સ્વાદના રસિયાઓ….હોજરી પર ખોટો ત્રાસ ન ગુજારો

પણા ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ત્યાગ, તપશ્ચર્યા અને સંયમનું ઘણું જ મહત્ત્વ છે. અહીં સમયાંતરે તહેવારો આવતા રહે છે અને આપણા તહેવારોમાં સંયમને ઘણું મહત્ત્વ છે. હવે એ વાત જુદી છે કે સંયમના સ્થાને કોઈને કોઈ વાર કનડગત થાય તેવા આનંદનું મહત્ત્વ વધી રહ્યું છે. હવે સંયમના સ્થાને ઉપભોગનું મહત્ત્વ પણ વધી રહ્યું છે.આપણે અહીં તહેવારો પર વાત નથી કરવી, પરંતુ તહેવારો એ આપણા જીવનની અભિન્ન પ્રણાલિ છે. ચાહે તે હિન્દુ ધર્મના તહેવારો હોય કે જૈનના, તેમાં વ્રત અને ઉપવાસનું મહત્ત્વ ઘણું છે. જ્યારે બીજા ધર્મના તહેવારોમાં આવું ખાસ જોવા મળતું નથી, જોકે રમઝાનમાં રોજા રખાતા હોય છે. આવા સમયે કોઈને પણ પ્રશ્ન થાય કે તહેવારોમાં તો આનંદ કરવાનો હોય તો ઉપવાસનું કે ઓછું જમવાનું કે સાદું જમવાનું મહત્ત્વ શા માટે?

તેનો જવાબ આરોગ્ય છે. સામાન્ય રીતે માનવ સ્વભાવ મોજમજા કરવાનો છે. ડાયાબિટીસ થયો હોય તેવા લોકો પણ સ્વાદને ઘણી વાર કાબૂમાં રાખી શકતા નથી. હમણાં લગ્નની ઋતુ શરૂ થઈ છે. આથી ક્યારેક યજમાનના આગ્રહથી તો ક્યારેક સામે પડેલી મીઠાઈને જોઈને લલચાઈ જવાથી મીઠાઈ આરોગાય જાય છે. થોડા જ દિવસોમાં તેની અસર વર્તાવી શરૂ થાય છે. પછી શરૂ થાય ડૉક્ટરના દવાખાનાના ધક્કા. અને હવે તો હૉસ્પિટલો પણ આલિશાન હૉટલ જેવી બની ગઈ છે. દાખલ થાવ એટલે વીસ-પચ્ચીસ હજાર ડિપૉઝિટ કરાવી દ્યો પછી જ ટ્રીટમેન્ટ શરૂ થાય. જેમને મેડિક્લેઇમ હોય તેમને તરત ખ્યાલ નથી આવતો, પરંતુ જ્યારે મેડિક્લેઇમ ભરતા હોય ત્યારે તો ખ્યાલ આવતો જ હોય છે.

આ જ રીતે તીખું, તળેલું અને દૂધની બનેલી ચીજો ખાવામાં ધ્યાન ન રાખવામાં આવે તો કૉલેસ્ટેરૉલ કે વજન અથવા બંને વધી જતાં હોય છે. આ સ્થિતિમાં કાં તો હૃદયરોગના વિશેષજ્ઞ ડૉક્ટરના ધક્કા શરૂ થાય. તેમાં કેટલાક તો સીધી એન્જિયોગ્રાફી, બાયપાસ, સ્ટેન્ટ મૂકાવાની વાત જ કરે. જીવન પર જોખમ હોય તેથી દર્દીથી લઈને દર્દીનાં સગાં પણ ડૉક્ટરની મીઠી ધમકીને વશ થઈ તે જેમ કહે તેમ કરવા તૈયાર થઈ જાય. ડૉક્ટર માત્ર એટલું જ કહે, “અમારી તો ફરજ હતી કહેવાની, બાયપાસ ન કરાવી હોય તો તમારી મરજી.” અને વાત પૂરી. પછી જે કંઈ ખર્ચ થાય તે ભોગવવા તૈયાર થઈ જાય. બધા ડૉક્ટર આવા ન હોય તો પણ કેટલાક તો હોય જ છે.

આવી સ્થિતિ ન આવે તે માટે ખાવાનું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ તે રહેતું નથી. આનો સીધો અને સરળ ઉપાય છે, તમે જે પણ ધર્મમાં માનતા હો તે મુજબ, સાદું ભોજન લો અને વ્રત-ઉપવાસ કરો. જો ધર્મમાં ન માનતા હો તો નિયમ કરો કે અઠવાડિયામાં એક દિવસ એક ટંક જ જમશો અને એક ટંક ફળાહાર કરશો. ફરાળ નહીં. ફરાળમાં તો પાછું હતું એનું એ જ થાય. રાજગરાની પુરી, સૂકી ભાજી, સામો, તળેલાં મરચાં, શક્કરિયાં, દહીં, છાશ, હલવો, સૂકો મેવો…હા હા હા…ફરાળી વાનગીઓની યાદી તો ખૂટે તેમ નથી.

આથી નિયમિત ઉપવાસ કરવાથી તેમજ બને તેટલું સાદું ભોજન લેવાથી તમારી હોજરીને જરૂરી આરામ મળશે. જીભને તો દાબેલી, વડા પાંવ, પાંઉભાજી, સેન્ડવિચ, બ્રેડબટર, ભજિયાં, બટેટાવડાં, મેથીનાં ગોટાં, ગાંઠિયા, બર્ગર, પિઝા, મેગી, પાસ્તા વગેરે બધું જ ભાવે અને રોજ ખાવા તૈયાર હોય પરંતુ હોજરીને ક્યારેય પૂછ્યું છે ખરું? આનાથી માત્ર વજન જ વધે છે તેવું નથી. તેનાથી કબજિયાત પણ થઈ શકે છે. તેનાથી બેચેની લાગી શકે છે. તમારા કામમાં, તમારા મિજાજ પર તેની અસર પડી શકે છે. તમારા પારિવારિક સંબંધો કે વ્યાવસાયિક સંબંધો પર તેની  અસર પડી શકે છે. આના લીધે તમારી સ્ફૂર્તિ ઓછી થઈ શકે છે. પરિણામે જો તમે નોકરિયાત હો કે ધંધાર્થી, તો તમારી રોજગારી પર તેની સીધી જ અસર પડશે. જો તમે વિદ્યાર્થી હો તો અભ્યાસ પર તેની અસર પડશે.હા, જો જીભ કહ્યામાં ન જ રહેતી હો તો અઠવાડિયામાં રવિવાર કે એવો કોઈ દિવસ નક્કી કરો જ્યારે તમે તમારી જીભનું કહ્યું માનશો અને તેના સ્વાદના ચટાકા પૂરા કરશો. એક દિવસ પૂરતું હોજરી કદાચ ઍડજસ્ટ કરી લેશે. પરંતુ રોજેરોજ તો હોજરી પર ત્રાસ ન જ ગુજારશો. તે તમારા આયુષ્ય, તમારા સ્વાસ્થ્ય, તમારા કામ, તમારા મિજાજ, મારા પારિવારિક સંબંધો અને તમારા વ્યાવસાયિક સંબંધોના ભલા માટે છે.