ઓક્ટોબરઃ અવ્યક્ત લાગણીની સુગંધનો દરિયો

ફિલ્મઃ ઑક્ટોબર

કલાકારોઃ વરુણ ધવન, બનિતા સંધુ, ગીતાંજલિ રાવ

ડિરેક્ટરઃ શૂજિત સરકાર

અવધિઃ આશરે બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★ ★

“શૂજિત સરકારની ‘ઑક્ટોબર’નો ઓપનિંગ શૉટ આગામી બે કલાક શું જોવા મળશે એનો ખ્યાલ આપી જાય છેઃ દિલ્હીની ધુમ્મસાચ્છાદિત ઠંડીની વહેલી સવાર. ફોગમાં જાણે રસ્તો શોધતી, ધીમી ગતિએ આગળ ધપતી મેટ્રો. વહેલી સવારથી જ પ્રવૃત્તિથી ધમધમતી ફાઈવ સ્ટાર હોટેલ… દિલ્હીની વસંત, દિલ્હીની પાનખર, દિલ્હીનું ચોમાસું, અહીંનો ‘એનસીઆર’ વિસ્તાર…

-પણ પહેલી વાત પહેલાં. શૂજિત દાના નવા મૂવીનું ટાઈટલ છે ‘ઑક્ટોબર’, જેનો સંબંધ પારિજાત સાથે છે. આ નાનકડું વૃક્ષ એનાં સુગંધી ફૂલો માટે જાણીતું છે, જે સપ્ટેમ્બર મહિનાથી ત્રણેક મહિના સુધી બેસે છે. ખુશબોદાર પારિજાત સમી સાંજે ખૂલે છે. વહેલી સવારે એ ખરે ત્યારે જાણે ભોંય પર ફૂલોની છાપવાળી ચાદર પથરાઈ હોય એવું લાગે. અલ્પ આયુષ્યવાળાં આ ફૂલ પ્રિય છે ફિલ્મની નાયિકા શિઉલી (બનિતા સંધુ)ને. બંગાળીમાં પારિજાતને શિઉલી કહે છે…

‘ઑક્ટોબર’ એક ન વ્યક્ત થયેલા પ્રેમ વિશેની ફિલ્મ છે. શૂજિત સરકાર અને એમનાં રાઈટર જુહી ચતુર્વેદીએ બૉક્સ ઑફિસની પરવા કર્યા વગર એક લાગણીનીતરતી ફિલ્મ બનાવી છે. જેમ ‘પિકુ’ (અમિતાભ બચ્ચન-ઈરફાન ખાન-દીપિકા પદુકોણ)માં પ્લૉટ-વાર્તાની એસીતેસી કરીને એક માહોલ સર્જ્યો હતો એમ, અહીં પણ વેફરપાતળી વાર્તારેખા સાથે એમણે એક વાતાવરણ નિર્માણ કર્યું છે.

શિઉલી, દાનિશ ડૅન વાલિયા (વરુણ ધવન) અને એવા યંગ છોકરાં-છોકરી હોટેલ-મૅનેજમેન્ટનું ભણતાં ભણતાં દિલ્હીની ફાઈવ સ્ટાર હોટેલમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. ડૅન સાવ બેફિકરો, ઉદ્ધત છે, હંમેશાં પોતાના સહકર્મચારી-સિનિયર્સ સાથે, હોટેલના ગેસ્ટ સાથે જીભાજોડી કરતો રહે છે (આવું એ શું કામ કરે છે એનું કોઈ એક્સપ્લેનેશન રાઈટર-ડિરેક્ટર આપતાં નથી.). બીજી બાજુ શિઉલી અને બીજા મિત્રો કામમાં એકદમ સિન્સિયર છે. બને છે એવું કે થર્ટી ફર્સ્ટની નાઈટે આ ટ્રેઈની સ્ટાફ શિફ્ટ પૂરી કરી પૂલસાઈડ પર પાર્ટી કરી રહ્યો હોય છે, ત્યાં પાળી પર બેઠેલી શિઉલી અકસ્માત ઉપરથી નીચે પટકાય છે. એ પછીની આખી ફિલ્મમાં એ આઈસીયુમાં પથારીવશ રહે છે. આ તરફ ડૅનને ખબર પડે છે કે ઉપરથી નીચે પટકાતાં પહેલાં શિઉલીએ મિત્રોને કૅઝ્યુઅલી સવાલ કર્યો હોય છે કે “ડૅન કહાં હૈ”?

આ ખબર પડતાં ડૅનનું જાણે જીવન બદલાઈ જાય છે. એને જાણે જીવવાનું એક કારણ મળી જાય છે. એ રાત-દિવસ શિઉલીની સરભરામાં લાગી જાય છે. ત્યાં સુધી કે એના મિત્રોથી લઈને શિઉલીની મા (ગીતાંજલિ રાવ) તથા એનાં નાનાં ભાઈ-બહેનોને પણ નવાઈ લાગે છે કે આ છોકરો કેમ આટલો બધો ઈન્વૉલ્વ થઈ ગયો?

