માય બર્થડે સોંગ: સાઈકૉલૉજિકલ બંદિશ, જે કર્ણમંજુલ બની શકી હોત

ફિલ્મઃ માય બર્થડે સોંગ

કલાકારોઃ સંજય સુરી, નોરા ફાતેહી

ડિરેક્ટરઃ સમીર સોની

અવધિઃ આશરે દોઢ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★

આ અઠવાડિયે નાના બજેટ ચારેક ફિલ્મ રિલીઝ થઈઃ ‘વોડકા ડાયરીઝ,’ ‘નિર્દોષ,’ ‘યુનિયન લીડર’ અને ‘માય બર્થડે સોંગ.’ ચારમાંથી ત્રણ ફિલ્મ થ્રિલર છે (અથવા એવા સર્જકોના દાવા છે.), જ્યારે તિલોત્તમા શોમ-રાહુલ ભટ્ટને ચમકાવતી યુનિયન લીડર ગુજરાતના એક વિરાટ કેમિકલ પ્લાન્ટમાં કામદારોની સલામતીની અવગણના તથા એમની બદતર વર્કિંગ કન્ડિશન વિશેની ફિલ્મ છે. સર્જક છેઃ સંજય પટેલ.

ખેર. આ ચારમાંથી વિષયવસ્તુની દષ્ટિએ ‘માય બર્થડે સોંગ’ વેગળી લાગી એટલે એની વાત કરીએ. ‘માય બ્રધર…નિખિલ,’ ‘આઈ ઍમ’ તથા ‘સૉરી ભાઈ’ જેવી ફિલ્મોમાં દેખાઈ જતો ઍક્ટર સંજય સુરી ફિલ્મનો હીરો તો છે જ સાથે સાથે એણે ફિલ્મ બનાવવા ફદિયાં બી રોકેલાં છે.

આ મનોવૈજ્ઞાનિક થ્રિલરમાં એ સપનાં અને વાસ્તવિકતા વચ્ચે સપડાયેલો ચાળીસીમાં જસ્ટ પ્રવેશેલો રાજીવ કૌલ બન્યો છે. રાજીવ નવી દિલ્હીમાં પોતાની ઍડવર્ટાઈઝિંગ એજન્સી ચલાવે છે, પૈસેટકે ખૂબ સુખી છે. ઘરમાં નિરુપદ્રવી, સુશીલ ઘરવાળી છે, બે બાળકો છે. ફિલ્મ ઓપન થાય છે રાજીવના ચાળીસમી બર્થડે પાર્ટીથી. સૌ મિત્રો રાજીવના બંગલા પર ભેગા થયા છે. પત્ની-બાળકો નાદુરસ્ત તબિયતવાળાં વડીલને ઘેર ગયાં છે. રાજીવ બર્થડે કેકને કટ કરે છે. પછી શરાબની પ્યાલી ફરવા માંડે છે. મોડી રાતે સૌ ઘરભેગા થાય છે, પણ રાજીવના એક ખાસ દોસ્તની રૂપાળી દોસ્ત સૅન્ડી (નોરા ફતેહી) કશુંક ડિસ્કસ કરવાના બહેને રોકાઈ જાય છે. બન્ને વચ્ચે, ‘સમજી ગયાને?’ ટાઈપનું થવાનું જ હોય છે ત્યાં સૅન્ડી અકસ્માત મૃત્યુ પામે છે. ડઘાઈ ગયેલો રાજીવ એન્કઝાઈટીની ગોળીની ને દારૂની બાટલી ખાલી કરીને પોઢી જાય છે. સવારે ઊઠે છે ત્યારે ખબર પડે છે કે આખ્ખી વાત એક બૅડ ડ્રીમ હતું કેમ કે ઘરમાં બધું નૉર્મલ છે. સૅન્ડીની લાશ નથી,  ઘરનોકર બ્રેકફાસ્ટ તૈયાર કરી રહ્યો છે, એક કેટરરવાળો આવીને રાતે થનારી રાજીવની બર્થડે પાર્ટી માટે ઍડવાન્સ લઈ જાય છે… આનો અર્થ એ કે રાતે સપનામાં બન્યું એ હવે બનવાનું છે કે શું? રાજીવ ઑફિસે પહોંચે છે અને ત્યાર બાદ એક પછી એક વિચિત્ર કહેવાય એવા પ્રસંગ બનતા રહે છે. રાજીવને ખાતરી થઈ જાય છે કે રાતે જોયેલું દુઃસ્વપ્ન સાચું પડવાનું છે. શું એવું બનશે? કે પછી આ બધા એના મનના તરંગ છે, કેવળ કલ્પના જ છે?

