ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરેલુ અને આસાન ઉપાય

ન આંખોકી મસ્તી કે મસ્તાને હજારો હૈ. આંખો પર આવા તો કેટલા સોંગ્સ બનેલા છે. પણ આ સોંગ્સ જેવી આંખો કેટલાની હોય? આંખો પર કેટકેટલા ડાયલોગ્સ પણ છે જે સાંભળવા તો ગમે, પણ આપણી આંખોને જોઇને કોણ આવા ડાયલોગ્સ મારે એ પણ સવાલ છે. કારણ એટલું જ કે આજકાલની હેક્ટિક લાઇફસ્ટાઇલનું પ્રતિબિંબ આપણી આંખો અને તેની આસપાસના કુંડાળાથી છતું થઇ જાય છે. મોટાભાગે દસમાંથી 5 વ્યક્તિને આછાથી લઇને ઘેરા કુંડાળા હોય. આંખોની આસપાસ કાળા કુંડાળા તમારી સુંદરતાને છુપાવી દે છે. અને આ સમસ્યા ખાલી મહિલાઓને નહીં દરેકને થાય છે.ડાર્ક સર્કલ માટે ઘણા કારણો જવાબદાર હોય છે. ડિસ્ટર્બ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, અનિંદ્રા, હોર્મોનલ ચેંજ કે બીજા કોઇ પણ કારણો હોય શકે. પણ કોને ગમે કે તેમની આંખોની આસપાસ ડાર્ક સર્કલ હોય?   આંખોની આસપાસના આ ડાર્ક સર્કલ ને જો સમય રહેતા સાચવીએ નહીં તો તે તમારી પ્રતિભાને ઝાંખી પાડી દે છે. આમ તો બજારમાં કેમિકલ પ્રોડક્ટ્સ અવેઇલેબલ છે ડાર્ક સર્કલને દૂર કરવા. પણ આંખોની આસપાસની સ્કીન સેન્સિટીવ હોય છે જેથી તેના રિએક્શન એક મોટો ઇશ્યુ બની જાય છે. અલબત્ત આપણા દાદીમાની પોટલી તો જોરદાર છે જ.

આપણા વડીલોએ ડાર્ક સર્કલ માટે પણ કેટલાક ઘરગથ્થુ ઉપાય આપેલા છે. સૌથી પહેલો અને એકદમ સરળ ઉપાય ટામેટા. જી હા, ટામેટા ડાર્ક સર્કલ દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે. તેનાથી ડાર્ક સર્કલતો દૂર થાય છે પણ સાથે સ્કીન સોફ્ટ બને છે. એક ટીસ્પૂન ટામેટાના રસમાં એક ટી સ્પૂન લીંબૂનો રસ મિક્ષ કરીને તમારી આંખની નીચેના ડાર્ક સર્કલ પર લગાવવો અને 10 મિનીટ બાદ તેને પાણીથી ધોઇ નાખવું. દિવસમાં બે વાર આ પ્રયોગ કરશો તો તમને બે દિવસમાં ફેર દેખાશે. તમે દરરોજ ટામેટા અને લીંબૂના રસમાં ફુદિનો નાંખીને તેનુ સેવન કરશો તો પણ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ મળશે.

ટામેટા સિવાય બટાકા પણ ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઉપયોગી છે. કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢીને એ રસને કોટન કે રૂની મદદથી આંખો બંધ કરીને તેના પર એ કોટન મુકી દેવું. આંખ અને તેની આસપાસનો ડાર્ક સર્કલનો પુરેપુરો ભાગ ઢંકાઇ જાય એ રીતે કોટન કે રૂ મૂકવું. અને 10 મિનીટ પછી આંખોને ઠંડા પાણીથી ધોઇ લેવી. કાકડી વિશે આપણે બધા જાણીએ જ છીએ કે તેના કટકાને આંખો પર મુકવાથી પણ ફાયદો થાય છે. કાકડીને અડધો કલાક ફ્રીઝમાં રાખીને ત્યાર બાદ એ ઠંડી કાકડીના ટુકડા આંખો પર મુકવાથી ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે. 10 મિનીટ બાદ ફરી એ ટુકડા હટાવીને આંખોને ઠંડા પાણીએ ધોઇ લેવી. આ પ્રયોગ વાંરવાર કરવાથી આંખોની ગરમી અને આસપાસના ડાર્ક સર્કલ બંને દૂર થાય છે. અને તમે ઇન્સટન્ટલી આંખોની ફ્રેશનેસ અનુભવી શકો છો.

અન્ય એક પ્રયોગ છે બદામના તેલ અને લિંબૂના રસનો. જેનાથી એક અઠવાડિયામાં તમે તમારા ડાર્ક સર્કલ આછાં થતા જોઇ શકશો. એક ટી સ્પૂન બદામના તેલમાં 2થી 3 ટીપાં લિંબૂનો રસ નાખીને રોજ રાતે તેનાથી આંખોની આસપાસ મસાજ કરવી. અઠવાડિયામાં તમને જાતે જ ફરક દેખાશે. જો કે માત્ર બદામના તેલથી પણ અસર થાય છે પણ લિંબૂનો રસ મિક્ષ કર્યો હોય તો જલ્દી ફરક દેખાશે. બદામનું તેલ દરેક પાસે અવેઇલેબલ હોય જ એવુ નથી. પણ દૂધ એ એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં મળી જાય. તમે કાચુ અને ઠંડુ દૂધ પણ વાપરી શકો ડાર્ક સર્કલ દૂર કરવા માટે. કોટન બૉલને કાચા ઠંડા દૂધમાં પલાળીને તેનાથી બંને આંખોને કવર કરી લેવી. થોડી વાર બાદ તેને હટાવીને પાણીથી આંખો ધોઇ લેવી. આમ કરવાથી પણ આંખોમાં ઠંડક રહેવાની સાથે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ મળે છે.

ગુલાબ જળના પોતા મુકવાથી પણ ફાયદો થઇ શકે. 15 મિનીટ ગુલાબજળમાં પલાળેલા કોટન બોલ્સ કે પછી પોતા મુકીને આંખને ઠંડા પાણીએ ધોઇ લેવી. આ પ્રયોગ મહિના સુધી દરરોજ રાત્રે કરશો તો તમને રિઝલ્ટ દેખાશે. આ સિવાય તમે છાશનો ઉપયોગ પણ કરી શકો. બે ટેબલ સ્પૂન છાશ અને તેમાં ચપટી હલ્દી નાંખીને આ મિશ્રણને આંખોની આસપાસ ડાર્ક સર્કલ પર અપ્લાય કરવું. 15 મિનીટ બાદ હુંફાળા પાણીથી આંખો ધોઇ લેવી. હલ્દીના ઘણા બધા ફાયદામાંથી એક એ પણ છે કે તેના ઉપયોગથી આંખોની આસપાસના કાળા કુંડાળા દૂર કરી શકાય છે. આ બધાં ખુબ સરળ અને ઘરેલુ આસાન નુસ્ખા છે આ કે જેનાથી તમે ડાર્ક સર્કલને કહી શકશો બાય-બાય.