ટોટલ ધમાલ: ટોટલ લોચાલાપસી

ફિલ્મઃ ટોટલ ધમાલ

કલાકારોઃ અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અજય દેવગન, અરશદ વારસી, સંજય મિશ્રા

ડાયરેક્ટરઃ ઈન્દ્ર કુમાર ઈરાની

અવધિઃ બે કલાક દસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

મુખ્ય ફિલ્મ શરૂ થઈ એ પહેલાં ઠંડા પીણાની એક ઍડ આવી, જેમાં હૃતિક રોશન બરફીલા પહાડની ટોચ પર પહોંવા સંઘર્ષ કરી રહ્યો છે. હાંફતાં હાંફતાં એ દર્શકોને કહે છેઃ ‘હિંમત બતાવ, રિસ્ક લે’…મેં પણ એ જ કર્યુઃ રિસ્ક ઉઠાવ્યું ને પહોંચી ગયો ફ્રાઈડે મોર્નિંગ ‘ટોટલ ધમાલ’ જોવા. ફિલ્મના અડધો ડઝન નિર્માતા છે ને એમાં ડઝનેક કલાકારો છે. જેમતેમ આખી ફિલ્મ જોઈને થિયેટરની બહાર નીકળતી વખતે ‘ઝાઝા રસોઈયા રસોઈ બગાડે’ એ કહેવતનો અર્થ સમજાઈ જાય છે.

ડિરેક્ટર ઈન્દ્ર કુમાર ઈરાનીની ‘દિલ’, ‘બેટા’, ‘મસ્તી’ તથા ‘ધમાલ’ (2007વાળી) જોવાલાયક હતી. એ પછી ઈન્દુભાઈ ‘ગ્રાન્ડ મસ્તી’ ને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ કરવા ગયા ને સિનેમાપ્રેમીની મજા બગાડી નાખી. ફિલ્મનો પ્લોટ (જો એવું કંઈ હોય તો) એ જ છે, જે ધમાલમાં હતોઃ પચાસ કરોડ રૂપિયા ભરેલી બે બૅગ જનકપુરના પ્રાણીબાગમાં સંતાડવામાં આવી છે. ફિલ્મનાં મુખ્ય આઠ-દસ પાત્ર વચ્ચે જે વાહન મળે એ લઈને ત્યાં પહોંચી, બૅગો લઈને ઘરભેગા થઈ જવાની રેસ એટલે ‘ટોટલ ધમાલ’.

મસમોટાં બાકોરાંવાળી પટકથા, કંગાળ પાત્રાલેખન, કોઈ શિખાઉ બાળકે કરી હોય એવી સ્પેશિયલ ઈફેક્ટ્સ (કમ્પ્યૂટર ગ્રાફિક્સ), કર્કશ સંગીત, વગેરે તો સમજ્યા, પણ ફિલ્મનો જે મુખ્ય હેતુ છેઃ કોમેડી એ પણ આટલી વાસી આખી ફિલ્મમાં માંડ બે-ચાર જગ્યાએ ખરેખર હસવું આવે છે, બાકી બધી જોક્સ જૂની.

અનિલ કપૂર-માધુરી દીક્ષિતની જોડી જામે છે, ને કદાચ બેસ્ટ જોક્સ પણ એમને જ મળ્યા છે, અજય દેવગને આ પહેલાં ભેજાગેપ કૉમેડી કરી છે, પણ ‘ટોટલ ધમાલ’ એની કારકિર્દીમાં એક નવું કુ-કીર્તિમાન સ્થાપ્યું છે, અરશદ વારસી-જાવેદ જાફરીનાં આદિ-માનવ મૂળ ‘ધમાલ’ ફિલ્મમાં ખડખડ હસાવતાં હતાં, જ્યારે અહીં દયનીય લાગે છે. રિતેશ દેશમુખ ક્વચિત ફની લાગે છે પણ એનેય નબળું પાત્રાલેખન-લેખન નડે છે. બીજાં પાત્રો વિશે કંઈ કહેવા જેવું નથી.

ટૂંકમાં, જો ‘ઉરી’, ‘ગલ્લીબૉય’, ‘ચાલ જીવી લઈએ’ જોઈ નાખી હોય, વીકએન્ડમાં હવે કરવા જેવું કંઈ જ કામ ન હોય, ને વૉટ્સઍપ પર ‘માર્કેટ મેં નયા હૈ’ના નામે પચીસ-ત્રીસ વાર તમારા મોબાઈલ પર આવેલી રમૂજ જોવાનો અભરખો હોય તો અવશ્ય ‘ટોટલ ધમાલ’ જોવા જજો.

(જુઓ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર)

httpss://youtu.be/fo9EhcwQXcM