પરંતુ મૂળભૂત તો આ ભારતીય જ પદ્ધતિ છે. તેમાં તમારે માત્ર પાણી જ પીવાનું છે. કોઈ ઘન પદાર્થ લેવાનો નથી. જોકે આ બહુ જ અઘરો ઉપાય હોવાથી તમારે તમારા ડૉક્ટરની સલાહ લઈ આ કરવું હિતાવહ છે.