ડિસ્મેનોરિયાઃ સ્ત્રીઓને માસિક વખતે થતા દુઃખાવાનું નિવારણ

સ્ત્રીઓને આરોગ્યને કેટલીક સમસ્યાઓ થતી હોય છે જેમ કે ડિસ્મેનોરિયા અર્થાત્ માસિક વખતે દુઃખાવો, લ્યુકોરિયા, મેનોપૉઝ અને ગર્ભાવસ્થા. આયુર્વેદ મેનોપૉઝ, પીએમએસ, દુઃખાવાવાળું માસિક, ભારે માસિક, સમયાંતરે સોજો થવો, ગાંઠો થવી અને સ્ત્રીઓની અન્ય સમસ્યાઓ અંગે આયુર્વેદમાં સારા ઉપચારો છે જે નિર્દોષ પણ હોય છે. એલોપેથીની મોંઘી દવાઓ અને ડૉક્ટરની ફીની સાપેક્ષમાં આયુર્વેદ પ્રમાણમાં સસ્તું પણ પડે છે અને સાથે અસરકારક પણ નિવડે છે, કારણકે આયુર્વેદ રોગને જડમૂળથી દૂર કરવામાં માને છે. આથી તેનાથી પરિણામ કદાચ લાંબા ગાળે મળે છે પરંતુ સચોટ મળે છે.ડિસ્મેનોરિયા. આયુર્વેદમાં ડિસ્મેનોરિયા વાત દોષના કારણે નીપજે છે તેમ મનાય છે. પરંતુ પિત્ત અને કફ દોષ પણ કારણભૂત છે. આયુર્વેદના વૈદ્યો કેટલાક ઉપચાર સૂચવે છે. આયુર્વેદમાં આહાર વિહાર અને શું ખાવું – શું ન ખાવું, શું પીવું – શું ન પીવું તેનું મહત્ત્વ હોય છે. આવો જોઈએ ડિસ્મેનોરિયા માટે આયુર્વેદ શું સૂચવે છે.

શું ખાઈ શકાય અને શું નહીં એ જોઈએ તો ડિસ્મેનોરિયામાં ભૂરા ચોખા, દળ્યા વગરના આખા અનાજની બ્રેડ, ઑટ વગેરે ખાઈ શકાય. શાકમાં બ્રૉકૉલી, પાલક, ગાજર, શક્કરિયું, નાની કોબી (બ્રસલ સ્પાઉટ) વગેરે ખાઈ શકાય. દાણાવાળા શાક જેમ કે વટાણા, કઠોળ ખાઈ શકાય. ફળો ખાઈ શકાય. માછલી, મરઘાની ચીજો, માંસ, ઈંડા, ડેરી ઉત્પાદનો ન ખાવાં જોઈએ. કચુંબરમાં ઉપરથી ડ્રેસિંગ કરવામાં આવે તે, માર્જરિન અને અન્ય બધાં ખાદ્ય તેલ ન લેવા. ડૉનટ, ફ્રેન્ચ ફ્રાઇઝ, બટેટાની ચિપ્સ, મગફળી, દાણાવાળું માખણ વગેરે ન ખાવાં જોઈએ.

સાથે કેટલાંક યોગાસનો અને વ્યાયામ પણ સૂચવવામાં આવે છે. આહારની સાથે વિહારનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તેના વગર ઉપચાર અધૂરો છે. આથી વ્યાયામ સ્ત્રીઓએ કરવો જોઈએ. ડિસ્મેનોરિયાથી પીડિત સ્ત્રીઓએ રોજ થોડું ચાલવું જોઈએ. આજે ઘણી બધી સુવિધાઓના કારણે અને નોકરીના કારણે સ્ત્રીઓનું  જીવન પણ પરિશ્રમ વગરનું થઈ ગયું છે. ચાલવાનું ઘટી ગયું છે. આથી બને તો રોજ સવારે અથવા રોજ સાંજે થોડું ચાલવું જોઈએ. સમય મળે તો દોડવું અથવા તરવું જોઈએ. સાઇકલ પણ ચલાવી શકાય. દોરડા પણ કૂદી શકાય. જો નૃત્યનો શોખ હોય તો મનપસંદ ગીતો ડીવીડીમાં લગાવીને નૃત્ય પણ કરી શકાય.

પેડુ ક્ષેત્રને વાળીને કરાતો વ્યાયામ કરવો જોઈએ. તેનાથી દુઃખાવામાં રાહત મળે છે. તમારા પગને એક ફૂટના અંતરે રાખીને, ગોઠણ વાળીને ઊભા થાવ. પોતાના હાથ પોતાના નિતંબ પર નિતંબના હાડકાની પાસે રાખો. તમારા પેડુને આગળ પાછળ ૧૦થી ૧૫ વાર ફેરવો. આ કાર્ય ચત્તા સૂઈને તમારા ગોઠણને વાળીને પણ કરી શકો છો. નિતંબને જમીન પર પાથરેલી સાદડી પર રાખીને પેટને ઉપર લઈ જાવ અને પછી પીઠના થોડા હિસ્સાને જમીન પર દબાવો.

યોગાસન પણ માસિક વખતે દુઃખાવાથી સ્ત્રીઓને રાહત આપે છે. આવા કેટલાંક આસનો વિશે જોઈએ તો, સ્ત્રીઓએ માસિક દરમિયાન સુખાસન, માર્જારીઆસન, ધનુરાસન, ભુજંગાસન કરવાં જોઈએ. આ ઉપરાંત પ્રાણાયામ પદ્ધતિસર કરવાથી પણ શરીરને અને મનને બંનેને આરામ મળે છે. આ ઉપરાંત સંગીત અને ધ્યાનથી પણ દુઃખાવામાં રાહત મળે છે. તમે યોગનિદ્રા કરી શકો છો. તે અત્યંત શાંતિદાયક હોય છે. આ બોધયુક્ત ગાઢ નિદ્રાની સ્થિતિ છે.

કેટલાક ઘરેલુ ઉપચાર પણ જોઈએ તો રોજ ૧૦-૧૫ મિનિટ માટે નિતંબને ઠંડા પાણીમાં નાખીને બેસવાથી માસિક ધર્મના મોટા ભાગના વિકાર દૂર થાય છે. સૂતી વખતે બંને પગને થોડી ઊંચાઈ પર રાખીને પથારીમાં પૂર્ણતયા આરામ કરવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન હૂંફાળા પાણીથી સ્નાન કરરવો જોએ. પેટ પર ગરમ પાણીની કોથળીથી શેક કરવો જોઈએ. ગરમીથી પ્રવાહ આરામદાયક બને છે અને દુઃખાવાનું નિવારણ થાય છે. તમારા પેટના નીચેના હિસ્સા અથવા પીઠના નીચેના ભાગ પર હળવા હાથે માલિશ કરાવો.