વાળ ખરવા, વજન વધવું જેવી સમસ્યાઓના હાથવગા ઈલાજ

યુર્વેદ એ ભારતનું પોતાનું આરોગ્ય વિજ્ઞાન છે. તે આ વિશ્વમાં સૌથી જૂનું આરોગ્ય વિજ્ઞાન પણ છે. તેમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનાં સરળ સમાધાન મળે છે. કેટલીક આયુર્વેદિક દવાઓ તો ઘરમાં અથવા આજુબાજુ જ પ્રાપ્ય હોય છે પરંતુ ઘણા લોકો નાનીમોટી તકલીફો માટે ડૉક્ટર પાસે દોડી જાય છે અને હજારો રૂપિયા ખર્ચે છે તેમ છતાં ઘણી વાર સમાધાન નથી મળતું.

જો દાદીમાના નુસખા જાણતાં હો તો કેટલીક તકલીફોનું તો ઘરમાં જ નિરાકરણ થઈ શકે છે. પરંતુ તકલીફ એ છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. આયુર્વેદ વિશે આપણા મનમાં નકારાત્મકતા આવી ગઈ છે. ડૉક્ટરની દવા લો તો જ રોગ મટે તેવી માન્યતા ઘર કરી ગઈ છે. અલબત્ત, કેટલાક સંજોગોમાં દવાઓ લેવી જરૂરી હોય છે, પરંતુ ઘણી વાર આયુર્વેદ દવાઓથી તકલીફના ઉકેલ મળી જતા હોય છે. આવી જ કેટલીક બાબતોના સરળ આયુર્વેદિક ઇલાજ અત્રે આપેલા છે.વાળ ખરવા એ આજકાલ માત્ર સ્ત્રી જ નહીં, પરંતુ પુરુષો માટે પણ ચિંતાનો વિષય છે. વાળ ખરવા પાછળ પિત્ત દોષને કારણરૂપ મનાય છે.

પિત્ત એ આપણા ચયાપચય અને પાચનની ક્રિયાનું નિયંત્રણ કરતું હોય છે. વાળ ખરવા પાછળ બીજું કારણ કેટલાક અંત:સ્ત્રાવનું અસંતુલન પણ હોઈ શકે છે. આપણે જે આહાર લઈએ છીએ તેમાં રહેલાં પોષકતત્ત્વો વાળની કોશિકાઓને ટેકો કરતા હોય છે. પિત્ત દોષનું સંતુલન કરવા છાશ, નાળિયેરનું તેલ, તજ અને તરબૂચ, દ્રાક્ષ તથા દાડમ જેવાં ફળો ખાવા જોઈએ. ભૃંગરાજના તેલનું માથામાં માલિશ કરવું જોઈએ.

ત્વચા પણ ચિંતાનું કારણ હોય છે. મોબાઇલમાં કેમેરો આવવાના કારણે લોકો વારંવાર પોતાની તસવીર ખેંચાવવાનું પસંદ કરે છે. આ માટે ત્વચા ચમકતી હોય તો તસવીર સુંદર આવે. ત્વચા ચમકતી રાખવા માટે ચંદન ઉત્તમ ઔષધ છે. તેનાથી ત્વચાને ઠંડક મળે છે. તેનાથી ચામડી પર રહેલી ફોડલીઓ, ખીલ કે ડાઘા દૂર થાય છે. ચંદન અને હળદરને સાથે લઈ તેમાં ગુલાબજળનાં થોડાંક ટીપા નાખવાથી સારો ફેસ માસ્ક બને છે. તમે તેમાં ગાજર, બીટરૂટનો રસ અથવા દાડમનો રસ પણ નાખી શકો છો જે કુદરતી રક્તશોધક છે. તેનાથી તમારી ત્વચા પર કુદરતી નિખાર આવશે.

મોટા ભાગના રોગ જેમ કે વાયુ થવો, પેટ ફૂલવું અને પાચન ન થવું એ રોગો આપણે શું ખાઈએ છીએ અને શું નથી ખાતા તેના કારણે થતા હોય છે. તમારો જો જઠરાગ્નિ મંદ હોય (મંદાગ્નિ) તો તેનાથી પાચન થતું નથી. આ માટે તમે આદુને ખમણીને એક ચમચી તથા ચપટી મીઠું તથા લીંબુંના થોડાં ટીપાંને લઈ શકો. તેનાથી લાળગ્રંથિ સક્રિય થાય છે. તેનાથી પાચનના ઉત્પ્રેરક ઉત્પન્ન થાય છે અને પાચન સુધરે છે.

રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો રોગો તમને ખાસ સ્પર્શી ન શકે. આથી રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. તે માટે મસાલા અગત્યની ભૂમિકા ભજવે છે. દા.ત. જીરાથી આમ બળી જાય છે. હળદરથી શરીરમાં રહેલા વિષતત્ત્વો દૂર થાય છે. મરીથી કોષો અને પેશીઓમાં લોહીનું પરિભ્રમણ સારું બને છે.

આજે બધા લોકોને સુંદર દેખાવું ગમે છે. કોઈને જાડા દેખાવું ગમતું નથી. પરંતુ તેના માટે કસરત કરવી પણ જરૂરી છે. કસરતના અભાવે અને બેઠાડુ જીવનના કારણે પેટ વધી જતું હોય છે. વજન વધી જતું હોય છે. વધી ગયેલું વજન ઘટાડવા માટે મોંઘું જિમ પોસાતું નથી. ભૂખ્યા રહેવું પણ અઘરું પડે છે. આવા સંજોગોમાં સૌથી સરળ રસ્તો છે હૂંફાળું પાણી પીવું. જ્યારે તમે જાગો ત્યારથી લઈને દિવસભર હૂંફાળું પાણી પીવું. હૂંફાળું પાણી પીવાથી તમારા શરીરનું તાપમાન વધે છે. તેના કારણે ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. તેનાથી તમારું શરીર વધુ કેલેરી બાળે છે અને વજન ઘટે છે.