ડહાપણની દાઢના દુઃખાવાને આમ કાઢો…

જો તમને ડહાપણની દાઢ આવતી હોય તો તેનો દુઃખાવો થતો હશે. આ દુઃખાવો અસહ્ય હોય છે. મોટા ભાગના લોકોને, ગુજરાતીમાં જેને ડહાપણની દાઢ કહે છે, હિન્દીમાં અક્લ દાઢ અને અંગ્રેજીમાં વિઝડમ ટૂથ કહે છે તે ૧૭થી ૨૫ વર્ષની વચ્ચે આવે છે. પરંતુ કેટલાક લોકોને તે ૨૫ વર્ષ પછી પણ આવે છે. તે આપણા મોઢામાં સૌથી છેવાડાના અને મજબૂત દાંત હોય છે અને તે સૌથી છેલ્લે આવે છે.

પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ડહાપણની દાઢ આવે ત્યારે દુઃખાવો કેમ થાય છે. ભાઈ, આનું સીધું સાદું લૉજિક એ છે કે જ્યારે દુઃખાવો થાય ત્યારે જ ડહાપણ આવે. આ તો મજાકની  વાત થઈ, પરંતુ ખરું કારણ એ છે કે ડહાપણની દાઢ સૌથી છેલ્લે આવે છે. હવે કુદરતમાં પણ વહેલા તે પહેલાનો નિયમ લાગુ પડે છે. આથી જે છેલ્લે આવે તેને મોઢામાં પૂરતી જગ્યા નથી મળી શકતી. તેના લીધે જ્યારે આ દાંત આવે ત્યારે તે બસમાં જેમ છેલ્લે ચડનારી વ્યક્તિ આગળવાળાને ધક્કો મારે તેમ તે બાકીના દાંતોને ધક્કો મારે છે. તેના કારણે પેઢાં પર દબાણ આવે છે. તેથી દાંતમાં દુઃખાવો, પેઢાંમાં સોજો થાય છે. ક્યારેક માથું પણ દુઃખે છે. પરંતુ આ ઘરગથ્થુ ઉપાયોથી તમે આ દુઃખાવામાંથી રાહત મેળવી શકશો.

દાંતના દુઃખાવામાં આપણામાંથી મોટા ભાગના લોકો લવિંગનો ઉપયોગ કરે છે અથવા તેની સલાહ આપે છે. ડહાપણની દાઢ ફૂટે ત્યારે પણ તે રાહતદાયક હોય છે. તેના એનેસ્થેટિક અને એનેલજેસિક ગુણ દુઃખાવાને મટાડવામાં મદદગાર સાબિત થાય છે.તે ઉપરાંત તેના ઍન્ટીસૅપ્ટિક અને ઍન્ટીબૅક્ટેરિયલ ગુણ પણ ચેપ લાગવા દેતા નથી. તમે ઈચ્છો તો તેને મોઢામાં રાખી શકો છો અથવા તેના તેલનો પ્રયોગ પણ કરી શકો છો.

ક્યા આપ કે પેસ્ટ મેં નમક હૈ? એમ કહીને આકાશમાંથી ટપકી પડતી પ્રિયંકા ચોપરાને કહેવાનું મન થાય કે બેન, અમે તો વર્ષોથી મીઠું વાપરીને દાંતની સફાઈ કરતા આવતા હતા પરંતુ તારી કંપનીની એડવર્ટાઇઝ પહેલાં મીઠાની મજાક ઉડાવતી હતી. એ વાત જવા દો, ડહાપણની દાઢમાં મીઠું રાહત આપે છે. તે પેઢાની બળતરા ઓછી કરે છે. વળી, મીઠાના ઉપયોગથી ચેપનું જોખમ ઓછું થાય છે.

લસણથી કેટલાક લોકો સૂગ ધરાવતા હોય છે, પરંતુ લસણમાં અનેક ઔષધીય ગુણો છે. તેમાં ઍન્ટીઑક્સિડન્ટ, ઍન્ટીબાયૉટિક અને બળતરા શામક ગુણોનો સમાવેશ થાય છે. તે પણ ડહાપણની દાઢના દુઃખાવાને ઘટાડવામાં મદદ કરે છે. તે મોઢાનાં બૅક્ટેરિયાને વધવા નથી દેતું.

લસણની જેમ ડુંગળી પણ ઘણા લોકો પસંદ નથી કરતા. પરંતુ ડુંગળીમાં લસણની જેમ અનેક ઔષધીય ગુણો છે. તે ઍન્ટીસૅપ્ટિક, ઍન્ટીબૅક્ટેરિયલ જેવા ગુણો પણ ધરાવે છે. તેના ઉપયોગથી દાંતના દુઃખાવામાં રાહ મળે છે. વળી તે પેઢાને ચેપથી સુરક્ષિત રાખે છે.

જામફળનાં પાંદડાં દાંતના દુઃખાવમાં દવાની જેમ કામ કરે છે. તેમાં ઍન્ટીઇન્ફ્લૅમેટરી અને ઍન્ટીમાઇક્રૉબાયલ ગુણો હોય છે જે દાંતના દુઃખાવમાં ફાયદાકારક છે.