હેટ સ્ટોરી 4: પ્યારમોહબ્બત-નફરત ને પ્રેક્ષક સાથે ધોખા…

ફિલ્મઃ હેટ સ્ટોરી 4

કલાકારોઃ ઉર્વશી રાઉતેલા, કરણ વાહી, વિવાન ભથેના

ડિરેક્ટરઃ વિશાલ પંડ્યા

અવધિઃ બે કલાક, વીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ

ડિરેક્ટર વિશાલ પંડ્યા ઈન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે નારીને એક ગિફ્ટ આપે છે. પોતાની ‘હેટ સ્ટોરી’ સિરીઝની ફિલ્મોના ચોથા મણકાના બિગનિંગથી એન્ડ સુધી સ્ત્રીને એક ઑબ્જેક્ટની જેમ, જાણે કે કોઈ વસ્તુ હોય એમ રજૂ કરે છે. બધાં જ સ્ત્રીપાત્રોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે જાણે એ ચીસો પાડીને કહેતાં હોયઃ ‘મને જુવો… મારા શરીરને જુવો…’ અને પછી અંતમાં (ઈન્ટરનેટ પર થોડું સર્ફિંગ કરીને) સ્ત્રી પર થતા જુલમ, છેડછાડ (ક્રાઈમ અગેન્સ્ટ વીમેન, સે નો ટુ ઈવ ટિઝિંગ, વગેરે)ના થોડા આંકડા આપી દે છે. ફિનિશ.

મુંબઈની એક જવાન કન્યા તાશા (ઉર્વશી રાઉતેલા) એક ઘાતક સપનું સાકાર કરવા ઈંગ્લેન્ડ જાય છે, જ્યાં એનો ભેટો ખુરાના ફૅમિલી સાથે થાય છે- ભાઈઓ આર્યન (વિવાન ભથેના) અને રાજવીર (કરણ વાહી) ખુરાના તથા એમના બાપુજી મિસ્ટર ખુરાના (ગુલશન ગ્રોવર). તાશાને આસમાનમાં ચમકતા સ્ટાર બનવું છે, પણ જુઓનેઃ ‘મૈં સ્ટાર બનના ચાહતી હૂં લેકિન ‘આસમાન પર બિઠાને વાલે બિસ્તર પર લેટાના ચાહતેં હૈ…’ એટલે એ બની શકતી નથી. જો કે ઍડવર્ટાઈઝિંગ એજન્સી ધરાવતા ખુરાના બ્રધર્સ તાશાને સૌંદર્યપ્રસાધનની ઍડની મોડેલ બનાવી દે છે. રાતોરાત એ સ્ટાર બની જાય છે. ત્યાર બાદ શરૂ થાય છે પ્યારમોહબ્બત-સેક્સ-ધોખાની રમત…

ઈરોટિક થ્રિલર હોવાનો દાવો કરતી ‘હેટ સ્ટોરી 4’, જો કે, અકારણ કોમેડી ફિલ્મ બની ગઈ છે ને એને રમૂજી બનાવે છે મિલાપ ઝવેરીના સંવાદ. એક નમૂનો તમને આપ્યો. થોડાં બીજાં સૅમ્પલ જુઓઃ ‘બિસ્તર કી ચાદર બદલી જા સકતી હૈ મગર ઉસ પર લેટી માશૂકા નહીં…’ ‘બેડરૂમ મેં કિયે વાદોં કી બોર્ડરૂમ મેં કોઈ કીમત નહીં હોતી…’ પતા નહીં, તુમને મેરે હોઠોં કા ક્યા રિશવત દી હૈ- મુઝસે ઝ્યાદા વો તુમ્હારી સુનતે હૈ…’ આખી ફિલ્મમાં આવા સંવાદોની ભરમાર છે. ઈન ફૅક્ટ ફિલ્મમાં કોઈ વાતચીત કરતું જ નથી- બધા ડાયલૉગ જ બોલે છે. ફિલ્મ 90 ટકા ઈંગ્લેન્ડમાં શૂટ થઈ છે. એક ભવ્ય પાર્ટીમાં ધોળા મહેમાનોની હાજરીમાં કરણ વાહી નશામાં શુદ્ધ હિંદી-ઉર્દૂમાં આવી ડાયલૉગબાજી કરે છે. શ્યૉર, તર્ક અને બુદ્ધિથી માઈલો દૂર છે વિશાલ પંડ્યા, જે ફિલ્મના દરેક સીનમાં દેખાય છે.

મ્યુઝિક પણ નિરાશાજનક છે. હિમેશ રેશમિયાનું ‘આશિક બનાયા આપને’ અહીં રિમિક્સ કરવામાં આવ્યું છે, બાકી કોઈ ગીતમાં ભલીવાર નથી. કલાકારો બધા જ જાણે ઓવરઍક્ટિંગના હોલસેલ વેપારી જેવા છે. એક કરણ વાહી પ્રભાવશાળી રહ્યો છે. ફિલ્મના બકવાસ સંવાદોમાંનો એક છેઃ ‘કહાની ઝિંદગી કી તરહ હોતી હૈઃ દોનો શૂરૂ હોતી હૈ ખતમ હોને કે લિયે, ઔર દોનો કા અંત શૂરૂ સે તય હોતા હૈ’.

‘હેટ સ્ટોરી-4’નો અંત તો નહીં, પણ એ કેવી હશે એ કેટલી ખરાબ હશે શરૂઆતમાં જ ખબર પડી જાય છે.

(જુઓ ‘હેટ સ્ટોરી 4’નું ટ્રેલર)

httpss://youtu.be/UxvousE163E