સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર 3: પૂંઠાના રાજમહેલ જેવી તકલાદી

ફિલ્મઃ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર 3

કલાકારોઃ સંજય દત્ત, જિમી શેરગિલ, માહી ગિલ

ડાયરેક્ટરઃ તિગ્માંશુ ધુલિયા

અવધિઃ બે કલાક વીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

2011માં આવેલી ‘સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર’ના તાજા, ત્રીજા મણકાની વાત કરીએ એ પહેલાં જરા સ્મૃતિને ઢંઢોળી આખી વાતની  શરૂઆત જ્યાંથી થયેલી ત્યાં જઈએ. જિમી શેરગિલ સાહેબ હતો- આદિત્ય પ્રતાપસિંહ, જેને ઉત્તર પ્રદેશનું કોઈ રજવાડું અને રજવાડાનું રાજકારણ વિરાસતમાં મળેલું. સાહેબની બીવી હતી માધવી દેવી (માહી શેરગિલ), જેને વિશાળ મહાલયમાં એકલતા સતાવતી કેમ કે સાહેબ અવારનવાર મહેલથી દૂર રહેતા. એકલતાનો ઉપાય માધવીને રાજમહેલના ડ્રાઈવર (રણદીપ હૂડા)માં મળે છે. લગ્નેતર સંબંધ બાંધ્યા બાદ માધવીને ખબર પડે છે કે ડ્રાઈવર તો ગૅંગસ્ટર છે. આ પહેલો મણકો તથા એના કાવાદાવા એટલા એન્ગેજિંગ હતા કે આડા સંબંધ વીસરાઈ જાય.

હવે, થર્ડ એડિશન અથવા ફિલ્મના ત્રીજા ભાગમાં ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ શૃંગારરસ પર વધુ આધાર રાખ્યો છે ને કાવાદાવા બૅકસીટ પર જતા રહ્યા છે.

ત્રીજા મણકામાં પૃષ્ઠભૂ છે રાજસ્થાન એટલે ડાયલોગ્સમાં રાજા-રાની-આનબાનશાન- હમારી પરંપરા, વગેરે આવી શકે, જે પહેલી-બીજી ફિલ્મમાં હતું.

બીજા ભાગની ક્લાઈમેક્સમાં આદિત્ય પ્રતાપ મર્ડરકેસમાં જેલમાં જતો બતાવવામાં આવ્યો છે. હવે એ જેલમાંથી છૂટીને પાછો રજવાડામાં આવ્યો છે, ને પત્ની સાથે કાવાદાવા રમવાનું ચાલુ કરે છે. જો કે માધવી (માહી શેરગિલ) પાવરફુલ રાની છે, એ કુંવર સાહેબને શરમાવે એ હદે રાજકારણ ખેલે છે, જરૂર પડે ત્યાં ટેબલ તળે દક્ષિણા આપી કામ કઢાવે છે- ટૂંકમાં બધી રીતે પહોંચેલી માયા છે. એવામાં આદિત્ય પ્રતાપસિંહનો ભેટો લંડનથી પધારેલા કુંવર ઉદય પ્રતાપસિંહ (સંજય દત્ત) સાથે થાય છે ને શરૂ થાય છે એક પછી એક ચિત્રવિચિત્ર ઘટના ઘટવાની શરૂઆત…

ફ્રેન્ચાઈસ ફિલ્મો અથવા એકસરખાં પાત્રોવાળી ફિલ્મની બીજા, ત્રીજા ભાગની મજા એ હોય કે એ જ પાત્રો સાથે વાર્તામાં, સેટ-અપમાં કંઈ નવીનતા હોય. અહીં તો હાથમાં રિવૉલ્વર સાથે રશિયન રુલે રમતો સંજય દત્ત એકમાત્ર નવીનતા છે બાકી બધું સેમ-ટુ-સેમ છે. ટેલિવિઝન પર આવતી પારિવારિક ટીવીસિરિયલ જેવું, જેમાં બધાં પાત્ર એકબીજા સામે કાવતરાં કર્યાં કરતાં હોય.

પ્રતિભાશાળી ઍક્ટર તથા ‘સાહેબ બીવી…’ના પ્રાણ સમા જિમી શેરગિલ ઈન્ટરવલ પછી જામવાની શરૂઆત કરે છે, પણ ત્યાં સુધીમાં પ્રેક્ષક બિચારો અધમૂઓ થઈ જાય છે. હા, પાવરફુલ ડાયલોગ્સ માટે તિગ્માંશુની પાઠ થાબડવી પડે. ખાસ કરીને સંજય દત્ત-જિમી શેરગિલના. ક્યાંક ક્યાંક ચીલાચાલુ સંવાદ પણ છેઃ અગર તૂમ
સાહેબ કો માર દોગે તો રાજઘરાના કી મિલકત તુમ્હારી હો જાયેગી… એવી જ રીતે પ્રજાની સામે રશિયન રુલે ટાઈપનો ન્યાય તોળવાની વાત પણ હાસ્યાસ્પદ લાગે છે. જો કે તિગ્માંશુભાઈએ માહી ગિલની શિફોન સાડીનો પાલવ સરકાવ્યે રાખવામાં સાતત્ય જાળવ્યું છે ખરું.

અભિનયમાં એકમાત્ર માહી ગિલ મેદાન મારી જાય છે. ગૅંગસ્ટર તરીકે સંજય દત્ત આંચકાજનક નિરાશાજનક. ઈન ફેક્ટ, સંજય દત્ત અને એની સાથી ચિત્રાંગદાસિંહની એન્ટ્રીથી ફિલ્મ ગબડવા માંડે છે. દીપક તિજોરી, કબીર બેદી, સોહા અલી ખાન જેવા કલાકારોનાં પાત્રાલેખન સાવ ઉપરછલ્લાં છે ને એ ભજવાયાં પણ છે ઉપરછલ્લાં. ફિલ્મ જોઈને હું બહાર નીકળ્યો ત્યારે આશ્ચર્ય થયું કે આ એ જ તિગ્માંશુ ધુલિયા છે, જેમણે ‘પાનસિંહ તોમર’ સર્જેલી?

(જુઓ ‘સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર’નું ટ્રેલર)

httpss://youtu.be/p2PFt1uS780