ડોક્ટરને કેટલીયવાર બતાવો પણ ઠેરના ઠેર રાખતી બીમારી

વર્ષાને લાગે છે કે ડૉક્ટર તેની બીમારી વિશે સાંભળતા જ નથી અને સાંભળે છે તો તે તેને સમજતા જ નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી તે ખબર નહીં કેટલાયને મુલાકાત લઈ આવી હશે અને ડૉક્ટરને તગડી ફી પણ ચૂકવી હશે પરંતુ તેને કોઈ ફાયદો થયો નથી. આથી આજે તે ફરીવાર ગેસ્ટ્રૉએન્ટેરૉલૉજિસ્ટ પાસે આવી છે અને તે જાણવા માગે છે કે તેને ખરેખર કઇ બીમારી છે.

અને વર્ષાને ડૉક્ટર કહે છે કે તેને ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ નામનો રોગ છે. તેના કારણે તેને પેટમાં વારેવારે હળવું દર્દ આંકડી આવવી અને મરોડ થવો જેવી સમસ્યા રહે છે. સાથે જ સંડાસ જઈ આવ્યા પછી પણ તેને લાગે છે કે તેનું પેટ પૂરી રીતે સાફ થયું નથી. તેને ક્યારેક કબજિયાત થાય છે તો ક્યારેક ઝાડા જેવું સંડાસ ઉતરે છે. અને આ બધી સમસ્યાઓ હોવા છતાં પણ જ્યારે તે કોઈ પણ રિપોર્ટ કરાવે તો તે સામાન્ય આવે છે. આ કારણે તે નિરાશ થઈ ગઈ છે અને તેને લાગે છે કે ડોક્ટર કે પછી આધુનિક ચિકિત્સા વિજ્ઞાન તેની સમસ્યાઓને સમજવા અને તેનો નિદાન કે ઉપચાર કરવામાં નિષ્ફળ છે.

વર્ષાને જે બીમારી છે તે રમેશને પણ હોઈ શકે છે. આ બીમારીને સમજવા માટે આપણે એ વાત સારી રીતે સમજવી જોઈએ કે બધાં અંગોની જેમ પાચનતંત્રના તાર પણ મસ્તિષ્ક સાથે જોડાયેલા છે. મસ્તિષ્કમાંથી નીકળતા આ ઢગલાબંધ તંતુઓ ભોજનના પાચન અને આમાશય તેમજ આંતરડાઓના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.  ભોજન કેટલું પચે છે અને કેટલું મળ બનીને બહાર આવી જાય છે તે બધું આ બધી બાબતો સાથે જોડાયેલું છે. આ બધી ગતિવિધિઓનો આધાર માત્ર પાચન તંત્ર પર જ નથી. તેના માટે તેને મગજનું પણ ભરપૂર સહકાર જોઈએ છે. આ રીતે મસ્તિષ્ક અને પાચન તંત્રની ધરી ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એને જાણવી બધા માટે ખૂબ જ જરૂરી છે. સરળ ભાષામાં કહીએ તો વર્ષાના આંતરડાંમાં તકલીફ થઈ છે. આંતરડાં ઇરિટેટેડ છે. અર્થાત તે ગુસ્સે થયેલાં છે અને આ ગુસ્સો મસ્તિષ્ક દ્વારા તેના પર થોપવામાં આવે છે.

ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના દર્દીઓમાં ચિંતા, બેચેની અર્થાત્ એન્ક્ઝાઇટી, અવસાદ અર્થાત્ ડિપ્રેશન અને અનિદ્રા જેવાં લક્ષણો ખૂબ જ જોવા મળે છે. સાચે જ આ પ્રકારના રોગ ધરાવતા લોકોનું મસ્તિષ્ક અસ્વસ્થ હોય છે અને તેનો પ્રભાવ તેના પાચનતંત્ર પર પડવા લાગે છે. આથી તેનામાં આ લક્ષણો પેદાં થાય છે જેને તે ડૉક્ટરને દેખાડવા માટે જાય છે. પરંતુ ડૉક્ટરો મોટા ભાગે બાહ્ય તપાસ જ કરે છે. તેઓ માનસિક બાબત જોતા નથી. આથી રિપોર્ટમાં આ વાત પકડાતી નથી. પરિણામે દર્દીને લાગે છે કે તેનો રોગ અસાધ્ય છે. આ પ્રકારના રોગવાળી વ્યક્તિએ એ વાત સારી રીતે સમજી લેવી પડશે કે બીમારીમાં માત્ર પેટની દવા ખાવાથી આ રોગમાંથી મુક્તિ નહીં મળે. આ રોગના દર્દીએ પોતાની માનસિક સમસ્યાઓમાંથી છુટકારો મેળવવો જોઈએ. તેણે પોતાના વ્યવહાર અને જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે. તેણે યોગનો સહારો લેવો પડશે. અથવા બીજી કોઈ રીતે તણાવ, ચિંતા અને બેચેનીને દૂર કરવી પડશે. સંગીત અથવા તો ફિલ્મ કે બીજી કોઈ મનગમતી પ્રવૃત્તિ પણ હોઈ શકે છે. આ ઉપરાંત સારા મનોચિકિત્સકને બતાવવાથી પણ તકલીફનું નિવારણ આવી શકે છે.