પ્રેશર કૂકરની રસોઈમાં ફાયદો કે નુકસાન?

0
849

મ્મી ભૂખ લાગી છે.

માત્ર અડધો કલાક! ગરમાગરમ ખીચડી બનાવી દઉં.

આવો સંવાદ ઘણા ઘરમાં થતો હશે. આજની નવી પેઢીને તો કલ્પના પણ નહીં હોય કે ગેસ અને પ્રેશર કૂકર વિના રસોઈ કેવી રીતે થઈ શકે? પહેલાં ચૂલા, પછી સ્ટવ પર રસોઈ કરતાં કેટલી વાર લાગતી! એમાંય શરૂઆતમાં તો પ્રેશર કૂકર વાપરવાની અણઆવડતના કારણે લોકો ડરતા હતા. તેનું ઢાંકણું પ્રેશરથી ઉડીને છત પર ચીપકતું હતું અને પ્રેશર કૂકરમાંથી ખીચડી વગેરેના કારણે છત બગડી જતી હતી.

પરંતુ કૂકરનો ઉપયોગ હવે સામાન્ય થઈ ગયો છે. ખાદ્ય સામગ્રીને જલદી અને સારી રીતે પકાવવા માટે થાય છે. અનેક વાર કૂકરમાં રાંધેલું ભોજન સ્વાદને પણ વધારે છે. પરંતુ સ્વાદ એ આરોગ્ય નિષ્ણાતો માટે અગત્યનું પરિબળ નથી. તેમના માટે અગત્યનું પરિબળ છે આરોગ્ય. શું પ્રેશર કૂકરમાં રાંધેલી રસોઈ આરોગ્યપ્રદ હોય છે?

હકીકતે કૂકરમાં રાંધેલી ખાદ્ય સામગ્રી કેટલી ફાયદારૂપ હોય છે અને કેટલી નહીં, તે ઘણી હદ સુધી તે ખાદ્ય પદાર્થ પર નિર્ભર કરે છે જેને તમે રાંધવા માગો છો. કેટલીક ચીજો કૂકરમાં રાંધવાથી તમારા આરોગ્યને કોઈ નુકસાન ન થતું હોઈ શકે પરંતુ કેટલીક ચીજો પ્રેશક કૂકરમાં રાંધો તો તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કૂકરમાં રાંધેલી કઈ ચીજ ફાયદારૂપ છે અને કઈ નુકસાનકારક.

કૂકરમાં તમે જે રાંધો છો તે વરાળમાં રંધાય છે એ તો તમે જાણો જ છો. કૂકર પૂરી રીતે બંધ હોય છે. આનો અર્થ એ થયો કે ખાદ્ય સામગ્રીમાં રહેલાં પોષક તત્ત્વો નષ્ટ નથી થતાં અને ભોજનમાં રહે જ છે. વિશેષજ્ઞો કહે છે કે પ્રેશર કૂકર દ્વારા શાકમાં હાજર પોષક તત્ત્વો જળવાઈ રહે છે, પરંતુ જો બીજી કોઈ રીતે રાંધો તો બહુ વધુ ગરમ કરવાના કારણે શાકમાંથી પોષક તત્ત્વો નષ્ટ થઈ જવાની શક્યતા છે.

ચોખાની વાત કરીએ તો પ્રેશર કૂકરમાં રાંધેલા ચોખા એટલે કે ભાત, ખુલ્લા વાસણમાં રાંધેલા ચોખાની સરખામણીએ ભારે અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

જોકે આની સામે પ્રેશર કૂકરમાં સ્ટાર્ચ યુક્ત ભોજનને રાંધવું અથવા તેમાં રાંધેલા સ્ટાર્ચયુક્ત ભોજનને ખાવું હાનિકારક હોઈ શકે છે. બટેટાં, ચોખા, પાસ્તા જેવા સ્ટાર્ચવાળા ભોજ્ય પદાર્તને જ્યારે પ્રેશર કૂકરમાં રાંધવામાં આવે છે તો તેમાં એક્રિલામાઇડ નામનું હાનિકારક રસાયણ બને છે જેનું નિયમિત સેવન તમને કેન્સર, નપુંસકતા અને ન્યૂરૉલૉજિકલ ડિસઑર્ડલ જેવી બીમારીઓનો શિકાર બનાવી શકે છે.

બીજું કેટલાક આરોગ્ય નિષ્ણાતો એમ પણ માને છે કે પ્રેશર કૂકરમાં રાંધવાથી તેને ખૂબ જ ગરમીની જરૂર પડે છે. તે બધી બાજુથી બંધ હોય છે. તેથી ભોજન રંધાય છે તો ઝડપથી, પરંતુ તેમાં રહેલા ઘટકો રંધાયા વગરના રહી જાય છે. તેમનો હવા સાથે કોઈ સંપર્ક થતો નથી. આનાથી તમે તેને ખાવ તો પચવામાં અઘરું પડે છે. રસોઈ ધીમી રાંધવાથી તમને મહેનત વધુ પડશે પરંતુ તેનાથી ફાયદો એ છે કે ખાદ્ય પદાર્થમાં પોષક તત્ત્વો જળવાઈ તો રહે જ છે, સાથે ભોજનમાં વિટામીન અને ખનીજો સરળતાથી પ્રાપ્ય રહે છે જે ભોજન આરોગનારને ભોજન પચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત પ્રેશર કૂકર એલ્યુમિનિયમનાં બનેલાં હોય છે. તેમાં બનેલું ભોજન ખાવાથી મનુષ્યના શરીરમાં પ્રતિ દિન ચારથી પાંચ મિલીગ્રામ એલ્યુમિનિયમ જાય છે. માણસનું શરીર આટલું એલ્યુમિનિયમ બહાર કાઢવામાં અસમર્થ હોય છે. તેનાથી યાદશક્તિ નબળી પડે છે, ડિપ્રેશન આવે છે, મોઢામાં ચાંદા પડી જાય છે, અસ્થમા થાય છે, એપેન્ડિક્સ, કિડની ફેઇલ થવી, અલ્ઝાઇમર, આંખોની સમસ્યા, ડાયરિયા જેવી બીમારીઓ પણ થાય છે.