‘કફ’ ઝૂંબેશથી ટીબીને ખદેડી મૂકાશે

ધૂમ્રપાન કરનારા કે બીજા કોઈ લોકોને જો ઉધરસ મટતી ન હોય તો તેમણે ટીબી (ક્ષય) રોગ માટેનું પરીક્ષણ કરાવવું જોઈએ. તમાકુનો ઉપયોગ કરનારા તથા ધૂમ્રપાન કરનારા લોકોને તો ટીબીનું જોખમ છે જ પરંતુ સાથે તેમની આસપાસ રહેનારા લોકોને પણ ટીબીનો ખતરો ઝળૂંબ્યા કરે છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ખાતાએ ટીબીને ભારતમાંથી નેસ્તનાબૂદ કરવા માટે ‘કફ’ ઝૂંબેશ ચલાવી છે. આ બીમારીની ઓળખાણ કરવામાં સૌથી વધુ પરેશાની એ વાતથી થાય છે કે ધૂમ્રપાન કરનારા લોકો વિચારે છે કે ઉધરસ તેમને ધૂમ્રપાનના કારણે થાય છે. આ અભિયાન દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ ડૉક્ટરને મળીને તપાસ કરાવડાવે કે તેમને થતી સતત ઉધરસ ક્યાંક ટીબીનો સંકેત તો નથી ને.વર્ષ ૨૦૧૬માં ટીબીથી ૪,૩૨,૦૦૦ ભારતીયોનાં મૃત્યુ થયાં હતાં, અર્થાત્ રોજ ૧,૧૮૩થી વધુ લોકો હતા. સરકારનો ઉદ્દેશ્ય છે કે વિશ્વભરમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ટીબી ઉન્મૂલનનું લક્ષ્ય છે. તેના પાંચ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતમાંથી ટીબી ઉન્મૂલન થઈ જાય. આ અભિયાનને એ રીતે ઘડવામાં આવ્યું છે જેથી ટીબી ઉન્મૂલનમાં મદદ મળે, લોકો ધૂમ્રપાન છોડવા માટે પ્રોત્સાહિત થાય અને સમયસર ટીબીની ઓળખ અને તેની સારવાર થાય. આ મહત્ત્વપૂર્ણ રણનીતિને તકનીકી સહાયતાની મદદથી વિકસિત અને કાર્યાન્વિત કરવામાં આવી હતી.

આરોગ્ય પર કામ કરતી સંસ્થા વાઇટલ સ્ટ્રેટેજીના મુખ્ય કાર્યકારી અધિકારી જોસે લુઇસ કેસ્ટ્રૉએ કહ્યું કે “ભારમાં ટીબીથી થતાં મૃત્યુ મોટા ભાગે આર્થિક ઉત્પાદકતાવાળા યુવાન પુખ્તોનાં થાય છે. ૩૦થી ૬૯ વર્ષની ઉંમરના લોકોમાં મૃત્યુનાં શીર્ષ કારણોમાં એક છે- ભારતમાં તમાકુ એક રોગચાળાની જેમ આ બોજને વધારી રહ્યો છે. ‘કફ’ અભિયાનની મદદથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબીને ખતમ કરવાનો ઉદ્દેશ્ય છે અને આ ધ્યેયને પૂરું કરવા માટે લોકોને ધૂમ્રપાન છોડવા અને સતત ઉધરસ ખાતા ધૂમ્રપાનકો (સ્મોકર) અને તેની આસપાસના ઉધરસથી ગ્રસિત લોકોને ડૉક્ટરને મળીને સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરીશું. આ જિંદગી બચાવનારો સંદેશ છે.”

જ્યારે વર્ષ ૨૦૧૭માં પહેલી વાર વિશ્વ તમાકુ દિવસ પર ‘કફ’ અભિયાન શરૂ કરાયું હતું ત્યારે દુનિયામાં ભારત પહેલો એવો દેશ હતો જે રાષ્ટ્રીય સ્તર પર તમાકુ નિયંત્રિત કરવાનું અભિયાન ચલાવી રહ્યો હતો. સમગ્ર ભારતમાં ‘કફ’ અભિયાન પહોંચે તે માટે દસ દિવસ સુધી ૧૭ ભાષાઓમાં તેને પ્રસારિત કરવામાં આવશે. તે બે સપ્તાહ સુધી બધા પ્રમુખ ડિજિટલ પ્લેટફૉર્મ જેમ કે યૂટ્યૂબ, ફેસબુક, હૉટસ્ટાર અને વૂટ પર ચલાવાશે અને તે સૉશિયલ મિડિયા કેમ્પેઇન દ્વારા સમર્થિત પણ છે.

ટીબીની સારવારનો મુખ્ય ઉદ્દેશય દર્દીને સાજો કરવાનો છે. તેના અન્ય હેતુઓ ટીબીનો પ્રસાર રોકવ અને દવા જેના પર કોઈ અસર જ ન કરે તેવો ટીબી બનતો અટકાવવાનો છે.

પહેલાં ટીબી અથવા ક્ષય રોગને અસાધ્ય માનવામાં આવતો હતો અને ઘણા લોકો સારવાર કે દવાના અભાવે મરી જતા હતા પરંતુ હવે તેવું નથી. હવે ટીબીમાંથી સાજા થઈ શકાય છે. તેમાં ટીબી સારવાર માટે પ્રાપ્ય વિવિધ દવાઓને લેવાથી સાજા થઈ શકાય છે. ટીબીની સારવારમાં શસ્ત્રક્રિયા ભાગ્યે જ કરવી પડે છે.

ટીબીની સારવાર માટે વીસ કરતાં પણ વધુ દવાઓ પ્રાપ્ય છે. અલગ-અલગ સંજોગોમાં અલગ-અલગ જોડી સાથે તેમનો ઉપયોગ કરાય છે. દા.ત. કેટલીક ટીબી દવાઓ નવા દર્દીઓની સારવાર માટે જ વપરાય છે અને તે પણ ત્યારે કે દવાનો પ્રતિરોધ ન હોય. તેને પ્રથમ હરોળની દવા મનાય છે. દવા જેના પર અસર ન કરતી હોય તેવા ટીબી માટે અન્ય દવાઓ વપરાય છે. આવી દવાઓને બીજી હરોળની દવા કહેવાય છે. મોટા ભાગની ટીબીની દવાઓ ચાલીસ વર્ષ પહેલાં બનાવાઈ હતી. પરંતુ હવે બે નવી દવા આવી છે- બેડાક્વિલાઇન અને ડેલામાનિડ. આ નવી બે દવાઓ એવા ટીબીની સારવારમાં વપરાય છે જેમાં એકથી વધુ દવાઓ ટીબીને અસર નથી કરતી અને અન્ય કોઈ દવાઓ પ્રાપ્ય નથી હોતી. જે લોકોને દવાથી મટતો ટીબી થયો હોય તેઓ છ મહિનામાં પ્રથમ હરોળની દવાઓની મદદથી સાજા થઈ શકે છે.