પરીઃ જો ડર ગયા… સમજો મર ગયા

ફિલ્મઃ પરી

કલાકારોઃ અનુષ્કા શર્મા, પરમ્બ્રત ચેટરજી

ડિરેક્ટરઃ પ્રોસિત રૉય

અવધિઃ આશરે સવા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★ ★

હોલિકા-દહનની મોડી રાતે ‘પરી’ જોઈને ઘેર આવવા રિક્ષામાં બેઠો ત્યારે મનમાં ને મનમાં હું હનુમાન-ચાલીસાનું રટણ કરતો હતો. બાય ગૉડ, આટલી ડરામણી બોલિવૂડ સુપરનૅચરલ હૉરર ફિલ્મ મેં મારી લાઈફમાં જોઈ નથી. અનુષ્કા શર્માને અત્યાર સુધી આપણે મોસ્ટ્લી મસ્તીખોર પંજાબી જવાન છોકરીની ભૂમિકામાં જોઈ છે અહીં એ આ ઈમેજ ફગાવી દઈને આપણને ડરાવવા તો નહીં, પણ ડિસ્ટર્બ કરવા આવી છે. થ્રી ચિયર્સ ફૉર અનુષ્કા.

આપણે ત્યાં બહુધા હૉરર ફિલ્મ અને ઈરોટિક થ્રિલરની સેળભેળ કરી દેવામાં આવે છે. મોટે ભાગે ભૂત અથવા ચૂડેલને કોઈ બદલો લેવાનો હોય છે. ‘પરી’ સાદ્યંત હૉરર ફિલ્મ છે. આપણે જોઈએ છીએ ગાઢ જંગલમાં સાંકળમાં જકડાયેલી, છિન્નવિછિન્ન રુખસાના (અનુષ્કા શર્મા)ને. ઔર્ણબ (પરમ્બ્રત ચેટરજી)ની કાર નીચે આવીને રુખસાનાની માતાનું મોત થઈ ગયું છે. આથી ‘રુખસાનાની જવાબદારી મારી’ એવી લાગણી સાથે ઔર્ણબ અનાથ રુખસાનાને પોતાને ઘેર લઈ આવે છે. એ પછી અચાનક એક પછી એક વિચિત્ર ઘટના એની આસપાસ બનવા માંડે છે. પછી અનુષ્કાનો રોમાન્ટિક એન્ગલ આવી જાય છે અને… ના, વધુ કંઈ કહીને તમારી મજા બગાડવી નથી.

શરૂથી ધી એન્ડ, સીટ સાથે જકડી રાખતી અને વચ્ચે વચ્ચે નીરવ શાંતિથી મારકણો માહોલ બાંધી દેતી ફિલ્મ છે ‘પરી’. “આ હૉરર ફિલ્મ છે-હવે તમે ડરો” એવું સતત યાદ અપાવતા દશ્યો, કાન ફાડી નાખતું મ્યુઝિક નથી, કે નથી મારીમચડીને ઊભા કરેલા બિહામણાં દશ્યો. જે કંઈ આવે છે એ સહજ રીતે, સ્ક્રિપ્ટના તર્ક સાથે બેસે છે. ઍક્ચ્યુઅલી હૉરર ફિલ્મ કેવી હોવી જોઈએ એનો પાઠ ભણાવવા આ ફિલ્મ દરેક ફિલ્મ-મેકિંગ ઈન્સ્ટિટ્યૂટમાં આવતી કાલના ડિરેક્ટરોને બતાવવી જોઈએ. બૅકગ્રાઉન્ડ મ્યુઝિકથી લઈને ઍક્ટિંગ, ભૂતિયા હવેલીને બદલે કાળી ડિબાંગ રાતે વરસતા વરસાદમાં એક નાનકડું નગર (લોકેશન- પશ્ર્ચિમ બંગાળના ચોવીસ પરગણાનું ગામ)થી લઈને મૂડ બધું જ પરફેક્ટ છે. વચ્ચે વચ્ચે આવતી આડકથાઓ પણ સરસ આલેખવામાં આવી છે. કોઈ પણ જાતના મેક-અપ વગર આવતી અનુષ્કાના પાવરફુલ પરફૉરમન્સને સજ્જડ ટેકો મળ્યો છે પરમ્બ્રત ચેટરજીનો. બંગાળીના આ અદભુત અદાકારને તમે ‘કહાની’માં પુલીસ ઑફિસર સત્યોકી ‘રાણા’ સિંહાના કેરેક્ટરમાં જોયો છે. બંગલાદેશી પ્રોફેસર અને મૉડર્ન ભૂવો (વિચ હન્ટર)ની ભૂમિકામાં રજત કપૂર રાબેતા મુજબ કમાલના. એમનો પ્રોસ્થેટિક મેક-અપ પણ જોરદાર છે. ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર પ્રોસિત રૉયે એક કન્વિક્શન સાથે આ ફિલ્મ બનાવી છે. એમણે અહીં એક સામાજિક-રાજકીય મુદ્દો છેડ્યો છેઃ ફિલ્મમાં બાંગલાદેશી નિરાશ્રિતોની સમસ્યા પર પ્રકાશ ફેંકે છે.

હું અનુષ્કાને વધુ એક વાર સલામ એટલા માટે ભરીશ કે એણે આવી પરંપરાથી ઉંફરી હૉરર ફિલ્મ બનાવવા ફદિયાં રોક્યાં છે. યસ, ‘એનએચ-10’ અને ‘ફિલ્લોરી’ની જેમ ‘પરી’ અનુષ્કાએ પ્રોડ્યુસ કરી છે. જો તમને હૉરર ફિલ્મમાં રસ પડતો હોય તો આ સાવ વેગળી હૉરર ફિલ્મ અવશ્ય જોવી.

(જુઓ ‘પરી’નું ટ્રેલર)

httpss://youtu.be/APbgb8gRQ_4