રીસર્ચઃ કુદરતી રીતે મૃત્યુ પાછળનું કારણ શું?

મે ઘણાં લોકોને એવું કહેતાં સાંભળ્યાં હશે કે મારું મૃત્યુ હાર્ટ એટેકથી થાય તેવું હું ઈચ્છું છું. આવું કહેવાનું કારણ એ છે કે લોકો કિડની, ડાયાબિટીસ, કેન્સર વગેરે રોગો દ્વારા પીડાઈ પીડાઈને રીબાઈ-રીબાઈને મરવા કરતાં, હૉસ્પિટલનાં પગથિયાં ઘસીને, ડૉક્ટરોને સમૃદ્ધ બનાવીને, પોતાનાં દીકરાદીકરીને માનસિક-આર્થિક હેરાનગતિ આપીને મરવા કરતાં અલ્પસમયમાં પોતાનું મૃત્યુ થાય તેવું ઈચ્છે છે. પરંતુ હાર્ટ એટેક કરતાં પણ સારું મૃત્યુ કદાચ એ ગણી શકાય જે કુદરતી રીતે થાય.

પહેલાં એવા ઘણા દાખલા જોવા મળતા હતા કે આપણાં દાદાદાદી કે તેમનાં માતાપિતાનાં મૃત્યુ કુદરતી રીતે થયાં હોય. આપણા મમ્મીપપ્પા કે તેમનાં સગાંને એવું કહેતા તમે સાંભળ્યા હશે કે કોઈ બીમારી નહોતી. નહાવા જતા હતા. બાબલાને સ્કૂલ હતી તેથી તે નહાવા ગયો હતો એટલે કહ્યું, “હું થોડી વાર સૂતો છું.” અને બસ. જીવ જતો રહ્યો. કોઈની પાસે સેવા ન કરાવી. આવાં મૃત્યુ વિશે લોકો કહેતા હોય છે કે “કેવું સારું મૃત્યુ!” કોઈની પાસે સેવા ન કરાવી. કોઈની લાચારી ન ભોગવી. ન કોઈ હૉસ્પિટલનો ખર્ચો કરાવ્યો.

પરંતુ આવાં મૃત્યુ પાછળ કારણ કયું હોય છે? સંશોધકોને જણાયું છે કે આવું મૃત્યુ એટલે કે કુદરતી કારણોથી મૃત્યુ પામતા પુખ્ત વયના લોકો પૈકી ૭૦ ટકા લોકો તેમનાં મૃત્યુ પહેલાંના ૩૦ દિવસમાં કોઈ ડૉક્ટર પાસે ગયા નથી હોતાં. જોકે અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ઉપર જણાવ્યું તેવું કુદરતી મૃત્યુ આ અભ્યાસમાં ધ્યાનમાં લેવાયું નથી. સંશોધકોના મતે, જેમાં અકસ્માત, હત્યા, ડ્રગની વધુ માત્રા વગેરે જેવાં બાહ્ય કારણોના કારણે મૃત્યુ ન થયું હોય તેને કુદરતી રીતે મૃત્યુ ગણવામાં આવ્યું છે.

નવા અભ્યાસમાં આ જણાયું છે. આનાથી સમય કરતાં પહેલાં મૃત્યુને સમજવામાં એક પ્રકાશ પડ્યો છે.હાઉસટન અને હેરિસ કાઉન્ટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૉરેન્સિક સાયન્સીસ તેમજ ટૅક્સાસ હૅલ્થ સાયન્સ સેન્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પુખ્ત વયના લોકોમાં સમય કરતાં પહેલાં મૃત્યુ પાછળનાં કેટલાંક મહત્વનાં પરિબળો શોધી કાઢ્યાં છે. તેમણે જર્નલ પ્લૉસ વનમાં આ પરિણામો પ્રકાશિત કર્યાં છે.

સેન્ટર ફૉરડિસીઝ કન્ટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ સંકલિત કરેલા વર્ષ ૨૦૧૬ના રિપૉર્ટમાં જણાયું હતું કે અમેરિકામાં ૨૦ લાખ કરતાં વધુ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. અમેરિકામાં મૃત્યુના મુખ્ય કારણોમાં હૃદય રોગ અને કેન્સર હોય છે. લગભગ ૬.૩૫ લાખ અને ૬ લાખ મૃત્યુ અનુક્રમે આ બંને કારણોથી થાય છે.

અભ્યાસની વિગતોમાં જતા પહેલાં, એ સમજવું અગત્યનું છે કે મૃત્યુ કુદરતી રીતે કઈ રીતે થાય છે? કુદરતી રીતે મૃત્યુ એને કહેવાય જેમાં અકસ્માત, હત્યા, ડ્રગની વધુ માત્રા વગેરે જેવાં બાહ્ય કારણોના કારણે મૃત્યુ ન થયું હોય.

ટીમને સુધારી શકાય તેવી લાક્ષણિકતાઓ શોધવી હતી જે આરોગ્ય સાથે જોડાયેલા લોકોને કુદરતી રીતે મૃત્યુ પામતાx અટકાવી શકે. આવું કરવા માટે વૈજ્ઞાનિકોએ ૧,૨૮૨ પુખ્તો પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેઓ વર્ષ ૨૦૧૩માં ટૅક્સાસના હેરિસપરગણામાં મૃત્યુ પામ્યાં હતાં. તેમણે ઑટોપ્સી અહેવાલો અને કાયદેસર મૃત્યુ તપાસ નોંધોનાં અભ્યાસ અને વિશ્લેષણ કર્યાં.

વર્ષ ૨૦૧૫ના એક અભ્યાસમાં જણાયું કે ૨૧મી સદીમાં નોન હિસ્પેનિક અમેરિકનોમાં તમામ કારણ મૃત્યુમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વધારો ડ્રગ અને આલ્કોહૉલના ઝેર, આપઘાત અને દીર્ઘકાલીન લીવર રોગથી થયો હોવાનું જણાયું હતું.

સંશોધકોને જણાયું હતું કે ૯૧૨ મૃત્યુ કુદરતી કારણોના લીધે થયાં હતાં અને ૩૭૦ મૃત્યુ ડ્રગ વધુ પડતું લેવાથી થયાં હતાં. કુદરતી કારણોથી થયેલાં મૃત્યુમાં આલ્કોહૉલના વપરાશ, તમાકુનો વપરાશ, ડ્રગનો વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. આ મૃત્યુમાં અડધા ઉપરાંતના લોકો ડૉક્ટરને બતાવવા ગયા નહોતા.

સંશોધકોનું કહેવું છે કે આ લોકોને તકલીફો હતી અને તે તકલીફો વધતી જતી હતી પરંતુ તેમણે ડૉક્ટરોને બતાવ્યું નહીં. આના પરથી તારણ નીકળે છે કે જેમને તકલીફ હોય અને તેઓ ડૉક્ટરોને બતાવવા ન ગયા હોય તો તેમનાં સગાંએ તેમને ડૉક્ટરને બતાવવા પ્રેરવા જોઈએ.