આગળ કહ્યું એમ, શૂજિત દાએ માહોલ, મૂડ સર્જ્યાં છે. ફિલ્મમાં કંઈ જ બનતું નથી, પણ ઘણું બધું બને છેઃ ડૅન જ્યાં ટ્રેનિંગ લઈ રહ્યો છે હોટેલમાં, રાત-દિવસ શિઉલીની સારવારમાં રત રહે છે એ હૉસ્પિટલમાં… ઘરની એક વ્યક્તિ હૉસ્પિટલમાં હોય એનાથી એક મિડલ ક્લાસ ઘરમાં કેવા ચેન્જિસ આવી જાય એ પણ એક ઘટના છે. રાત કોણ રોકાશે, સવારે કોણ આવશે, સવારથી સાંજ સુધી રહેશે એના ખાવાનું શું, સ-રસ સારવાર આપતી સુપર સ્પેશિયલિટી હૉસ્પિટલનું કમર તોડી નાખતું બિલ… ડૅનનું કૅઝ્યુઅલી નર્સને પૂછવું કે “રોજ કરતાં આજે યુરિન વધારે આવ્યું છે તો એ સારી નિશાની ગણાય કે નહીં”?

‘ઑક્ટોબર’નું લેખન સંભાળ્યું છે જુહી ચતુર્વેદીએ (જેણે શૂજિતદાની વિકી ડોનર-પિકુના રાઈટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળેલા). એમણે દરેક પાત્રનું આલેખન બખૂબી કર્યું છે. સંવાદ પણ વિચારમાં પાડી દે એવા છે. આ જુઓઃ

“આ રીતે વેન્ટિલેટર પર રાખીને એને જિવાડવાનો શું અર્થ? ખર્ચો કેટલો થાય છે એનો ખ્યાલ છે? હવે પ્રેક્ટિકલ બનીને એક ડિસીઝન લઈ લો” એવી સુફિયાણી સલાહ આપતા એક ક્લોઝ રિલેટિવ છે. આ રિલેટિવ (શિઉલીના કાકા) જ્યારે કહે છે કે “એ ભાનમાં આવે તો પણ કંઈ ફાયદો નથી, કારણ કે એ કોઈને ઓળખવાની તો છે નહીં.”

-ત્યારે ડૅન કહે છેઃ “એ તમને ઓળખે નહીં તો કાંઈ નહીં, તમે તો એમને ઓળખશોને? બોલ્યા મોટા વેન્ટિલેટરનો પ્લગ કાઢી લો- તમે શિઉલીની મરજી જાણી? એને મરવું છે કે જીવવું છે એ તો જરા જાણો…” ગંભીર કહેવાય એવી પળમાં નાની નાની રમૂજથી એમણે મૂડ લાઈટ રાખવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે ‘આઈસીયુ’માં ડૅન ગુસ્સામાં નર્સને કહે છેઃ “આ કાકો કોણ છે? કાયમ પ્લગ કાઢી નાખવાની વાત કર્યા કરે છે… તું એને પ્લગની બાજુમાં નહીં બેસાડતી”.

ફિલ્મનું દરેક કેરેક્ટર પ્રેક્ષક પર ઊંડી છાપ છોડી જાય છે. પછી એ હોટેલનો સ્ટાફ હોય, એમનો સિનિયર મેનેજર હોય કે શિઉલીની મમ્મી હોય કે પછી આઈસીયુની નર્સ. નવોદિતા બનિતા સંધુએ આઈસીયુમાં શરીરમાં અડધો ડઝન પાઈપ સાથે પલંગમાં પડી રહેવા સિવાય બીજું કંઈ કરવાનું નથી, છતાં, એણે ચીંધ્યું કામ પરફેક્ટ કર્યું છે. વરુણ ધવન માટે આ કદાચ એની કારકિર્દીનું સૌથી અઘરું કેરેક્ટર છે, પણ કહેવું પડે- ‘બદલાપુર’ની જેમ અહીં પણ એણે કમાલનું કામ કર્યું છે.

ટૂંકમાં, ‘ઑક્ટોબર’ અમુક ચોક્કસ વર્ગને જ આકર્ષે એવી ફિલ્મ છે. જેમ ઘણાં પુસ્તક એવાં હોય છે, જે તમે નિરાંતે, એકએક શબ્દ વાગોળીને વાંચો છો, વિચારો છો, વિચારીને માણો છો. બસ, આ પણ એવી ફિલ્મ છે. જો તમે સિનેમાપ્રેમી હોવ ને વીકએન્ડમાં કશુંક ઈમોશનલ જોવું હોય તો બુક યૉર ટિકિટ્સ.

(જુઓ ‘ઓક્ટોબર’નું ટ્રેલર)

httpss://youtu.be/7vracgLyJwI