એનર્જેટિક રહેવા આટલું ધ્યાનમાં રાખો…

જકાલની બિઝી લાઇફમાં શરીરને ફિટ રાખવું ખૂબ જ જરૂરી છે. નાની વયથી જ ચક્કર આવવા, બીપી હાઇ થઇ જવુ, લૉ થઇ જવું, એચબી ઘટી જવું જેવા અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આપણાં વડીલો કહે છે કે અત્યારથી જ તમારી આવી હાલત છે તો આગળ જઇને શું કરશો..અમારા જેવા ઘી રોટલા ખાવ તો શરીર ક્યાંય સુધી ચાલશે. ઘણાં લોકો રોજ જીમમાં જઇને લાંબા સમય સુધી પરસેવો પાડી મહેનત કરતા હોય છે એ ખૂબ સારી વાત છે. પરંતુ તમે જીમમાં જઇને મહેનત કરીને પરસેવો પાડો છો ત્યારે તમે શરીરને એનર્જીમાં રાખવા માટે શું કરો છો? ઘણાંબધાં લોકો સ્પેશિઅલ એનર્જી ડ્રિંક પીવે છે. પણ તમે ક્યારેય એ વિચાર કર્યો છે કે આવા એનર્જી ડ્રિંક ક્યારેક તમારી મહેનત પર પાણી ફેરવી દે છે. આ ડ્રિંક માત્ર તમારી એનર્જી જાળવી રાખવામાં મદદ કરશે પણ તમારું વજન સામે વધારી દે છે જેથી તમારી મહેનત પાણીમાં જશે. તો જાણો વર્કઆઉટ દરમિયાન કે દિવસ દરમિયાન ભાગદોડવાળી લાઇફમાં કયું ડ્રિંક પીવું જે તમને એનર્જી આપવામાં મદદરૂપ બનશે. અત્યારે તો શિયાળાની ઋતુ છે એટલે સારા એવા લીલાં શાકભાજી મળી રહે છે જેનો તમે ઘરે જ જ્યુસ બનાવી શકો છો. અથવા તો તમે મિક્સ શાકભાજીનો સૂપ પણ બનાવી શકો છો જેથી તમામ શાકભાજીના વિટામીન અને પ્રોટીન તમને મળી રહે. જીમમાં જાવ એ ત્યારે વર્કઆઉટ દરમિયાન જે એનર્જી તમે ગુમાવી છે. તેને મેળવવા માટે ગાજરનો રસ સૌથી સારો અને ફાયદાકારક છે. આ એટલા માટે ફાયદાકારક છે કારણ કે આમાંથી વિટામીન ઇ મળે છે તેમ જ મસલ્સને ઓક્સિજનનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. ગાજરમાંથી વિટામીન, પ્રોટીન, મીનરલ સૌથી વધુ મળતાં હોય છે. જેથી ગાજર તમારી એનર્જી વધારી શકે છે. આગળ વાત કરીએ તો ગ્રીન ટી, જો કે આની માહિતી તો અત્યારે સૌ કોઇ પાસે હશે જ. જીમમાં જતાં મોટા ભાગના તમામ લોકો ગ્રીન ટી જ પીતા હોય છે. પણ જો તમે ગ્રીન ટીમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરી પીશો તો કસરત દરમિયાન તમારામાં એનર્જી આવશે. તેમજ તમારી સહનશક્તિમાં પણ વધારો થશે.હવે વાત સૌની પ્રિય ચોકલેટ..ચોકલેટ મિલ્ક એ સારું એનર્જી ડ્રિંક છે અને સૌ કોઇને ભાવે પણ છે. ચોકલેટ મિલ્ક કસરત પહેલાં પણ પી શકાય છે અને કસરત પછી પણ પી શકાય છે. આ એનર્જી ડ્રિંક મસલ્સને મજબૂત બનાવા માટે ઉપયોગ કરે છે. જેનાથી તમારા મસલ્સનો થાક ઓછો થાય છે. સફરજન પણ એક પ્રકારનું એનર્જી આપતુ જ ફ્રુટ છે. એટલે જ જ્યારે કોઇ બીમાર પડે ત્યારે ખાવામાં સૌથી વધારે ફ્રુટ અપાતુ હોય તો તે સફરજન જ છે. આ ખાવાથી તમે એનર્જેટીક ફીલ કરશો. પ્રવૃત્તિમય રહેવાનું પસંદ કરશો. અને જો સફરજનને દૂધ સાથે મિક્સ કરી લેવામાં આવે તો તો આખો દિવસ તમારો એનર્જેટિક રહે છે.

આપણા શરીરની શક્તિને સૌથી વધારવામાં જે મદદ કરે છે તો તે છે એમિનો એસિડ. આનાથી ચરબી તો બળે જ છે પણ સાથે સાથે શરીરમાંથી પાણીની ખામી પણ દૂર થાય છે. તો આના માટે તમે લીંબુ અને મધનો જ્યુસ પી શકો છો. જો તમારા મસલ્સમાં દુખાવો થતો હોય તો તમે આની અંદર આદુ નાખીને પણ પી શકો છો. જેનાથી મસલ્સનો દુખાવો જલદીથી દૂર થશે. વર્કઆઉટ દરમિયાન આપણું શરીર મોટી માત્રામાં પાણી ગુમાવે છે. માટે કસરત દરમિયાન 15 થી 20 મિનિટમાં પ્રવાહી પદાર્થ લેવો જોઇએ કે જેથી કરીને શરીરમાં અશક્તિ ન આવે. વર્કઆઉટ દરમિયાન પાણી સારો વિકલ્પ છે પણ શરીરમાં પાણી સાથે ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક પીવું જોઇએ. અને જો તમે વધુ સમય સુધી કસરત કરતા હોવ તો પ્રોટીનયુક્ત ડ્રિંક પણ પીવું જોઇએ. અત્યારની વાત કરીએ તો લાઇફ એટલી ફાસ્ટ થઇ ગઇ છે કે આખો દિવસ ભાગદોડમાં જ નીકળી જતો હોય છે. તમે જીમ ન જતા હોવ તો પણ દિવસ દરમિયાન એટલુ કામ પહોંચતુ હોય છે કે આ શરીરને એનર્જીની જરૂર પડે જ છે તો તમારે સામાન્ય દિવસમાં પણ આ ડ્રિંક્સ પીતા રહેવા જોઇએ.