પદ્માવત: વારી વારી જાઉં, પણ…

ફિલ્મઃ પદ્માવત

કલાકારોઃ દીપિકા પદુકોણ, શાહીદ કપૂર, રણવીરસિંહ

ડિરેક્ટરઃ સંજય લીલા ભણસાળી

અવધિઃ આશરે ત્રણ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

14મી સદીની રાજપૂત પરંપરાને તોડવા, ચિતોડના રાજા રતનસિંહ રાવલ (શાહીદ કપૂર)ને નમાવવા સુલતાન-એ-હિંદ અલ્લાઉદ્દીન ખીલજી પોતાના લાવલશ્કર સાથે ચિતોડગઢની તળેટીમાં તંબુ તાણે છે. રાજા રતનસિંહ થાકીહારીને પોતાને શરણે ક્યારે આવે એની એ પ્રતીક્ષા કરી રહ્યો છે. મહિનાઓ વીતી જાય છે. એક દિવસ એનો સેક્રેટરી-કમ-ગુલામ (‘નિરજા’નો વિલન જિમ સરબાહ) આવીને કહે છે કે “સુલતાન, આપણા સૈનિકો કંટાળી ગયા છે. એમને થાય છે કે કંઈ બનતું તો છે નહીં. અમથા બેસી રહ્યા છીએ.”

ત્યારે, દુષ્કાળમાંથી આવ્યો હોય એમ, ભૂંડું ભૂંડું નૉનવેજ ખાતો ખીલજી કહે છેઃ “એમ? તો પછી કુશ્તીનો પ્રોગ્રામ ગોઠવો…”

ખરેખર. એક તબક્કે ફિલ્મ જોતાં જોતાં પ્રેક્ષકને પણ કહેવાનું મન થઈ આવે છેઃ સર, આમ કેમ? કંઈ બની રહ્યું નથી.  

વેલ, મહિનાઓથી જેના વિશે વિવાદ ચાલી રહ્યો છે એ “પદ્માવત” છેવટે રિલીઝ થઈ.

પહેલાં ગુડ ન્યુઝઃ મોહમ્મદ જાયસીના મહાકાવ્ય પર આધારિત ફિલ્મની દરેક ફ્રેમ પર ભણસાળીમાર્કાનો સિક્કો લાગેલો છે. દરેક ફ્રેમ એમણે કુશળ કારીગર બારીક નકશીકામ કરતો હોય એ રીતે બનાવી છે. ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજીના મોંમાં એક સંવાદ મૂકવામાં આવ્યો છેઃ “દુનિયા કી હર નાયાબ ચીઝ પર અલ્લાઉદ્દીન કા હક હૈ.”

એક્ચ્યુલી, આ સંવાદ સંજય લીલા ભણસાળીના મોંમાં મૂકવો જોઈએ. પછી એ સેટિંગ્સ્ હોય, સેટિંગની ઝીણી ઝીણી ડિટેલ હોય, કૉસ્ચ્યૂમ્સ-જ્વેલરી હોય, કે એમના મુખ્ય ઍક્ટર્સ- દીપિકા પદુકોણ-શાહીદ કપૂર-રણવીરસિંહને પેશ કરવાનો તરીકો હોય- સુપર્બ. સિમ્પ્લી સુપર્બ. “ઘૂમર” સોંગ, એનું ચિત્રિકરણ આફરીન પોકારાવી દે એવું છે, સુબ્રત ચેટર્જીની સિનેમેટોગ્રાફી ઉત્તમ. પ્રકાશ કાપડિયાના સંવાદો હૃદયસોંસરવા ઊતરી જાય એવા છેઃ “સુલતાન-હે-હિંદની તરવારમાં જેટલું લોઢું નથી એટલું રાજપૂતોની છાતીમાં છે.” ત્રણેવ મુખ્ય અદાકારના અભિનય સૉલિડ છે.

-અને હવે બૅડ ન્યૂઝઃ ફિલ્મમાં આત્માનો અભાવ જણાય છે. ઉપર ઉપરથી બધું સુંદર લાગે, પણ અંદર જુઓ તો કંઈ નહીં. માઠા સમાચાર છેઃ ખોડંગાતું કથાકથન. મને સૌથી અકળાવી ગયેલી વાત આ છેઃ જે રાજપૂતાણી પદ્માવતીની બહાદુરી-ચતુરાઈને અંજલિ અર્પવા ફિલ્મ બનાવવામાં આવી છે એ, મીન્સ કે પદ્માવતીને બદલે વધુ સશક્ત પાત્રાલેખન ખીલજીનું થયું છે. ફિલ્મ જોઈને બહાર નીકળીએ ત્યારે પદ્માવતીને બદલે યાદ રહી જાય છેઃ વ્યભિચારી, હત્યારો, બાઈ-સેક્સ્યુઅલ, દગાખોર અલ્લાઉદ્દીન ખીલજી.

તો મૂળ વાત આ છેઃ સ્ક્રિપ્ટ પર ભણસાળીમાર્કો નથી. ખાસ કરીને મધ્યાંતર પહેલાં. વાર્તા સૌ જાણે છે એમ, સુલતાન-એ-હિંદ અલ્લાઉદ્દીન ખીલજી પદ્માવતીને પામવાના બદઈરાદા સાથે ચિતોડ પર ચડાઈ કરે છે. રાજા રતનસિંહ કે પદ્માવતી એમની સામે નમતું જોખવાને બદલે એમને ટફ ફાઈટ આપે છે. છેવટે રાજા હણાય છે અને પદ્માવતી સેંકડો મેવાડની મહિલા સાથે અગ્નિસ્નાન કરે છે.

હા, અગ્નિસ્નાનની સિકવન્સ બહુ જ નજાકતથી હાથ ધરી છે સંજયભાઈએ. જરાય ગ્લોરિફિકેશન નહીં. એક તરફ રાજા રતનસિંહ ચિતોડને બચાવવા ખીલજી સાથે આખરી યુદ્ધ કરી રહ્યો છે, એને ઈન્ટરકટ કરે છે રાણી પદ્માવતીની જૌહરની તૈયારી. હા, આ જોતી વખતે કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ યાદ આવી જાય તો નવાઈ નહીં. રાજા રતનસિંહને દગાખોરીથી મારીને ખીલજી ગઢની અંદર પ્રવેશે છે ત્યારે રાજપૂતાણીઓ કપડાંમાં ધગધગતા કોલસા લપેટી એની પર છુટ્ટા ફેંકે છે. ‘મિર્ચ મસાલા’માં સ્ત્રીઓ નસીરુદ્દીનની આંખમાં મરચાંની ભૂકી ફંગોળે છે.

ઈન શૉર્ટ, જો તમે સંજય લીલા ભણસાળીની ફિલ્મના શોખીન હોવ ને અહીં વર્ણવી એ ખામીને નજરઅંદાજ કરવાની તૈયારી હોય તો જોઈ કાઢો ‘પદ્માવત’.

(જુઓ ‘પદ્માવત’નું ટ્રેલર)