વિમાનમાં સ્ટ્રેસ, મૂડ સ્વિંગ અને થાક કેમ દૂર કરવો?

વિમાનમાં જવું કોને ન ગમે? જેમને વારંવાર વિમાનમાં જવાનું ન થતું હોય તેમને. જેમની પાસે ઓછો સમય છે તેમને. પરંતુ વિમાનમાં જવું કોને ગમે? તેમ પૂછો તો જે લોકો વારંવાર વિમાનમાં જતા હશે, લાંબી યાત્રા પર જતા હશે તેઓ કહેશે કે ભાઈ, વિમાનમાં તો અકળાઈ જવાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એક તો આટલી ઊંચાઈએ પાતળી હવા અને આટલા બધા લોકો. પગ પણ જકડાઈ જાય છે.

આમ, વિમાનમાં મુસાફરી કરવી એ મગજ પર તણાવદાયક અને શરીર માટે થાકદાયક હોય છે. પગ લાંબા-ટૂંકા કરવાની મોકળાશ હોતી નથી. હાથ પસારવાની પણ જગ્યા હોતી નથી. અને શ્વાસની તો વાત જ ન પૂછો. વિમાનની અંદર હાજર લોકોના શ્વાસ જ ઘૂમરાયા કરે છે. આવી યાત્રામાં ઘણી વાર તમને થાય છે કે આના કરતાં પોતાના ઘરે હોઈએ તો સારું. એ ને, પગ લાંબા કરીને હાથ પસારીને સૂઈ તો શકાય અને શ્વાસોચ્છવાસ તો સારા લઈ શકાય. (જોકે એમાં પણ પ્રદૂષણ નડે, પરંતુ તોય પ્રમાણમાં રાહતદાયક ખરું.)

ટ્રેનમાં મુસાફરી કંઈક વધુ રાહતદાયક હોય છે કારણકે તેમાં છૂટથી બેસી શકાય છે, સૂઈ પણ શકાય છે. હવે વિમાનમાં રાહ જોવાનો સમય વધી ગયો છે. એક તો પહેલાં વિમાનમથકે વહેલા પહોંચી જવાનું અને ત્યાં રાહ જોતા બેસી રહેવાનું કંટાળાજનક અને સરવાળે થાકદાયક હોય છે. તેમાં વિમાનની અંદર ઉપર કહ્યું તેવી સ્થિતિ હોય છે.

આવી સ્થિતિમાં યોગ બહુ જ ઉપયોગી નિવડે છે. યોગ ન માત્ર તણાવ દૂર કરે છે, પરંતુ તમારો મિજાજ, લોહીનું પરિભ્રમણ, શ્વાસોસ્છવાસ વગેરેમાં પણ લાભદાયક છે. જ્યારે તમે વિમાનમાં ઉડતા હો ત્યારે યોગાસન ફાયદાકારક છે. તમે કહેશો કે વિમાનમાં હાથ લાંબા કરવાની જગ્યા નથી હોતી તો યોગાસન ક્યાં કરવા જઈએ.

લાંબો-દીર્ઘ શ્વાસ ભરો અને આ વાંચવાનું શરૂ કરો.

યોગાસનના નિષ્ણાતો મુજબ, તમે વિમાનમાં હો કે તમારા કાર્યાલયમાં, યોગ બધે જ ઉપયોગી છે. યોગને જોડો તો તમારું શરીર નિરોગી રહે છે. તમે કઈ રીતે બેસો છો, કઈ રીતે ચાલો છો, કઈ રીતે સૂઓ છો તેની સાચી જાણકારી યોગમાંથી મળી રહે છે. આપણે કોઈ સંમિત આકારના એટલે કે બંને બાજુ સરખા નથી. આથી જ્યારે આપણે બેઠા હોઈએ ઘણી વાર આપણું શરીર ઢળી પડે છે. અને આ જ કારણ તમારી સમસ્યાનું છે. પીઠમાં, ખભામાં કે કુલામાં દુઃખાવો થઈ શકે છે.

આ ઉપરાંત ઑક્સિજનની ઉણપ અથવા ઓછું પ્રમાણ માણસના મન પર અને મિજાજ પર અસર કરે છે. આથી વિમાનમાં જો તમને અચાનક કારણ વગર ચિંતા કે હતાશા થવા લાગે તો સમજવું કે તેનું કારણ ઑક્સિજનનું પૂરતા પ્રમાણમાં ન હોવું તે છે. આવા સમયે તમને તમે તમારા સગાને મળવા જઈ રહ્યા છો તે વાત પણ આનંદ નહીં આપી શકે.

આ જ રીતે તમે એક નિશ્ચિત જગ્યામાં બહુ ખાસ હલનચલન કર્યા વગર બેસી રહો છો તેની અસર શરીર પર પણ પડે છે. યુસી બર્કેલી ખાતેના ફિઝિકલ ઍજ્યુકેશન પ્રૉગ્રામના નિર્દેશક ડૉ. સ્ટીવન મુર્રે કહે છે કે તમે ખાસ હલનચલન ન કરી શકો તો તેની અસર લોહીના પરિભ્રમણ પર પડે છે. તેની વધુ અસર તો સ્વાભાવિક જ પગ અને ઘૂંટી પર પડે છે. પરંતુ આમ છતાં પગ અને પંજાની જેટલી હિલચાલ શક્ય છે તે કરતા રહેવું જોઈએ.

આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં મદદ માટે ઊંડા શ્વાસ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ તેમ યોગ નિષ્ણાતો માને છે. વિમાનમાં પણ પગ છૂટો કરવા ચાલવું જોઈએ. લઘુશંકા કે શૌચ લાગે તો ખચકાટ ન રાખતાં તેનો નિકાલ કરવો જોઈએ કારણકે મુસાફરી દરમિયાન મૂત્ર કે મળ જો શરીરમાં ભરાઈ રહે તો તમારા તણાવ અને થાકમાં ખૂબ જ વધારો થશે અને કિડની જેવાં અંગો પર તેની અસર પડશે.