મુક્કાબાઝઃ વરવી વાસ્તવિકતાનો નોકઆઉટ પંચ..!

ફિલ્મઃ મુક્કાબાઝ

કલાકારોઃ વીનિતકુમાર સિંહ, જિમી શેરગિલ, રવિકિશન, ઝોયા હુસૈન

ડિરેક્ટરઃ અનુરાગ કશ્યપ

અવધિઃ આશરે અઢી કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

“અપને ટેલેન્ટ કા પ્રમાણપત્ર લેકર સોસાયટીમાં ઝંડા ગાડને નિકલે હો? દાંત ચિયાર કે ટેં બોલ જાઓગે. પહલે સહી વ્યક્તિત્વ કે સમક્ષ દાંત નિપોરના સીખો. જ્યાદા ઈમ્પોર્ટન્ટ હૈ તુમ કિસકો જાનતે હો, કિસકો પહચાનતે હો, કૌન તુમકો જાનતા હૈ, કૌન તુમકો માનતા હૈ. કિસકા બીવી બચ્ચા તુમ્હારા ફૈન હૈ, ઔર બડે ઘર કી કન્યા પટાને વાલા ફંડા તો હૈ હી હૈ. ઈસકો કહતે હૈં પૈંતરા.”

આવું કહેવાવાળો છે એક બૉક્સિંગ કોચ સંજયકુમાર (રવિકિશન). એ પોતાના શાગીર્દ (વીનિતકુમાર સિંહ)ને સવાલ કરે છે કે “તું મુક્કેબાઝ (બૉક્સર) બનવા માગે છે કે મુક્કાબાઝ (ફાઈટર)?” ચેલો શ્રવણકુમાર બૉક્સિંગ રિંગમાં પ્રતિસ્પર્ધી સાથે જ નહીં, પણ ઘણા બધા મોરચે લડી રહ્યો છે.

અનુરાગ કશ્યપની ‘મુક્કાબાઝ’ માત્ર સ્પોર્ટસ ડ્રામા જ નથી. ફિલ્મનું મુખ્ય ઘટક છે: ઉત્તર પ્રદેશનું આપણી ખોપડીમાં ન ઘૂસે એવું બ્રાહ્મણ-રાજપૂત-યાદવ-દલિત જેવા જાતિવાદનું જટિલ સમીકરણ. આ ઉપરાંત સ્પોર્ટ્સમાં ખેલાતું ગંદું રાજકારણ, સગાંવાદ, નોકરશાહી, પુરુષપ્રધાન સમાજ અને આ બધાંની આડમાં એક પ્રણયકથા.

બરેલીનો શ્રવણકુમાર શ્રેષ્ઠ બૉક્સર છે (એના શબ્દોમાઃ “પતા હૈ ન કૌન હૈં હમ? માઈક ટાઈસન હૈ ઉત્તર પ્રદેશ કે. અગર એક ઠો ધર દિએ ન, પ્રાણ પખેરુ હો જાએગા આપકા”)!

શ્રવણની એક જ મક્સદ છેઃ રાજ્ય સ્તરની સ્પર્ધામાં ઊતરીને સ્પોર્ટસ ક્વોટામાં રેલવેની નોકરી લઈ લેવી. ભગવાનદાસ મિશ્રા (જિમી શેરગિલ) કોચ-કમ-રાજકારણી-કમ-બાહુબલી છે. સ્ટેટનું બૉક્સિંગ તંત્ર એ બાપાની જાગીર હોય એ રીતે ચલાવે છે. બૉક્સિંગ શીખવા આવતા શાગીર્દોને શાકબકાલું લેવા બજાર મોકલે છે, કાંદા-બટાટા છોલાવે છે, ઘરનાં કામ કરાવે છે. ભગવાનદાસ ચાહે એ જ રાજ્ય સ્તરની સ્પર્ધામાં જઈ શકે. આવા ભગવાનદાસ સામે માથું ઊંચકીને શ્રવણ એની દુશ્મની વહોરી લે છે. એમાં વળી શ્રવણ ભારાડી ભગવાનદાસની મૂક (સાંભળી શકતી, પણ બોલી ન શકતી) ભત્રીજી સુનયના (ઝોયા હુસૈન)ના પ્રેમમાં પડે છે. એ પછી તો એની પર વિતાડવામાં ભગવાનદાસ કંઈ બાકી રાખતો નથી. દરમિયાન શ્રવણની એક મૅચ જોઈ બનારસના કોચ સંજયકુમાર એને તાલીમ આપવાનું શરૂ કરે છે. માથાભારે ભગવાનદાસ સંજયકુમાર પર પણ જીવલેણ હુમલો કરાવે છે, જેને પગલે એ કોમામાં સરી પડે છે. આમ છતાં શ્રવણ પોતાનો સંઘર્ષ જારી રાખે છે…

ફિલ્મનું લેખન સચોટ છે. પાત્રાલેખન ધારદાર છે. મૂક સુનયના એ ઉત્તર પ્રદેશની મહિલાઓનું પ્રતીક છે: સાંભળી શકે, બોલી કંઈ ન શકે. પોતાને જોવા આવેલો બબૂચક જેવો છોકરો (પુરુષ) પસંદ ન પડતાં એ ભગવાનદાસની આંખમાં આંખ મિલાવીને અણગમો વ્યક્ત કરે છે ત્યારે ભગવાનદાસ કહે છેઃ “આંખે નીચી કર…” સુનયનાની માતા એને અંદર લઈ જતાં કહે છેઃ “જબ અપની ચલતી ન હો તો નજર નીચી રખના હી અચ્છા હૈ”.

ફિલ્મની વાર્તા સત્યઘટના આધારિત છે, પણ અનુરાગ કોઈની ઓળખ છતી કરવા માગતા નથી. ‘એન્ડ ટાઈટલ્સ’માં પરદા પર સંદેશ આવે છે કે શ્રવણકુમારનું પાત્ર જેનાથી પ્રેરિત છે, એ હવે બૉક્સર બનવા માગતા પ્રતિભાશાળી ગરીબ યુવાનોને તાલીમ આપે છે. ભગવાનદાસ મિશ્રાનું પાત્ર જેનાથી પ્રેરિત છે એ માથાભારે રાજકારણી આજે પણ સ્થાનિક બૉક્સિંગ ફૅડરેશનને  પોતાના રજવાડાની જેમ ચલાવે છે. કોચ સંજયકુમારનું પાત્ર જેનાથી પ્રેરિત છે એ હજી કોમામાં છે.

ગીત-સંગીત ફિલ્મનાં આગવાં પાસાં છે. કમાલનું ઈલેક્ટ્રો મ્યુઝિક જેવું ‘જિંદગી કા પેંતરા તૂ સીખ લે’ તથા ‘મુશ્કીલ હૈ હમારા મેલ પ્રિયે’ કમાલનાં છે. મધ્યાંતર પછી ખેંચાતી વાર્તાને તથા અવધિને નજરઅંદાજ કરીને પણ જોઈ કાઢો આ પાવરપૅક્ડ ફિલ્મ.

(જુઓ ‘મુક્કાબાઝ’નું ટ્રેલર)