વિશ્વમાં દર દસમાંથી નવ જણ ઝેરી હવા શ્વાસમાં ભરે છે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગંભીર ચેતવણી ઈસ્યૂ કરી છે અને કહ્યું છે કે દુનિયાના ઘણા ખરા ભાગોમાં હવાના પ્રદૂષણનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. દર દસમાંથી નવ જણ ઝેરી-પ્રદૂષિત તત્વો ધરાવતી હવા શ્વાસમાં લે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જોકે ભારતની ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ની પ્રશંસા કરી છે. એણે નોંધ લીધી છે કે આ યોજના અંતર્ગત ભારતમાં છેલ્લા બે વર્ષમાં 3 કરોડ 70 લાખ જેટલા રાંધણગેસ (લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ-LPG)ના જોડાણ મફતમાં પૂરા પાડવામાં આવ્યા છે. આમ કરીને ભારત સરકાર સ્વચ્છ ઘરેલુ ઊર્જાના વપરાશને સરસ રીતે ઉત્તેજન આપી રહી છે.

WHO સંસ્થાના નવા અંદાજ મુજબ, વિશ્વભરમાં 90 ટકા લોકો પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે. આને કારણે ઘરની બહાર તથા અંદર હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે થતા મરણનો આંક વધી ગયો છે.

એક નિવેદનમાં WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ગેબ્રીયેસસે કહ્યું છે કે હવાના પ્રદૂષણે આપણા સૌની ઉપર જોખમ વધારી દીધું છે. આમાં, સૌથી ગરીબ અને વંચિત વર્ગના લોકોને વધારે સહન કરવાનું આવે છે.

દુનિયાને માટે શરમની વાત એ છે કે આજના યુગમાં પણ ત્રણ અબજથી વધુ લોકો દરરોજ એમના ઘરોમાં પ્રદૂષણ ફેલાવતા સ્ટોવ્સ અને ઈંધણનો ઉપયોગ કરીને ઝેરી વાયુ શ્વાસમાં લે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે આવું ચલાવી ન લેવાય. જો આપણે હવાના પ્રદૂષણની સમસ્યા ઉપર તાકીદે પગલું નહીં ભરીએ તો આપણે સ્થાયી રહે એવો વિકાસ હાંસલ કરી નહીં શકીએ.

યૂનાઈટેડ નેશન્સ સંસ્થાએ રચેલી WHO સંસ્થાએ 100 જેટલા દેશોમાં 4000થી વધારે શહેરોમાં હવાના પ્રદૂષણના પ્રમાણ તેમજ લોકોના આરોગ્ય પર એની અસર અંગે સર્વે કરાવ્યો હતો.

પર્યાવરણને લીધે આરોગ્ય ઉપર રહેતા જોખમમાં પહેલા નંબરે હવાનું પ્રદૂષણ છે. હવાના પ્રદૂષણને ઘટાડવામાં કેટલાક દેશોએ પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે અને એમાં સારી એવી પ્રગતિ પણ સાધી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ જણાવે છે કે પ્રદૂષિત હવામાં રહેલા ઝેરી રજકણો શ્વાસમાં જવાથી અને તે ફેફસાંમાં ઊંડે સુધી ઉતરી જતાં શ્વસનક્રિયાને ખોરવી નાખે છે, જેને કારણે સ્ટ્રોક, હૃદયરોગ, ફેફસાંનું કેન્સર, શ્વાસની તકલીફ, ન્યૂમોનિયા, ફેફસાંમાં ચેપ જેવી બીમારીઓ લાગુ થાય છે. આને લીધે દર વર્ષે વિશ્વમાં આશરે 70 લાખ લોકો મરણ પામે છે.

2016ની સાલમાં, માત્ર હવાના પ્રદૂષણે 42 લાખ લોકોનો ભોગ લીધો હતો. જ્યારે એ જ વર્ષમાં પ્રદૂષિત ઈંધણો તથા ટેક્નોલોજીવાળી રાંધણ પદ્ધતિથી ફેલાતા ઘરેલુ હવાના પ્રદૂષણે 38 લાખ લોકોના જાન લીધા હતા.

હવાના પ્રદૂષણ સંબંધિત થયેલા મરણોમાં 90 ટકા મરણ ઓછી અને મધ્યમ લેવલની આવકવાળા દેશોમાં નોંધાયા હતા, જેમ કે એશિયા અને આફ્રિકામાં.

દુનિયાની કુલ વસ્તીના 40 ટકાથી પણ વધુ લોકો – એટલે કે આશરે ત્રણ અબજ લોકોને હજી પણ રસોઈ માટે એમના ઘરોમાં સ્વચ્છ ઈંધણ અને ટેક્નોલોજી ઉપલબ્ધ નથી. પરિણામે એવા લોકોના ઘરોમાં આજે પણ અસ્વચ્છ અને ઝેરી તત્વોવાળા ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ લોકો એવા ઝેરી તત્વોને એમના શ્વાસમાં લે છે.

દરમિયાન, WHO સંસ્થાએ વિશ્વના 20 સૌથી વધારે પ્રદૂષિત શહેરોની એક યાદી બહાર પાડી છે, એમાં 14 શહેરો તો ભારતના છે. શરમની વાત એ છે કે સર્વેક્ષણ માટે સંસ્થાએ ભારતના માત્ર 32 શહેરોના આંકડા લીધા હતા અને એમાંથી 14 શહેરે ટોપ-20માં સ્થાન મેળવ્યું છે.

ભારતના આ શહેરો છેઃ દિલ્હી, વારાણસી, કાનપુર, લખનઉ, ફરિદાબાદ, ગયા, પટના, આગરા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર.

ગંદકી અને પ્રદૂષણને ધ્યાનમાં લઈને ક્રમાંકવાર ભારતના સૌથી ખરાબ શહેરો આ મુજબ છેઃ કાનપુર, ફરિદાબાદ, વારાણસી, ગયા, પટના, દિલ્હી, લખનઉ, આગરા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર.