મિષ્ટાનપ્રેમી ગુજરાતીઓ, મારવાડીઓ…

‘અમને તો પરેજી એવું કંઈ ફાવે નહિં હોં, અમે તો ભઈ આવા જ.’..’હેં, શું કહ્યું… સુગર વધી જશે?… તો ભઈ, ત્યારનું ત્યારે જોયું જશે’ ઘણાં ગુજરાતીઓને આપણે આવું કહેતા સાંભળીએ છીએ.

તો આવી માન્યતા રાખતાં સહુ કોઈ ચેતી જાઓ. 14 નવેમ્બરે ‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’ આવીને જતો રહ્યો. દુનિયામાં 425 મિલિયન લોકો ડાયાબિટીક છે. જેમાં મોટા ભાગના લોકો ટાઈપ-2 ડાયાબિટીસવાળા છે. સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે મુંબઈની એક સંસ્થા ‘ગાડગે ડાયાબિટીસ સેન્ટરે’ એક સર્વે કરાવ્યો છે. આ સર્વે પ્રમાણે ભારતમાં અન્ય સમાજોની તુલનાએ ગુજરાતી, મારવાડી, મરાઠી તેમજ મુસ્લિમ સમુદાયમાં આ રોગ વધુ વકર્યો છે.

સાહજિક જ છે કે, મારવાડી તેમજ ગુજરાતી સમુદાયનાં લોકો ભારે ચરબીવાળો ઘી-તેલ તેમજ સાકરયુક્ત ખોરાક લે છે. મરાઠી સમુદાય પણ ભારે કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક લે છે. મુસ્લિમ સમુદાય નોન-વેજિટેરીયન હોવાને લીધે તેઓ પણ ખોરાક દ્વારા ભારે ચરબી ગ્રહણ કરે છે.

ગુજરાતીઓ ગુલાબજાંબુ, બાસુંદી, શ્રીખંડ, જલેબી, લાપશી, શીરો, મોહનથાળ વગેરે જેવા મિષ્ટાન ખાવાનાં ભારે શોખીન ગણાય છે. ગુજરાતીઓ આઈસક્રીમનાં પણ બેહદ રસિયાઓ છે.

જો કે, આ વાતે લઈને હમણાં એક વિરોધાભાસ જોવામાં આવ્યો. દર વર્ષે 14 નવેમ્બરનો દિવસ દુનિયાભરમાં ‘ડાયાબિટીસ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે પશ્ચિમ બંગાળે આ દિવસ ‘રસગુલ્લા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે ગયા વર્ષે આ જ દિવસે પશ્ચિમ બંગાળને રસગુલ્લા માટે Geographical Indication (GI)  ટેગ મળ્યો છે. જે જગ્યાને GI  ટેગ મળ્યો હોય એનો અર્થ કે વાનગીનું તે સ્થળે સંશોધન થયું છે. અથવા તો સહુથી પહેલાં ત્યાં જ અમુક વાનગી બનાવવામાં આવી છે. સ્વાભાવિક છે, ખુશીનું તો ઉજવણું હોય જ!

14 નવેમ્બરે ‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’  નિમિત્તે ‘ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશને’ થીમ રાખી હતીઃ  “The Family and Diabetes”. આ થીમને લઈને એમણે ત્રણ વાતો ઉપર દુનિયાનું ધ્યાન દોર્યું છે. જેમાઃ

1) ડાયાબિટીસનું નિદાન કરવુંઃ આ બિમારીને લગતાં કોઈ લક્ષણ કે સંકેત પરિવારમાં કોઈ સદસ્યમાં દેખાય તો સમયસર એનું નિદાન કરવું જોઈએ. આપણા લોકોમાં એવી માન્યતા પણ આવી જાય છે કે ‘મને થોડી કોઈ બિમારી છે કે હું ચેક-અપ કરાવું?’ તેમજ પોતાનામાં અમુક વણજોઈતા લક્ષણ દેખાવા છતાં લોકો મોટો ખર્ચ આવશે એ ડરને લીધે પણ ડોક્ટર પાસે જવાનું ટાળે છે.

2) આ રોગને વધતાં રોકવોઃ જો પરિવારમાં કોઈને આ બીમારી આવી ગઈ, તો ડર્યા વગર એ બીમારીને આગળ વધતાં રોકો. જેમ કે પરિવાર હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે. હેલ્ધી ખોરાક તેમજ કસરત ઉપર વધુ ધ્યાન આપે.

3)  ડાયાબિટીસને મેનેજ કરવોઃ ડાયાબિટીસ થયા પછી સમય સમય પર તેનું ચેક-અપ કરાવવું. તેને લગતી દવા લેવાથી માંડીને કઈ પરેજી રાખવી. તે વિશે ડોક્ટર પાસેથી જાણકારી મેળવવી.

આ થીમ રાખવાનો ઉદ્દેશ્ય એ જ કે લોકોમાં આ રોગ વિશે જાગૃતિ આવે.

યુનાઈટેડ નેશન્સની પેટા-સંસ્થા Food and Agriculture Organisation (FAO)ના સર્વે પ્રમાણે એશિયા-પેસેફિક વિસ્તારમાં બાળકોમાં આ રોગ 2000 થી 2016ના વર્ષ સુધીમાં 38% વધ્યો છે. જેનું મુખ્ય કારણ બેઠાડું જીવન તેમજ તેને લઈને આવતી સ્થૂળતા! નવી ટેક્નોલોજીની એક આડઅસર એ પણ છે કે, બાળકો મોબાઈલ તેમજ ટેબ્લેટ કે લેપટોપ ઉપર સતત ગેમ રમવામાં લાગ્યા હોય છે. મેદાનમાં રમત-ગમત લગભગ ભૂલાઈ જ ગઈ છે. માતા-પિતા પોતાના કેરિઅરમાં સતત રચ્યા હોય છે. તેથી બાળકો માટે સમય નથી.

ખાસ વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે, ડાયાબિટીસ ચિંતાનો વિષય તો છે જ. પણ ડરવાનો નહીં.

ઉપર ઉલ્લેખ કર્યો છે તેમ તમે હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવો, ખોરાક અનુકૂળ લો, બહુ ચરબીયુક્ત ખોરાક કોઈક જ વાર ખાવો. બહારનો ખોરાક, ખાસ કરીને જંક ફુડ ખાસ ટાળો. લીલાં શાકભાજી, ફળો તેમજ સલાડ ખાવાનું રાખો. થોડો સમય યોગાસનો તેમજ કસરત માટે પણ કાઢો. તે ના કરી શકો તો અડધો કલાક ચાલવાનું રાખો.

મોટેરાંએ બાળકો માટે થોડો સમય કાઢી તેમને બગીચામાં રમવા લઈ જવા. તમે પણ બાળકો સાથે ખેલકૂદમાં કે પછી અન્ય રમતો જેવી કે બેડમિન્ટન, ક્રિકેટમાં સાથે રમી શકો છો. જેથી તમારું પણ માઈન્ડ ફ્રેશ રહેશે. બાળકોને પણ ગમશે, તેઓ પણ મોબાઈલમાં ઓછું ધ્યાન આપશે. આ રીતે જનરેશન ગેપ કે જેને લઈને બધાં બૂમાબૂમ કરે છે. તો, આમ પેઢી વચ્ચેનું અંતર પણ ઓછું થશે. પરિવારમાં ખુશી જળવાશે!