નાકમાં પેદા થતો આ પદાર્થ તંદુરસ્તીની નિશાની છે!

“બસ, તું તો બેઠોબેઠો ગૂંગા જ કાઢ્યા રાખજે.”

“કેવો ગંદો છે? નાક સાફ રાખતો જ નથી. નાકમાં જો, ગૂંગા થઈ ગયા છે.”

ગૂંગાનો એક અર્થ મૂંગો થાય છે પરંતુ નાકમાં જે પદાર્થ જામીને ઘણી વાર નાકની અંદરના ભાગે ચોંટી જાય છે જે કાં તો રૂમાલમાં નીકળે અથવા કેટલાક લોકો બેઠાંબેઠાં હાથેથી કાઢતા હોય છે તેને પણ ગૂંગા કહેવામાં આવે છે. આ ગૂંગા કે લીંટને મોટા ભાગના લોકો અસ્વચ્છતા કે બીમારીની નિશાની માનતા હોય છે, પરંતુ આજે તેમનો ભ્રમ ભાંગી જશે.

અંગ્રેજીમાં મ્યુકસ, સ્નૂટ, બુગર કે ફ્લેગમ તરીકે ઓળખાતા આ ગૂંગા કે લીંટ ખરેખર તો માનવ શરીરની પેટા ઉપજ છે જેને ઘણા સ્વચ્છતાપ્રેમીઓ ધિક્કારતા હોય છે. કોઈને નાકમાં આંગળી નાખેલી જુએ તો પણ આ લોકોને ચીડ ચડતી હોય છે. પછી પોતે ભલે કોઈને ગળે મળે, તેને ચુંબન કરે તો તેમાં કોઈ અસ્વચ્છતા આવતી નથી. માસિક દરમિયાન મંદિર જવાનો આગ્રહ રાખે તો તેમાં કોઈ અસ્વચ્છતા આવતી નથી, પરંતુ નાકમાંથી ગૂંગા કાઢવાની પ્રવૃત્તિ કે હાથેથી જમવું તેમને અસ્વચ્છતાની નિશાની લાગે છે.

હકીકતે આ ગૂંગા કે લીંટ તો તમારી તબિયત સારી છે તેની નિશાની છે! વાંચીને સ્વચ્છતાપ્રેમીઓ ચોંકી જવાના. પરંતુ આ વાત પશ્ચિમી વિજ્ઞાન કહે છે.

પહેલાં તો એ સમજીએ કે આ ગૂંગા કે લીંટ ખરેખર છે શું?

જ્યારે આપણે ગૂંગા કે લીંટનો વિચાર કરીએ છીએ ત્યારે આપણા મનમાં પહેલો વિચાર નાકમાં ચોંટી ગયેલા પદાર્થનો આવે છે. પરંતુ ગૂંગા કે લીંટ તેના કરતાં કંઈક વધુ છે. ગૂંગા કે લીંટ ચીકણું પ્રવાહી છે. આપણું શરીર આપણને નુકસાનકારક બૅક્ટેરિયા અને વાઇરસોથી બચાવવા માટે તેને બનાવે છે. આમ, ગૂંગા કે લીંટ ખરેખર તો આપણા શરીરને નુકસાનકારક બૅક્ટેરિયા અને વાઇરસોથી બચાવવાનું કામ કરે છે. જો તમારું નાક સૂકું રહેતું હોય તો તેનો અર્થ એ સમજવો કે તમારું શરીર ચેપને ઝડપથી પકડી લેશે અને તમને બીમારી થવાની શક્યતા વધુ છે.

ગૂંગા કે લીંટ ખરેખર તો નાકને ભીનું રાખે છે. તે પર્યાવરણમાં રહેલા ધૂળના કણો, પરાગકણ, બૅક્ટેરિયા અને વાઇરસ જે આપણાં ફેફસાં સુધી પહોંચવા માગે છે તેમને રોકે છે.

જ્યારે ગૂંગા કે લીંટ શરીર માટે આટલા સારા છે તો હવે સૂગ વગર વાંચજો કે ગૂંગાના રંગ કેવાકેવા હોય છે?

સૌથી તંદુરસ્ત પ્રકારના ગૂંગા પ્રવાહી અને સ્વચ્છ હોય છે. આ ઉપરાંત ગૂંગા સફેદ પણ હોય છે. જો તમને ઠંડી લાગતી હોય, તો તમારા નાકમાં પ્રવાહી જાડું થશે અને તે સફેદ લાગશે. આનો સંકેત એ હોઈ શકે કે ચેપ સામે લડવા તમારું શરીર સફેદ રક્ત કણોને બહાર ધકેલી રહ્યું છે.

જો ગૂંગાનો રંગ લીલો કે પીળો હોય તો એનો અર્થ એ થયો કે તમને કોઈક પ્રકારનો ચેપ જેમ કે શરદી કે ફ્લુનો લાગેલો છે. તમારા જ્વલનશીલ કોષોમાંથી પ્રૉટિન બહાર આવે છે તેના કારણે ગૂંગાનો રંગ લીલોલો થાય છે. તે ઝેરી પદાર્થ છે જે અંદર પ્રવેશવા માગતા જીવાણુઓને મારી નાખે છે.

જો ગૂંગાનો રંગ લાલ કે ગુલાબી હોય તો તેનો અર્થ એ કે તમે માંદા છો અને તમને ખૂબ જ કફ થઈ ગયો છે. ઉધરસ છે. તમારા ગૂંગામા લોહી ભળેલું છે. તે તમારા નાક કે ગળામાં રહેલી રક્તવાહિનીઓ તૂટી ગઈ હોવાથી તેમાંથી લોહી આવે છે. કેટલાક કિસ્સાઓમાં તે કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે. આવા સંજોગોમાં તમારે તમારા ડૉક્ટરને બતાવી યોગ્ય ટૅસ્ટ કરાવવાં જોઈએ.

જો ગૂંગા કથ્થાઈ કે કાળા રંગના હોય તો તેનો અર્થ પણ ચેપ થાય છે. જે લોકો ખૂબ જ ધૂમ્રપાન કરતા હોય અથવા નોકરીના ભાગ રૂપે જેમને ધૂમાડા કે કોલસાની ધૂળ શ્વાસમાં જતી હોય તેમને આવા ગૂંગા થઈ શકે છે. આ પ્રકારના ગૂંગા ગંભીર ફેફસાના રોગીઓમાં પણ દેખાય છે. આ રંગ લોહી અને ફેફસાની બળતરાના કારણે હોઈ શકે છે.

ઉપર આપણે વાત કરી કે ગૂંગા તો તંદુરસ્તીની નિશાની છે, પરંતુ જો તમને ગળું બેસી ગયું હોય,  તાવ હોય કે ઠંડી લાગતી હોય તો ગૂંગાને તંદુરસ્તીની નિશાની માનીને બેસી ન રહેતા. ડૉક્ટરને બતાવજો. ડૉક્ટરને ગૂંગાનો રંગ કહેજો.