મૉનસૂન શૂટઆઉટ: ‘ઈમોશન કી બારિશ…’

ફિલ્મઃ મૉનસૂન શૂટઆઉટ

કલાકારોઃ નવાઝુદ્દીન સિદ્દીકી, વિજય વર્મા, નીરજ કબી, તનિષ્ઠા ચેટર્જી

ડિરેક્ટરઃ અમીત કુમાર

અવધિઃ આશરે દોઢ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચમાં તાજેતરમાં જ જોડાયેલા નવશીખિયા કૉન્સ્ટેબલને ખબર પડે છે કે શહેરના મશહૂર બિલ્ડરને એક ઝૂંપડપટ્ટીનો દાદો તથા એનો ભાડૂતી ગુંડો શિવા ધમકાવી રહ્યા છે. મુંબઈ કી બારિશમાં પોલીસનો સામનો શિવા સાથે થાય છે. શિવા ભાગવાની કોશિશ કરી રહ્યો છે, પણ પોલીસની રિવૉલ્વરે એના લમણાનું નિશાન લીધું છે. ટ્રિગર દબાવતાં ખેલ ખતમ. અહીં પોલીસે ડિસીસન લેવાનું છે કે એ શિવાને શૂટ કરે કે છોડી દે. શું એની સામે ઊભેલો આદમી એ જ કુહાડી-કિલર છે, જેને પોલીસ શોધી રહી છે? શું એને શૂટ કરવો જોઈએ? કેમ કે જો એને ગોળીથી વીંધી નાખે એનો (શિવાનો) પરિવાર વેરવિખેર થઈ જશે, છોડી દે તો પોતે ફરજમાંથી ચૂક્યો ગણાય. એ ક્ષણે પોલીસને પિતાનું વાક્ય યાદ આવે છેઃ ‘જીવનમાં હંમેશાં આપણી સામે ત્રણ રસ્તા હોય છેઃ સાચો, ખોટો અને વચ્ચેનો.’

ચાર વર્ષ પહેલાં બનીને પડી રહેલી અને 2013ના કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી સાઈકૉલૉજિકલ થ્રિલર ‘મૉનસૂન શૂટઆઉટ’ ક્રાઈમ બ્રાંચના પોલીસ આદિ વિશે છે. નોકરીના પહેલા જ દિવસે આદર્શવાદી આદિનો ભેટો સિરિયલ કિલર શિવા સાથે થાય છે. શિવા બન્યો છે નવાઝુદ્દીન સિદ્દીકી. ખતરનાક શિવા કુહાડીથી ત્રાટકે છે. આદિની ભૂમિકા ભજવી છે વિજય વર્માએ. વિજયને ફિલ્મપ્રેમીઓએ ‘પિંક’ ફિલ્મમાં અંગદ બેદીના ક્લોઝ ફ્રેન્ડની ભૂમિકામાં જોયો છે. એનો સિનિયર બન્યો છે નીરજ કબી. નીરજને આપણે આનંદ ગાંધીની ‘ધ શિપ ઑફ થિસસ’ તથા મેઘના ગુલઝારની ‘તલવાર’માં જોયો છે. ‘તલવાર’માં એ રાજેશ તલવાર બન્યો હોય છે. તનિષ્ઠા ચેટર્જી બની શિવાની વાઈફ.

ડિરેક્ટર અમિત કુમારે 2003માં ઈરફાન ખાન-નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને એક શૉર્ટ ફિલ્મ બનાવેલી ‘ધ બાયપાસ.’ જાતજાતના વળ-વળાંકથી ભરેલી, સીટમાંથી ચસકવા ન દે એવી ‘ધ બાયપાસ’ જોવામાં રસ હોય તો યૂટ્યુબ પર મળી જશે.

અહીં અમીત કુમારનો હીરો પોલીસવાળાએ પોતાની કામગીરીમાં ડગલે ને પગલે જેનો સામનો કરવો પડે છે એ બાંધછોડ, નિષ્પક્ષતા તથા નૈતિકતા વચ્ચે ઝૂલતો રહે છે. અમીત કુમારે પ્રેક્ષકને એક જ પરિસ્થિતિ વિશે ત્રણ જુદી જુદી રીતે વિચારવાની ચૉઈસ આપી છે. સિનારિયો નંબર એક મુજબ આદિ વર્તે તો એનું પરિણામ શું આવે? સિનારિયો બે પ્રમાણે વર્તે તો એનું પરિણામ શું આવે? અને નંબર ત્રણ… ત્રણે સિનારિયો એક પછી એક પ્રેક્ષક સામે આવતા જાય છે.

બસ, કથાકથનની આ સ્ટાઈલ જ ફિલ્મને રેગ્યુલર ક્રાઈમ થ્રિલરથી જુદી પાડે છે. બાકી તો ફિલ્મમાં એ જ બિલ્ડર-ઝૂંપડપટ્ટીનો દાદો-રાજકારણીની મીલીભગત, ખંડણીનું રેકેટ, ખબરી, ડાન્સ બાર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં કરપ્શન અને એન્કાઉન્ટર કરતા પોલીસની વાત છે, પણ કથાકથનનું સ્વરૂપ ‘મૉનસૂન શૂટઆઉટ’ને ડિફરન્ટ બનાવે છે. ડિરેક્ટરે મુંબઈ શહેરનો મિજાજ પણ બરાબરનો ઝીલ્યો છે. આ શહેર પોતે અહીં એક પાત્ર છે. બધા જ કલાકારોએ સરસ કામ કર્યું છે.

જો કે ફિલ્મના નાયકે લેવા પડેલા નિર્ણયનાં ત્રણ જુદાં જુદાં વર્ઝનથી શરૂ થયેલી, જકડી રાખતી ફિલ્મનો અંત મને નિરાશ કરી ગયો. પણ હા, ક્રાઈમ-ડ્રામા ટાઈપની ફિલ્મોના તમે રસિયા હોવ તો પહોંચી જાઓ નજીકના થિયેટરમાં. નિરાશ નહીં થાવ.

(જુઓ ‘મૉનસૂન શૂટઆઉટ’નું ટ્રેલર)

httpss://youtu.be/-BOSvgoREJQ