સોનાલી બેન્દ્રેને થઈ છે આ બીમારી, તમે સાવધ રહેજો!

હેલાં અભિનેતા ઈરફાન ખાનને આ કેન્સર થયું અને હવે સોનાલી બેન્દ્રેને. આનાથી ફલિત થાય છે કે કેન્સર દુનિયાભરમાં કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. સોનાલી બેન્દ્રે સુંદર, નમણી, નાજુક અને સુડોળ અભિનેત્રી છે. તેના અનેક ચાહકો છે. ‘સરફરોશ’માં ડૉન્ટ માઇન્ડ ગર્લ તરીકે તે જાણીતી બની હતી. ‘ટક્કર’માં સુનીલ શેટ્ટીની સાથે અનેક દર્શકોએ પણ તેને ‘આંખો મેં બસે હો તુમ, તુમ્હેં દિલ મેં બસા લૂંગા’ મનોમન કહી દીધું હશે. આ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે.સોનાલી બેન્દ્રેને કૅન્સરનું નિદાન થયું છે!

સોનાલીએ પોતાના સૉશિયલ મિડિયાના એકાઉન્ટ પર જ પોતાના ચાહકોને એ વાતની જાણકારી આપી આઘાત આપી દીધો કે તેને હાઇ ગ્રેડ કૅન્સર થયું છે. તે હવે મેટાસ્ટેસાઇઝ્ડ થઈ ગયું છે. આનો અર્થ કે શરીરનાં બીજાં અંગોમાં પણ ફેલાઈ ગયું છે. ‘કલ હો ના હો’માં શાહરુખ ખાનની ડૉક્ટર તરીકે સારવાર કરનાર અત્યારે સોનાલી ન્યૂ યૉર્કમાં છે અને પોતાની સારવાર કરાવી રહી છે.

ચાલો જાણીએ કે મેટાસ્ટેટિક કૅન્સર શું હોય છે.

કૅનસર શરીરના જે હિસ્સામાં સૌથી પહેલાં વિકસે છે તેને પ્રાથમિક સ્થાન અથવા પ્રાઇમરી સ્પૉટ કહે છે. જ્યારે કૅન્સરના કોષો તૂટીને પ્રાથમિક સ્થાનમાંથી નીકળીને લોહી કે લસિકા તંત્ર (રસીવાહક) દ્વારા શરીરના બીજા હિસ્સાઓમાં ફેલાઈ જાય છે તો તેને મેટાસ્ટેટિક કૅન્સર કહે છે. કૅન્સરના કોષો જ્યારે શરીરના બીજા હિસ્સાઓમાં ગાંઠ બનાવવા લાગે છે તો તેને મેટાસ્ટેટિક કૅન્સર કહે છે. જોકે પ્રાઇમરી અને મેટાસ્ટેટિક કૅન્સર બંનેના ગુણધર્મ એક જેવા જ હોય છે.દેશમાં દર વર્ષે ૧૪.૫ લાખ કેન્સરના નવા કિસ્સાઓ સામે આવે છે. જોકે જીવનચર્યામાં નાનામોટા ફેરફારો, સમયસર તપાસ અને નિદાન તેમજ યોગ્ય ઈલાજથી કૅન્સર પર પણ વિજય મેળવી શકાય છે. લીસા રે, એન્જેલિના જૉલી, મનીષા કોઈરાલા જેવાં અનેક ઉદાહરણો છે જેમણે કેન્સર પર વિજય પ્રાપ્ત કર્યો છે.

પુરુષોમાં કૅન્સરના લગભગ ૬૦ ટકા કિસ્સામાં મોઢું અને ગળાનું કેન્સર હોય છે. તે પછી ફેફસાંના કૅન્સરનો ક્રમ આવે છે. આ ત્રણેય કૅન્સરનું સૌથી મોટું કારણ તમાકુ છે. કૅન્સરના લગભગ ૪૦ ટકા કિસ્સા તમાકુના કારણે થાય છે, પછી તે સિગરેટ, બીડી કે હુક્કાના રૂપમાં પીવાની તમાકુ હોય કે પછી ગુટખા, પાનમસાલા વગેરે ખાવાની તમાકુ.

જોકે જરૂરી નથી કે તમે પોતે તમાકુ ખાતા હો કે સિગરેટ-બીડી-હુક્કા પીતા હો. તમારા પરિવારમાં કોઈ કે પછી મિત્રો-સહકર્મચારીઓ જો સિગરેટ પીતા હોય તો તેના ધૂમાડાથી તમને પણ કૅન્સર થઈ શકે છે. ધૂમ્રપાનથી ફેફસાં, ગળું, પ્રૉસ્ટેટ, કિડની, સ્તન વગેરે કૅન્સરની શક્યતા વધી જાય છે.

વધુ દારૂ પીવો પણ જોખમી છે. તેનાથી મોઢું, અન્નનળી, ગળું, યકૃત અને સ્તન કૅન્સરની શક્યતા વધી જાય છે. આલ્કૉહૉલની સાથે તમાકુનું સેવન કૅન્સરનું જોખમ અનેક ગણું વધારી દે છે. આથી બીડી કે સિગારેટ સાથે દારૂ પીનારા લોકો માટે કૅન્સર થવાની શક્યતા ઘણી વધુ હોય છે.

શહેરોમાં વધતું પ્રદૂષણ પણ શરીરને એવું જ નુકસાન કરે છે જેવું બીડી-સિગરેટનો ધૂમાડો. હવામાં જરૂરી માત્રા કરતાં વધુ નાઇટ્રૉજન ઑક્સાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ, કાર્બન મૉનૉક્સાઇડ, ઑઝૉન અને લેડ (સીસું) જેવી ચીજો હાજર છે જે આપણા શરીરમાં કૅન્સર પેદા કરનારાં રસાયણો બનાવે ચે. તે આપણા શ્વસનતંત્ર માટે જીવલેણ છે.  તે ફેફસાનાં કેન્સરનું કારણ બની શકે છે. પ્રદૂષણથી બચવા ઠંડીમાં સવારે વધુ ધૂમ્મસ હોય તો ત્યારે બહાર ન નીકળવા આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે. જવું જ પડે તો મોઢે કંઈક બાંધીને નીકળો. માસ્કનું રેટિંગ એન૯૫ હોવું જોઈએ અને તે મોઢા પર બરાબર બંધ બેસવું જોઈએ.શરીરમાં જો એસ્ટ્રૉજિન નામનો સ્ત્રીઓને લગતો અંતઃસ્ત્રાવ વધી જાય તો લોહીનું કૅન્સર, પ્રૉસ્ટેટ, સ્તન કૅન્સર, સર્વિક્સ કૅન્સર થઈ શકે છે. ઍક્સ-રે, સિટી સ્કૅન, અલ્ટ્રા સાઉન્ડ વગેરેનાં રેડિયોઍક્ટિવ કિરણોથી પણ ત્વચાનું કૅન્સર થઈ શકે છે. જો પહેલાં ઍકસ રે કોઈ ડૉક્ટરના કહેવાથી કરાવડાવ્યો હોય અને નવા ડૉક્ટરને બતાવવા જાવ અને તે તમને ઍક્સ રે કરાવવા કહે તો તેમને તમે અગાઉ ઍક્સ રે કરાવ્યો છે તેમ સ્પષ્ટ કહી દો. રેડિઍશનથી કૅન્સરનો ઈલાજ થાય છે તે સાચું પરંતુ રેડિઍશનથી કૅન્સર થવાની શક્યતા પણ રહેલી છે.