પીએમ નરેન્દ્ર મોદી: મોદી રિટર્ન્સ…

ફિલ્મઃ પીએમ નરેન્દ્ર મોદી

કલાકારોઃ વિવેક ઓબેરોય, મનોજ જોશી, ઝરીના વહાબ, પ્રશાંત નારાયણ

ડાયરેક્ટરઃ ઓમંગ કુમાર

અવધિઃ આશરે બે કલાક પંદર મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

ગુજરાતના વડનગરનો યુવાન નરેન્દ્ર (વિવેક ઓબેરોય) યુવાવયે ગૃહત્યાગ કરી હિમાલયને ખોળે વસે છે ત્યારે ત્યાં એમને એક વયોવૃદ્ધ સંન્યાસી (સુરેશ ઓબેરોય) મળી જાય છે. એ પ્રશ્નોત્તરી દ્વારા જીવનનો મર્મ સમજાવે છે. એક દિવસ યુવા નરેન્દ્ર એમને કહે છે કે “હમણાં ઘણા સમયથી તમે મને સવાલ પૂછ્યો નથી”?

મર્માળું હસતાં ગુરુદેવ કહે છે કે “તારો સવાલ મારા ધ્યાનમાં છે”…

આ દશ્ય જોતી વખતે મને નરેન્દ્રભાઈ-અમીતભાઈની પેલી છેલ્લી પ્રેસ કૉન્ફરન્સ યાદ આવી ગઈ. વક્રતા એ છે કે ફિલ્મમાં નરેન્દ્ર કહે છે કે “તમે મને સવાલ જ પૂછતા નથી”, જ્યારે વાસ્તવિક પ્રેસ કૉન્ફરન્સમાં એ સવાલ લેતા નથી…

પ્રિયંકા ચોપરાને ચમકાવતી ‘મૅરી કોમ’ તથા ઐશ્વર્યા રાયને ચમકાવતી ‘સરબજિત’ જેવી બાયોપિક બનાવનારા ડિરેક્ટર ઓમંગ કુમાર હવે ‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ સાથે હાજર છે. જેમ વાસ્તવિકતામાં મોદી સાહેબ પ્રચંડ બહુમતીથી પાછા વડા પ્રધાનપદ પર બેસી રહ્યા છે એમ આ બાયોપિક પણ, એક વાર રિલીઝ થતાં થતાં રહી ગઈ ને હવે આજે (24 મેએ) ફરી રિટર્ન થઈ છે…

કહે છે કે સત્ય હંમેશાં કલ્પના કરતાં વરવું હોય છે (‘ટ્રુથ ઈઝ સ્ટ્રેન્જર ધેન ફિકશન’) પણ ઓમંગ કુમારની બાયોપિકમાં કલ્પના પણ જરા વિચિત્ર લાગે એવી છે. ફિલ્મમાં બાળવયે રેલવે સ્ટેશન પર ચા વેચતા (“”સબ કી ચાય, મોદી કી ચાય”) નરેન્દ્રની ગાંધીનગર (ચીફ મિનિસ્ટર)થી નવી દિલ્હીમાં પ્રાઈમ મિનિસ્ટર તરીકે શપથગ્રહણ (2014) સુધીના પ્રવાસને આવરી લેવામાં આવ્યો છે: યુવાવયે આરએસએસની શાખામાં માર્ગદર્શક ઍડવોકેટ લક્ષ્મણરાવ ઈનામદાર (વકીલ સાહેબ) સાથેની મુલાકાત બાદ પ્રચારક બનવાથી રાજકીય કારકિર્દીના આરંભથી મુખ્ય પ્રધાન બનવા સુધી ને ત્યાર બાદ ગોધરા-ઘટના, ત્યાર બાદ ફાટી નીકળેલાં રમખાણ, ગાંધીનગર અક્ષરધામ ટેરરિસ્ટ અટેક્સ, ન્યૂ યૉર્ક સહિત અમેરિકાનાં સાત રાજ્યોમાં ટેલિકૉન્ફરન્સિંગથી સંબોધન, સીટ દ્વારા એમની ઉલટતપાસ ને અંતે 2014માં લોક સભા ચૂંટણીમાં વારાણસીમાંથી એમનું ચૂંટાવવું…

ફિલ્મના સર્જક ઓમંગ કુમાર પર મોદી સાહેબને ગ્લોરિફાય કરવાથી લઈને એકતરફી, સાકર કરતાં પણ મીઠી તથા બાયોગ્રાફી નહીં, પણ હેગિયોગ્રાફી (કોઈ મહાન સંતની જીવનકથા) બતાવવાના ઈલ્ઝામ લાગ્યા છે. એ બધું બાજુએ મૂકીએ તો પણ, ફિલ્મ મને એક પાવર પૉઈન્ટ પ્રેઝન્ટેશન જેવી લાગી. આટલા પ્રચંડ વ્યક્તિત્વ વિશે આવી મિડિયોકર ફિલ્મ? જો કે ઈન્ટરવલ પછીના 2-3 પ્રસંગ રોમાંચક છે. ગાંધીનગર અક્ષરધામની ઘટના (જે ઍક્ચ્યુઅલ લોકેશન પર શૂટ કરવામાં આવી છે), પટના (2014)ની રૅલીમાંથી ટેરરિસ્ટ્સ સાથેની ઉંદર-બિલાડીની રમત, તથા મોટા બિઝનેસમેન (પ્રશાંત નારાયણ)ના કહેવાથી મોદીની કારકિર્દી ખતમ કરવા નીકળેલા ટીવીજર્નલિસ્ટ હેમરાજ (સમજી ગયાને, કોણ?) દ્વારા ઑડિયન્સની હાજરીમાં લાઈવ ટીવી ઈન્ટરવ્યૂ, વગેરે.

હજી માર્ચ મહિનામાં રિલીઝ થયેલી ને રિલીઝના આઠ દિવસમાં 100 કરોડ રૂપિયાનો વકરો કરનારી મલયાલમ ફિલ્મ ‘લુસિફેર’માં અસરદાર પરફોરમન્સ કરનાર વિવેક ઓબેરોય મોદી તરીકે નથી જામતો. ક્યારેક એના સંવાદમાં ગુજરાતી છાંટ દેખાય તો ક્યારેક અદશ્ય થઈ જાય એમ કેમ? સાતત્ય કેમ નહીં? રતન તાતાની ભૂમિકામાં બમન ઈરાની તથા પ્રશાંત નારાયણ સ-રસ. ટૂંકમાં, જો તમે નમોનો રાજકીય પ્રવાસ રૂપેરી પરદે જોવા ઉત્સુક હો તો જઈ શકો.

(જુઓ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું ટ્રેલર)

httpss://youtu.be/X6sjQG6lp8s