ચેપથી બચવા પગ અને એડીની સફાઈ ખૂબ જ જરૂરી

જો તમે સ્વસ્થ રહેવા માગતાં હો તો શરીરના દરેક હિસ્સાની દેખભાળ જરૂરી છે. માથાથી પગની સંભાળ અને પગની ઘૂંટીની કાળજી લેવી જરૂરી છે. જો તમારા પગ ગંદા રહેતા હોય, એડી સૂકી, ખરબચડી અને કઠોર રહેતી હોય તો તે કોઈ પણ ઋતુમાં ફાટી જશે અને એડીમાં તિરાડો પડી જશે કારણકે ફાટેલી એડીમાં ધૂળ માટી અને ગંદકી જામે છે.

જો તમને શ્યુગરની બીમારી હોય તો તો તમારી એડી ફાટી જવાની સમસ્યા તમને વધુ મુસીબતમાં નાખી શકે છે. તેનાથી સંક્રમણ (ચેપ) અને ઘા થવાનું જોખમ વધી જાય છે. આથી સારું એ છે કે તમને કોઈ બીમારી ન રહે, અને પગ તેમજ એડીની સફાઈને તમે તમારી દિનચર્યામાં જોડી દો.

જાણો પગ અને એડી સ્વચ્છ રાખવાના 10 નિયમો…

1. રોજ સ્નાન સમયે પગ અને એડીને રગડીને સ્ક્રબ કરો. તમે પ્યુમિક સ્ટૉન (ઠીકરા)નો પણ ઉપયોગ કરી શકો છો. તે પગ અને એડી પરની મૃત ત્વચા દૂર કરશે.

2. જ્યારે પણ બહારથી ઘરે આવો ત્યારે હાથ અને મોઢાની સાથે પગ અને એડીને જરૂર ધૂઓ. તેનાથી તમારા પગ અને એડી પર ગંદકી જામશે નહીં.

3. પગ સાફ કરવા માટે એન્ટિસેપ્ટિક સાબુ વાપરી શકો છો. તેનાથી પગની જંતુઓ સામે રક્ષા થશે.

4. પગ અને એડી પર કાપેલું લીંબું રગડવાથી સારી રીતે સફાઈ થાય છે અને પગ મુલાયમ રહે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું એક વખત આ પ્રયોગ જરૂર કરો.

5. એક ટબમાં ગરમ પાણી લઈને તેમાં એક ચમચી ઇપ્સમ નાખો. થોડા સમય સુધી તેમાં પગ નાખીને બેસો. થોડી વાર પછી સારી રીતે સફાઈ કરો. તેનાથી મૃત કોષો સરળતાથી નીકળી જશે.

6. લાંબા સમય સુધી પગ ભીના ન રાખો. સારી રીતે તેને લૂછી તેના પર લૉશન લગાડો.

7. આરામદાયક પગરખાં અથવા ચંપલ પસંદ કરો. ધ્યાનમાં રાખો કે જૂતાં ન તો બહુ કડક હોય, ન તો બહુ ઢીલાં. કડક ચપ્પલથી દુખાવો થશે અને પગમાં ફોડલી-ગૂમડાં પણ થઈ શકે.

8. પગરખાંથી તકલીફ હોય તો એડી કે પગના પાછલા હિસ્સા પર ટેપ ચોંટાડી દો. તેનાથી ચાલવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.

9. શક્ય તેટલી વધુ માત્રામાં, પાણી પીવો. તેનાથી શરીરમાં ભેજનું સ્તર જળવાઈ રહેશે અને એડીઓ પણ નરમ રહેશે.

10. એડીઓને બહુ સૂકી ન થવા દો. ત્વચા સૂકી હોય તો એડી જલદી ફાટે છે.