તપતા તડકામાં તરસથી તાલાવેલી?

નાળો પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે. જોરદાર ગરમીના કારણે પાણીની તરસ લાગે તે સ્વાભાવિક છે. જાણે કે શરીરનું પાણી સૂર્ય દેવ સ્ટ્રૉથી શોષી લેતા હોય તેવું લાગે છે. બહાર ન નીકળો તો પણ ઘરમાં માટલું ખાલી થતું જ રહે છે. જો ફ્રિજમાં રાખેલી બૉટલોમાંથી પાણી પીવાતું હોય તો બૉટલો વારંવાર ભરતા રહેવી પડે છે. જો બાળકો કે પતિ દેવ પાણીની બૉટલો ભરીને ફ્રિજમાં ન મૂકે તો ઘરની રાજમાતા કે રાણી તરફથી ઠપકો આવે છે કે ઠંડું પાણી પીવું તો બહુ ગમે પણ પાણીની બૉટલો ભરવી ગમતી નથી. હવે જો પાણીની બૉટલો ભરીને નહીં મૂકો તો હું ભરીને નથી મૂકવાની. પછી પીજો માટલાનું ગરમ પાણી.

પ્રશ્ન એ છે કે ઉનાળામાં કેટલાકને ગમે તેટલું પાણી પીતા રહેવા છતાં તરસ છિપાતી જ નથી. તેમને સતત તરસ્યા જ લાગ્યા રાખે છે. તેઓ પૂછ્યા રાખે છે, ‘યે પ્યાસ કબ બૂઝેગી?’ કેમ આવું થાય છે? ઉનાળામાં સતત તરસ્યા હોય તેમ ઘણાને કેમ લાગે છે? એવું લાગે છે કે પાણી પીધા જ રાખીએ, પીધા જ રાખીએ.

આનું એક કારણ તો એ હોઈ શકે કે ઠંડું પાણી.ઠંડું પાણી પીવાથી લાગે છે તો સારું પરંતુ તેનાથી વધુ તરસ લાગે છે. જે તરસ કુંભારના બનાવેલા માટલાના ઠંડા પાણીથી છિપાય છે તે ઠંડા પાણીથી છિપાતી નથી, પરંતુ હવે કોઈને ફ્રિજના એકદમ ઠંડા પાણી વગર ચાલતું નથી. કદાચ ઘણા ગરમી પણ એટલી વધી ગઈ છે. પરંતુ ઠંડા પાણીથી તમારું આંતરિક તાપમાન ઘટી જાય છે. તે હૉમિયોસ્ટેસિસ એટલે કે સમસ્થિતિ જાળવવામાં મદદ કરે છે. ઠંડું પાણી તાત્કાલિક તો ઠંડું લાગે છે પરંતુ એટલે જ તેના કારણે તે વધુ પીવાની ઈચ્છા થયા કરે છે.

સતત પાણી પીવાની ઈચ્છા થયા કરે તેનાં બીજાં કારણો પણ છે. તમે વધુ મીઠું લેતા હો તો તેનાથી પણ તમને વધુ તરસ લાગી શકે છે. તમને થશે કે મીઠાને પાણીની તરસ સાથે શું સંબંધ? આનું કારણ એ છે કે મીઠું કોષમાંથી પાણી ખેંચી કાઢે છે. આના કારણે થાય છે એવું કે કોષ મગજને સંદેશ મોકલે છે કે જયભારત સાથ જણાવવાનું કે અમારી પાસે પાણીની સખત તંગી સર્જાઈ હોઈને આ પત્ર મળે સત્વરે પાણી મોકલવા વિનંતી. લિ. એ જ આપનો કોષ.

કોષ મગજને પત્ર લખી નાખે છે એટલે મગજ તમને તરસ લગાડે છે. આથી જરૂરી છે કે દરરોજ શક્ય હોય ત્યાં સુધી પાંચ ગ્રામ મીઠું જ લેવું. વધારે મીઠું લેવાથી આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે. જોકે લૉ બ્લડ પ્રૅશરવાળાને મીઠું લેવું પડે છે. એટલે આનું પ્રમાણ જે-તે વ્યક્તિની પ્રકૃતિ પર આધાર રાખે છે. પરંતુ લૉ બ્લડ પ્રૅશરવાળાએ શરીરમાં પાણીનું પ્રમાણ ટકાવી રાખવા પાણી પીતા રહેવું પડે.

જો તમે સવારમાં દોડવા જતા હોતો પણ તમારા શરીરને આખો દિવસ તરસ લાગ્યા રાખે તેવું બની શકે. આનું કારણ એ છે કે જ્યારે તમે કસરત કરતા હો છો ત્યારે પરસેવો નીકળે છે અને પરસેવાના રૂપમાં પાણી નીકળ્યા રાખે છે. પરસેવાના રૂપમાં પાણી નીકળવાના કારણે સ્વાભાવિક જ શરીર પાણી માગશે.

જો ઉનાળામાં તમારે બહાર જવાનું વધુ થતું હોય તો સ્વાભાવિક જ તમે સૂર્ય દેવનારડારમાં સીધા આવી જશો. સૂર્યનાંતપતાં કિરણો તમારા શરીર પર પડશે એટલે તમને ગરમી તો લાગશે જ પરંતુ સાથે તરસ પણ લાગશે. અગાઉ કહ્યા પ્રમાણે સૂર્યનાં કિરણો તમારા શરીરમાંથી પરસેવાના રૂપમાં પાણી બહાર કાઢશે અને તેના કારણે જ તમને પાણીની તરસ લાગ્યા રાખશે.

ઘણાને લાગે છે કે તરસ તો લાગે, તેમાં કંઈ ખોટું નથી. જો તમને વધુ પડતી તરસ લાગતી હોય, વધુ પડતી લઘુશંકા લાગતી હોય અને દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ હોય તો તમારે રિપૉર્ટ કરાવી લેવા જોઈએ. બની શકે કે તમને ડાયાબિટીસ હોય. આવી સ્થિતિમાં તમારે ડૉક્ટરને દેખાડવું જોઈએ.

ઘણા લોકો કહેતા હોય છે કે તેમનું મોઢું બહુ સૂકાઈ જાય છે. આવી સ્થિતિને તબીબી વિજ્ઞાન ઝેરોસ્ટૉમિયા તરીકે ઓળખે છે. કેટલીક ભાગ્યે જ જોવા મળતી તબીબી સ્થિતિઓના કારણે આવું થઈ શકે છે. જ્યારે લાળનીગ્રંથિઓ પૂરતી લાળ ઉત્પન્ન ન કરી શકે ત્યારે તમને ઘણું પાણી પીવાની ઈચ્છા થઈ આવે છે.

જો તમે દવાઓ લેતા હો તો તે તમારા મોઢાનેસૂકવી શકે છે. એન્ટીકૉલિનર્જિક્સ અને ડાયયુરેટિક્સદવાઓની આડ અસર હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ.