સૂકી ઉધરસને ઘરેલુ ઉપચારથી ભગાવો

સૂકો કફ આરોગ્યને નુકસાનકર્તા છે. તેનાથી ઉધરસ સહિત ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને તેનાથી સમયસર મુક્તિ ન મળે તો શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. એલોપેથીમાં કફને બહાર કાઢવાની રીત છે તે નળી દ્વારા કઢાય છે, પણ સામાન્ય રીતે પહેલાં દવા અપાય છે જે કફને બહાર કાઢવાના બદલે સૂકવી નાખે છે. અને આ સૂકો કફ ઉપર કહ્યું તેમ ભારે નુકસાનકારક છે. અત્યારે શિયાળાની ઋતુમાં કફ થતો હોય છે. તે સૂકાઈ જાય તો નુકસાનકારક રહેતો હોય છે. શિયાળામાં સૂકી ઉધરસની પણ ખૂબ જ સમસ્યા રહેતી હોય છે.પરંતુ ભારતમાં આયુર્વેદને પાંચમો વેદ ગણાવાયો છે. તેના લીધે ઘણી ખરી ઔષધિઓ આપણા રસોડામાં જ હોય છે. આ ઔષધિઓને જો આપણે સારી રીતે જાણી લઈએ તો આપણને ઘણી બધી આરોગ્ય વિષયક સમસ્યાઓની સારવાર રસોડામાંથી જ મળી જાય. સૂકા કફની ઔષધિ પણ આપણા ઘરમાં રહેલી છે! અને તે છે તુલસી ટી! આપણને ખબર છે કે તુલસીમાં કેટલા બધા ઔષધીય ગુણો રહેલા છે. તે અસરકારક છે અને કફ માટે કુદરતી ઉપચાર છે.

આયુર્વેદમાં તુલસીનાં પાન અને બીનો ઉપયોગ કરીને ઉકાળો બનાવાય છે જેનાથી ચેપ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તુલસીનાં પાન સીધા ચાવી જાવ તો પણ ચાલે અથવા તેને વાટીને તેનો ઉપયોગ કરો. તેમાં સડો દૂર કરનારા અને પીડાશામક ગુણો પણ રહેલા છે. તુલસીનાં પાન સાથે બનાવાયેલી ચા શરદી, ઉધરસ અને અપચા માટેની સામાન્ય ઔષધિ છે.

તુલસીને અંગ્રેજીમાં હૉલી બેસિલ કહે છે. તેમાં બેક્ટેરિયા વિરોધી અને એન્ટિ ઑક્સિડન્ટ (જે અન્ય અણુઓનું ઑક્સિડાઇઝેશન રોકે અને જેનાથી કોષોને નુકસાન થતું અટકે છે) છે જે ઉધરસને થોડા સમયમાં જ દૂર કરી શકે છે. તુલસી ચાને કઈ રીતે બનાવવી તે જાણવું પણ જરૂરી છે.

એક કપ ભરીને પાણી લો. તેમાં તુલસીનાં પાંચથી સાત પાન લો. તેને એક તપેલી કે એવા કોઈ પાત્રને ઢાંકી દો અને પછી ધીમા તાપે ગેસ પર મૂકી દસ મિનિટ સુધી ગરમ કરો. તે પછી ગેસ બંધ કરી દો અને તેને થોડું ઠંડું પડવા દો. તેને ગાળી લો અને હૂંફાળું હોય ત્યારે જ તેને પી લો.

તેમાં તમે કેટલાક મસાલા નાખી શકાય છે- જેમ કે એલચી, આદુ, મરી અને લવિંગ. તેનાથી ઔષધીય ઉકાળો બની જશે. ઉધરસ અને શરદીથી છૂટકારો મેળવવા તેને રોજ પીવો જોઈએ.

આ ઉપરાંત બીજાં પણ કેટલાક ઉપચારો ઉધરસને દૂર કરવા માટે છે. આ ઉપચારો આયુર્વેદ નિષ્ણાતની સલાહ પછી અનુસરવા વધુ હિતાવહ રહેશે.

બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.

આ ઉપરાંત ગાજરના રસમાં મધ મેળવી તેને પણ પી શકાય છે.

આ સિવાય કાળા મરી, પીપળીમૂળ અને આદુના ચૂર્ણને સરખી માત્રામાં લો. તેમને ભેળવી દ્યો અને આ ચૂર્ણને મધ સાથે દિવસમાં બે વાર લો.

દ્રાક્ષના રસને પણ પી શકાય.

સૂકી ઉધરસ માટે પાલકના ગરમ રસથી કોગળા કરો.

પા ચમચી હળદરને ગરમ દૂધમાં નાખી તેને હલાવો. આ હળદરવાળું દૂધ દિવસમાં બે વાર પીવો. સતત પંદર દિવસ સુધી આ દૂધ પીવો. તુલસીનાં પાનને મધ સાથે ભેળવીને તેને દિવસમાં બે વાર લઈ શકાય છે.

હળદરને બીજી રીતે પણ લઈ શકાય. જો હળદરવાળું દૂધ ભાવતું ન હોય તો તેને ગરમ પાણીમાં હળદર નાખો. તે પી જાવ. અથવા તેનો નાસ લો તો પણ તે ઉપકારક નિવડે છે.