આ ચીજો વધુ ખાવાથી સમયપૂર્વે રજોનિવૃત્તિનું જોખમ!

બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે સફેદ પાસ્તા અને ભાતના વધુ પડતા સેવનથી સમયથી દોઢ વર્ષ પહેલાં રજોનિવૃત્તિ (Menopause) આવી શકે છે.
એપિડેમિલૉદી એન્ડ કમ્યૂનિટી હેલ્થ નામની જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે આરોગ્યપ્રદ તીજો જેવી કે લીલા દાણા, વટાણા અને તૈલીય ફિશ ખાવાથી રજોનિવૃત્તિ મોડી થાય છે. યુનિવર્સિટી અૉફ લીડ્સના સંશોધનકર્તાઓએ ખાણીપીણી અને રજોનિવૃત્તિ વચ્ચે સંબંધ શોધવા પ્રયાસ કર્યો. આ સંશોધનમાં બ્રિટનમાં રહેનારી ૧૪,૧૫૦ મહિલાઓએ ભાગ લીધો.સંશોધક યાશ્વી ડનેરામે કહ્યું, “આ પ્રકારનું આ પહેલું સંશોધન છે જેમાં બ્રિટનની સ્ત્રીઓમાં પોષક તત્ત્વો, ખાદ્ય સમૂહોની વિસ્તૃત વિવિધતા અને પ્રાકૃતિક રજોનિવૃત્તિની આયુ વચ્ચે સંબંધ શોધવામાં આવ્યો.” વિસ્તૃત ખાણીપીણી સંબંધી પ્રશ્નાવલી ઉપરાંત મહિલાઓમાં પ્રજનનના ઇતિહાસ અને આરોગ્ય વિશે જાણકારી મેળવવામાં આવી.
ચાર વર્ષ પછી સંશોધકોએ તે મહિલાઓના આહારનું અાકલન કર્યું જેમની આ સમય દરમિયાન રજોનિવૃત્તિ થઈ ગઈ હતી. બ્રિટનમાં રજોનિવૃત્તિની સરેરાશ ઉંમર ૫૧ વર્ષ છે.
લગભગ ૯૦૦ મહિલાઓ (૪૦થી ૬૫ વર્ષ)ને આ સમય દરમ્યાન કુદરતી રીતે રજોનિવૃત્તિ થઈ. આકલનમાં જાણવા મળ્યું કે જે સ્ત્રીઓએ તૈલીય ફિશનું વધુ સેવન કર્યું તેમને ત્રણ વર્ષ મોડી રજોનિવૃત્તિ થઈ. જ્યારે રિફાઇન્ડ પાસ્તા અને ભાત ખાનારી મહિલાઓમાં રજોનિવૃત્તિ સમય કરતાં પહેલાં થઈ ગઈ. યુનિવર્સિટી અૉફ લીડ્સના પ્રાધ્યાપક જેનેટ કેડે કહ્યું હતું કે રજોનિવૃત્તિની આયુની કેટલીક સ્ત્રીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.
પહેલાનાં કેટલાંક સંશોધનોમાં જાણવા મળ્યું હતું કેસમય કરતાં પહેલાં રજોનિવૃત્તિથી હાડકાંનું ઘનત્વ ઓછું થવું, અૉસ્ટિયોપરોસિસ થવું, અને હૃદયની બીમારીઓ થવાનો ખતરો વધુ હોય છે જ્યારે રજોનિવૃત્તિ મોડી થાય તો સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર અને અંતર્ગર્ભાશયકલાનું કેન્સર થવાનું જોખમ વધુ રહે છે.