પરીક્ષા દરમિયાન આ રીતે રાખો તબિયતનું ધ્યાન

સોમવાર ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષા ચાલુ થશે. બોર્ડની પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મગજમાં બહુ નાખી દેવામાં આવે છે. કેટલીક હદે માબાપની ચિંતા પણ વાજબી છે કે બૉર્ડની પરીક્ષા તેમના સંતાનનું ભવિષ્ય નક્કી કરે છે. આ પરીક્ષા દરમિયાન તબિયત બગડે નહીં તે જોવું જરૂરી છે. તો સાથે પરીક્ષાનું દબાણ પણ વિદ્યાર્થીઓના મગજ પર ન રહેવું જોઈએ.તબિયત ન બગડે તે માટે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાવાપીવાની ચીજો સ્વાદ મુજબ નહીં, પોતાની પ્રકૃતિ અને પરીક્ષાને ધ્યાનમાં રાખીને પસંદ કરવી જોઈએ. જો વિદ્યાર્થીઓ પોતે જાણતા હોય કે તેમને કઈ ચીજ ખાવા કે પીવાથી તકલીફ પડે છે તો તેમણે તે ચીજ ખાવાપીવાથી દૂર રહેવું જોઈએ. દા.ત. જો કોઈ વિદ્યાર્થીને ખબર હોય કે તેને આઈસ્ક્રીમ બહુ ભાવે છે પરંતુ તે ખાવાથી તેને શરદી થઈ જશે તો તેણે તે ન ખાવો જોઈએ. જો કોઈ વિદ્યાર્થીને બહુ ગરમી નડતી હોય તો તેણે તેના શરીરને ઠંડક થાય તેવાં ખાદ્ય પદાર્થો કે પેય પીવાં જોઈએ. જો માતાપિતા પોતાના સંતાનની પ્રકૃતિ અને તબિયત વિશે જાણતા હોય કે તેમને શું ખાવાથી શું તકલીફ પડે છે તો માતાપિતાએ પોતાના સંતાનને આવી ચીજો ખાતાં કે પીતાં રોકવા જોઈએ. આ દિવસોમાં વિદ્યાર્થીઓએ પણ તેમનાં માતાપિતાની આ બાબતમાં સલાહ માનવી જોઈએ.

વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન ફાસ્ટ ફૂડથી તો દૂર જ રહેવું જોઈએ કારણકે પરીક્ષા દરમિયાન ફાસ્ટ ફૂડથી ઊંઘ આવી શકે છે, તમારી એકાગ્રતા ઘટી શકે છે. પરીક્ષાની તૈયારી કરતી વખતે વિદ્યાર્થીઓ સંતુલિત આહાર લે. પ્રવાહી પદાર્થોનું સેવન વધુ કરો. ડૉકટરોનું કહેવું છે કે હેલ્થી ફૂડથી સ્મરણશક્તિ વધે છે. સાથે જ ચુસ્તી-સ્ફૂર્તિ રહે છે.

જો વિદ્યાર્થીઓ ફાસ્ટ ફૂડની દોસ્તી છોડી ઘરનું બનાવેલું આરોગ્યપ્રદ ભોજન લેશે તો અભ્યાસ વધુ સારી રીતે કરી શકશે. તેના માટે સીબીએસઇએ પણ પોતાની હેલ્પલાઇન વેબસાઇટ પર વિદ્યાર્થીઓ માટે ભોજન-પીણાં માટે કેટલીક સલાહો આપી છે.

માતાપિતાઓએ આ દિવસોમાં ધ્યાન રાખવું જોઈએ કે બાળકોના ખાવાપીવાના બે સમય વચ્ચે યોગ્ય રહે. અર્થાત્ બાળકો વાંચે છે એટલે તેમને સતત કંઈ ખવડાવતા રહેવું યોગ્ય નથી તો બાળકો કંઈ ખાશે કે પીશે તો તેનું ધ્યાન વાંચવામાં નહીં રહે કે તેને ઊંઘ આવી જશે આવું માનીને તેમને ભૂખ્યા રાખવા પણ યોગ્ય નથી.

બાળકોએ પોતાના ભોજનમાં પ્રૉટિન યોગ્ય માત્રામાં લેવું જોઈએ. આ દિવસોમાં તેઓ અલ્પ ભોજન લઈ શકે છે પરંતુ તેઓ બને તો ભોજન ન છોડે. હા, કોઈનો પોતાના પેટ પર જબરદસ્ત અંકુશ હોય તો જુદી વાત છે. નાસ્તો પણ ભારે ન કરવો. નાસ્તામાં સેવમમરા, બટેટાપૌઆ જેવી હલકીફૂલકી ચીજ લો. દૂધ પચતું હોય તો દૂધ લો. સૂકો મેવો પણ લઈ શકાય. તરબૂચ, લીંબું પાણી, સૂપ વગેરે પીણાં લઈ શકાય. ચા પી શકાય. બને તો હર્બલ ટી પીઓ.

રાત્રે હલકુંફૂલકું ભોજન લો. ખીચડી-દૂધ કે ભાખરી-ખીચડી ઉત્તમ.

આ ઉપરાંત માનસિક રીતે શાંતિ માટે કેટલીક બાબતો કરવી જરૂરી છે. પૂરતી ઊંઘ લો. સવારે વહેલા ઊઠીને વાંચવું વધુ સારું, પરંતુ જો કોઈને રાત્રે વાંચવાનું વધુ ફાવતું હોય તો તેને તેમ કરવા દો. પરંતુ ઊંઘ બરાબર થાય તે જરૂરી છે. પરીક્ષામાં ઝોંકાં ન આવવાં જોઈએ. તેમ થશે તો જવાબ બરાબર નહીં લખી શકો.

સવારે ઊઠી, નાહીધોઈને ઈષ્ટ દેવનું સ્મરણ કરી ૨૧ વાર ૐ કાર કરો. રાત્રે સૂતી વખતે પણ આમ કરો. આનાથી મનને શાંતિ પણ મળશે અને એકાગ્રતા વધશે. દીવાની જ્યોત સામે એકીટશે આંખમાંથી પાણી ન નીકળે ત્યાં સુધી તાકી રહેવાને ત્રાટક કહે છે. તે જો કરી શકો તો તે પણ કરવાથી એકાગ્રતા અને સ્મરણશક્તિ વધશે.