રાજીવ સાથે બચપનમાં એવું કંઈ બન્યું છે, જે એનો આજેય પિછો છોડવા તૈયાર નથી. બાળપણમાં પિતા અને સાવકી માના ઝઘડાથી ત્રસ્ત રાજીવનો અતીત, વર્ષો પહેલાં કારમાં કોઈની સાથે માણેલી સેક્સક્રીડા, એનું ગિલ્ટ એની સામે ભયાનક રીતે સામે આવે છે. ફિલ્મની ક્લાઈમેક્સ પ્રેક્ષકને ચોંકાવી દેનારી છે.

એક વાત કહેવી પડશે કે દિગ્દશર્ક સમીર સોની (હા, એ જ- ચાઈનાગેટ, બાઘબાન, દિલ ચાહતા હૈ, વિવાહ જેવી ફિલ્મો અને જસ્સી જૈસી કોઈ નહીં જેવી ટીવીસિરિયલ્સનો ઍક્ટર) એમના રાઈટર પ્રેક્ષકને અંત સુધી જકડી રાખવામાં સફળ થયા છે. એક પછી એક સીન આવતા રહે છે, જે તમને છેક ધી એન્ડ સુધી જુદી જુદી શક્યતા વિચારવા પ્રેરતા રહે છે. ઍક્ટર્સે પણ કામ સ-રસ કર્યું છે. ત્રસ્ત ભૂતકાળ ધરાવતા રાજીવ કૌલનું કેરેક્ટર સંજય સુરીએ પરફેક્ટ નિભાવ્યું છે. મધ્યાંતર પહેલાં એવી ઘટના બને છે કે ઈન્ટરવલમાં તમે વિચાર્યા કરો છો કે શું બન્યું હશે.

મોટા ભાગના સંવાદ દિલ્હીના શ્રીમંત બોલે છે એવા ઈન્ગ્લિશમાં છે, એટલે એ અમુક પ્રેક્ષકવર્ગને જ અપીલ કરશે. સચ્ચાઈની નજીક રહેવાના પ્રયાસમાં ફિલ્મ વચ્ચે વચ્ચે લથડિયાં ખાતી જણાય. બીજું, રાજીવ આખી ફિલ્મમાં સતત ડ્રાઈવિંગ કરતો રહે છે. દિલ્હીની સડક પર કાર આગળ વધતી રહે છે, પણ વાર્તા નહીં.

એટલું જ કહેવાનું કે કર્મનો સિદ્ધાંત ને કર્યું બધું આંઈનું આંઈ જ ભોગવવાનું છે, ભઈલા, એવી ફિલસૂફીની આસપાસ ફરતી મનોઝંઝટ કરાવતી, રહસ્યમય ફિલ્મ ગમતી હોય તો જોવા જજો. આ ફિલ્મ એમના માટે હરગિજ નથી, જેમને હળવી પળના અભાવવાળી ડાર્ક, સાઈકોલોજિકલ સસ્પેન્સ થ્રિલર ગમતી નથી…

(જુઓ ‘માય બર્થડે સોંગ’નું ટ્રેલર)