ઝીરો: ઝીરો ગુણ્યા ઝીરો બરાબર ઝીરો

ફિલ્મઃ ઝીરો

કલાકારોઃ શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, કટરીના કૈફ

ડાયરેક્ટરઃ આનંદ એલ. રાય

અવધિઃ આશરે અઢી કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

રવિવાર છે તો વાળ કપાવી આવું અથવા લૉંગ વીકએન્ડ છે તો ચલો, આબુ જઈ આઈએ જેટલી સહજતાથી ‘ઝીરો’માં શાહરુખ એના બેસ્ટ ફ્રેન્ડ બનતા ઝીશાન અયૂબને ફોન પર પૂછે છેઃ “મેરે સાથ અમેરિકા ચલના હૈ”? ત્યારે ઝીશાન કહે છેઃ “મુસલમાન કો યુએસ વિઝા મિલતા હૈ તો ચલૂંગા”… આ અને ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી, અનુરાગ કશ્યપને સંડોવતી બે-ચાર રમૂજ ગુડ… કિંતુ બાકીની ‘ઝીરો’ બુદ્ધિ-તર્કના નામે મીંડાવાળી ને એક તબક્કે કંટાળાજનક-ભારરૂપ લાગતી ફિલ્મ છે.

2011માં ‘તનૂ વેડ્સ મનૂ’થી બોલિવૂડના સર્જકોમાં એક પોતીકું સ્થાન કંડારનારા ડિરેક્ટર આનંદ એલ. રાયે તે પછી ‘રાંઝણા’ અને ‘તનૂ વેડ્સ મનૂ રિટર્ન્સ’ જેવી સ-રસ ફિલ્મો આપી. અત્યાર સુધી સશક્ત વાર્તા-પાત્રાલેખન-કથાકથન પર ધ્યાન આપીને ફિલ્મ બનાવનાર આ સર્જક જ્યારે ત્રણ મોટા સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવે ત્યારે નૅચરલી અપેક્ષાનો પારો ઊંચે જાય જ, પણ…

ફિલ્મમાં બૌઆસિંહ (શાહરુખ ખાન) ઉત્તર પ્રદેશના મેરઠના એક જૉઈન્ટ ફૅમિલી સાથે રહેતો વર્ટિકલી ચેલેન્જ્ડ (સામાન્ય રીતે હોવી જોઈએ એના કરતાં ઘણી ઓછી ઊંચાઈ ધરાવતો) થર્ટી-સમથિંગ કુંવારો છે. તો અમેરિકાનિવાસી હાફ અફઘાની-હાફ પંજાબી આફિયા યુસુફઝાઈ ભિંદર (અનુષ્કા શર્મા) સેરિબલ પાલ્સીને લીધે વ્હીલચેરગ્રસ્ત છે, પણ એ ભેજાબાજ સાયન્ટિસ્ટ છે. મંગળ પર પાણી છે એવી એણે શોધ કરી છે. એ ઈન્ડિયા આવે છે. અહીં એનો ભેટો બૌઆસિંહ સાથે થાય છે. બન્ને વચ્ચે સમથિંગ હેપન થાય છે અને ઈન્ટરવલ સુધી મસ્તીમજાક, ગાનાબજાના ચાલતાં રહે છે. વચ્ચે વચ્ચે રમૂજના ચમકારા જોવા મળી જાય છે. પછી, સક્સેસફુલ બોલિવૂડ સુપરસ્ટાર બબિતા કુમારી (કટરીના કૈફ)નો પ્રવેશ થાય છે. તાજા બ્રેકઅપના દુઃખને ભૂલવા એણે વોડકાની બાટલીનો સહારો લીધો છે. ગમે ત્યાં ગમે ત્યારે એ વોડકાની બોટલ ખાલી કરી કાઢે છે. બૌઆ આ બબિતા પાછળ ગાંડો છે. એક દિવસ એને બબિતાને મળવાની તક મળે છે અને ઢેનટેણેન… જરાય ગળે ન ઊતરે એવા વળાંક પર ઈન્ટરવલ…

ઈન્ટરવલ પછી તો ફિલ્મ એન્જિન વગરની ટ્રેનની જેમ રીતસરની આઉટ ઑફ કન્ટ્રોલ થઈ જાય છે, વધુ પડતી મહત્વાકાંક્ષી, વધુ પડતી ઈલ્લોજિકલ, વધુ પડતી મેલોડ્રામેટિક ને એને અઢી કલાક સીટમાં બેસવા ભારે પડે એવી બની જાય છે. યાર વાર્તાકાર કલ્પનાના ઘોડા દોડાવે ત્યાં સુધી તો સમજ્યા, પણ કલાકના પાંચ કરોડ સાઠ લાખ કિલોમીટરની ગતિથી ઊડતું રૉકેટ દોડાવે ત્યારે કહેવું પડેઃ યાર, યે કૂછ જ્યાદા હો ગયા.

પાવરફુલ કથા-પટકથા આપવાનો ટ્રૅક રેકોર્ડ રાખનાર હિમાંશુ શર્મા અહીં અધકચરી પ્રેમકથા, નબળાં પાત્રાલેખનથી નિરાશ કરે છે. મનમોહન દેસાઈની ‘નસીબ’ અને શાહરુખની જ ‘ઓમ શાંતિ ઓમ’ની જેમ અહીં બોલિવૂડના જાણીતા કલાકારોની ઊપજાવી કાઢેલી લાગે છે. એવી જ રીતે ડિરેક્ટકર આનંદનો સ્પર્શ પણ ગાયબ છે. તોછડાઈ, હંસીમજાક પાછળ સામાન્ય કરતાં ઓછી હાઈટની લઘુતાગ્રંથિને ઢાંકી દેતો બૌઆસિંહ અને વ્હીલચેરગ્રસ્ત, પણ બાહોશ સાયન્ટિસ્ટ આફિયા જેવાં નવીનવાઈનાં કેરેક્ટર અને અભિનય, ખાસ કરીને અનુષ્કા શર્મા સિવાય ફિલ્મમાં ખાસ કંઈ બી લેવાનું ની મલે.

(જુઓ ‘ઝીરો’નું ટ્રેલર)

httpss://youtu.be/Ru4lEmhHTF4