લાંબો સમય કામ કરવું શરીર માટે જોખમી

હાર કામ કરવું તે આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. પેટ કરાવે વેઠ. તેથી ઑફિસ કે ધંધાના કામે બહારગામ પણ જવું પડે. જોકે બહાર કસરત કરવી તેના લીધે કેટલીક તકલીફ પડી શકે છે. એક સૌથી મોટી તકલીફ જેનો આજકાલ અમેરિકાથી માંડીને ભારત સુધી બધાં જ અનુભવ કરે છે તે છે હવામાન. બહુ ગરમ, બહુ ઠંડું, કે મૂશળધાર વર્ષાવાળું હવામાન તમને બહાર જતાં અટકાવે છે.

ઘણા લોકો માનતા હોય છે કે શરીર સુદૃઢ બનાવવું હોય તો હવામાનને અનુકૂળ શરીર બનાવવું જોઈએ. ઠંડી સહન કરતા આવડવું જોઈએ. ગરમી સહન થવી જોઈએ. વરસાદ સહન થવો જોઈએ. આ માટે માઘ મહિનામાં કેટલાક લોકો ઠંડા પાણીએ માઘ સ્નાન પણ કરતા હોય છે. પરંતુ આ જેને માફક આવે તેની જ વાત છે. બધાને તે માફક ન પણ આવે.

તમે કયા તાપમાને કસરત કરો છો તે તમારા શરીરની સુખાકારી માટે બહુ જ અગત્યનું છે. જો તમે ઉનાળામાં બહાર કસરત કરવા જશો તો તમે શરીર ખાલી ખાલી લાગશે. થાકેલું લાગશે. જાણે તમારા શરીરમાં પાણી છે જ નહીં. આ જ રીતે ઠંડીમાં બહાર કસરત કરવાથી તમારાં ફેફસાંને તકલીફ પડી શકે છે. આનું કારણ એ છે કે શિયાળામાં બહુ સૂકી હવા તમારા ફેફસાં સાથે અથડાય છે. તેનાથી તમે બહુ જ ઠંડા પડી જાવ છો.

તમારામાંના ઘણા ઠંડીનો સામનો કરવા ગરમ જેકેટ પહેરતા હશે અને તે પહેરીને બહાર કસરત કરવા જતા હશે. પરંતુ નિષ્ણાતોના કહેવા પ્રમાણે, હવામાન બાબતે કેટલીક સાવચેતી જરૂરી છે જ્યારે તમારે બહાર કસરત કરવાનું ટાળવું જોઈએ.

હવામાન

નિષ્ણાતોના મત મુજબ, જો તાપમાન શૂન્યથી નીચે હોય અને ઠંડો પવન વાતો હોય તો તમારે ઘરમાં પૂરાઈ રહેવું જોઈએ. આ હવામાનમાં શૂરા બનવાની જરૂર નથી. શરીર સારું બનાવવા જતાં શરીર અકડાઈ જશે! ઉપરાંત તમારી ખુલ્લી ત્વચાની પેશીઓ પર ઠંડીના કારણે ઈજા જેને અંગ્રેજીમાં ફ્રૉસબાઇટ કહે છે તે ૩૦ મિનિટમાં જ થઈ જશે.

ઠંડીથી ઈજા

જો તાપમાન શૂન્યથી નીચે ન હોય તો પણ શૂરા થઈને બહાર કસરત કરવા જવાની જરૂર નથી. જો તમને પગ કે હાથ કે અન્ય ભાગોમાં સંવેદનહીનતા એટલે કે ખાલી લાગતી હોય તો ઘરમાં પૂરાઈ રહો તેમાં જ તમારું ભલું છે. સંવેદનહીનતા અથવા ખાલી એ ફ્રૉસબાઇટનું પહેલું લક્ષણ છે.

પરંતુ નોકરી માટે…?

જોકે જો તમારે નોકરી માટે બહાર જવાનું જ હોય તો તમારે તેમ ન કરવું પડે તે માટે બને તેટલા પ્રયાસો કરો, નહીં તો હરિ હરિ. પરંતુ જો તમારા નોકરીપ્રદાતા તમને દર સપ્તાહે ૫૦ કલાક કામ કરવા કહે અને તમે તેમને ખુશ કરવા સપ્તાહના ૬૦ કલાક કે તેથી વધુ કલાકો કામ કરો અને તમને એમ કે બોસ ખુશ હોગા, સાબાસી દેગા તો સબૂર, તમે ટૂંકા ગાળે અને લાંબા ગાળે એમ બંને રીતે ઓછા ઉત્પાદક બનશો. ઉપરાંત તમારું શરીર થાકી જશે તે અલગ.

સલામતીને જોખમ

જેમ થાક વધે તેમ સલામતી જોખમાય. થાકના કારણે તમારું મગજ તમારા કાબૂમાં ન રહે. બરાબર સંદેશાઓનું વહન ચેતાતંત્રમાં ન થાય. તમને ખબર હોય તો જ્યારે ઊંઘ પૂરતી ન થઈ હોય ત્યારે કેટલાક લોકો ગરબડ ગરબડ ન સમજાય તેવું બોલવા લાગે અથવા તેમના પગ લથડિયા ખાવા લાગે. આ બધાના કારણે તમે જો સ્કૂટર કે કાર ચલાવતા હો તો અકસ્માત કરી પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડી શકો છો.

તમારા લાંબા સમયના કામના કારણે તમે પરિવાર સાથે, સમાજ સાથે સમય વિતાવવાનું ગુમાવો છો. તેના કારણે તમને જે આનંદ મળવો જોઈએ તે મળતો નથી. આ આનંદ વગરની જિંદગી તમને હતાશામાં ગરકાવ કરી શકે છે. વળી, લાંબા ગાળાના કામ છતાં જો ચાપલૂસ અને ઓછું કામ કરનાર કર્મચારી વધુ પ્રમૉશન કે પગારવધારો મેળવી જાય તો આ હતાશા ઓર વધી શકે છે. આ રીતે છેવટે તમે તણાવને નોતરી બેસો છો. આ બધું થાય એટલે હૃદય રોગ, ડાયાબિટીસ વગેરે રોગોની સંભાવના સ્વાભાવિક રીતે જ વધી જાય છે.