આજુબાજુના વાતાવરણથી બદલાઈ શકે છે વાનગીનો સ્વાદ

માણસને જીભ અને સ્વાદ આપી તે સાથે ચટાકેદાર ખાવાનું પણ કુદરતે શીખવાડ્યું. આથી જ ગળી, ચટાકેદાર, ચટપટી અને મીઠા-મસાલાથી ભરપૂર વાનગીઓ ખાવી એ માણસનો શોખ બની ગયો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના ડૉ. હાથી જેવા કેટલાક તો પેટ ભરેલું હોય તો પણ વાનગીઓ જુએ કે તેમની જીભ લલચાયા વગર ન રહે.

પરંતુ કોઈ વાનગી ગળી જ છે કે પછી તીખી તે કેવી રીતે ખબર પડે? એક વાર ખાધા પછી, ખરું ને? નવા સંશોધન પ્રમાણે, વ્યક્તિની આસપાસનું વાતાવરણ તેની વાનગી અંગેની અવધારણા બદલી શકે છે. અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, સંશોધકોએ ૫૦ વ્યક્તિઓનું વિશ્લેષણ કર્યું.

આ વ્યક્તિઓએ વાનગીઓ ઝાપટતી વખતે વર્ચ્યુઅલ રિયાલિટી હૅડસેટ વાપરવાનો હતો. તેમને ત્રણ એક સરખું બ્લુ ચીઝ આપવામાં આવ્યું. તેમને આભાસી રીતે એક નક્કી કરેલા ધોરણવાળા સેન્સરી બૂથ, આનંદદાયક પાર્ક બૅન્ચ અને ગાયોનાં ગમાણમાં મૂકવામાં આવ્યા. તેમણે રેકૉર્ડ કરેલા ૩૬૦ ડિગ્રી વિડિયો ત્યાં બેસીને જોવાના હતા. સહભાગીઓને કહેવામાં નહોતું આવ્યું કે તેમને જે ચીઝના નમૂના આપવામાં આવ્યા છે તે એકસરખા છે.

હવે અહીં એકસરખી ખાદ્યચીજોના સ્વાદ એકસરખા જ હોય ને? પરંતુ શું તેમ થયું? ના. ગાયના ગમાણમાં બેઠેલાને સેન્સરી બૂથ કે આભાસી પાર્ક બૅન્ચ પર બેઠેલી વ્યક્તિ કરતાં ચીઝની તીવ્રતા વધુ આવી. આનું કારણ?

અભ્યાસના વરિષ્ઠ લેખક રૉબિન ડૅન્ડો મુજબ, “જ્યારે આપણે કોઈ ખાદ્ય ચીજ આરોગીએ ત્યારે આપણે તેનો સ્વાદ અને તેની સુગંધ જ નથી પારખતા, પરંતુ આપણી આસપાસના વાતાવરણને આપણી આંખો, કાન દ્વારા મેળવીએ છીએ. જો તે વાતાવરણ અંગે આપણી સ્મૃતિઓ હોય તો તે તાજી કરીએ છીએ.

એટલે જ તો આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે પરિવાર સાથે જમવું, પ્રસન્નચિત્તે જમવું અને આધુનિક સંશોધકો પણ કહે છે કે ભોજન કે નાસ્તા વખતે ચિંતાજનક, ભયજનક, જુગુપ્સાપ્રેરક કે બીભત્સ દૃશ્યોવાળી ફિલ્મ, સિરિયલ કે સમાચાર વગેરે ન જોવું. મોબાઇલ પર સંદેશાઓ ન જોવા.

 

તમે અનુભવ્યું જ હશે કે જ્યારે તમારે ઉતાવળ હોય કે કોઈ કામ બાકી હોય ત્યારે તમને ગમે તેટલું સારું જમવાનું કે નાસ્તો હશે તો તેનો સ્વાદ નહીં આવ્યો હોય. તે આરોગવાની મજા નહીં આવી હોય. ક્યારેક તમારે ઝઘડો થયો હશે તો પણ આવો જ અનુભવ તમે કર્યો હશે. તેનું કારણ આસપાસનું વાતાવરણ અને ચિત્તની પ્રસન્ન્તા છે. તો ઘણી વાર, જો આસપાસ ગંદકી હશે, ચાહે તે તમારા ઘરમાં હોય કે બહાર, ત્યારે વાનગી ખાવાની મજા નહીં આવે. કેટલાકને થાળી કે વાટકી એકદમ સ્વચ્છ જોઈએ (જે સારી ટેવ પણ છે) અને જો તેમ ન હોય તો તેમને ગમે તેવી સારી વાનગી ખાવાની ભાવતી નથી. તો કેટલાક ગરમીમાં ખાઈ શકતા નથી. આમ, આજુબાજુના વાતાવરણની અસર તમારા અન્ન ગ્રહણ કરવા પર પડે છે.