હસીના પારકરઃ સરસ તક… જે વેડફાઈ ગઈ

ફિલ્મઃ હસીના પારકર

ડિરેક્ટરઃ અપૂર્વ લાખિયા

કલાકારોઃ શ્રદ્ધા કપૂર, સિદ્ધાંત કપૂર, અંકુર ભાટિયા

અવધિઃ આશરે બે કલાક

(બકવાસ *, ઠીક મારા ભઈ * *, ટાઈમપાસ * * *, મસ્ત * * * *, પૈસા વસૂલ * * * * *)

ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★

દુબઈમાં બેસીને મુંબઈને કન્ટ્રોલ કરતા દાઉદ ઈબ્રાહિમની મુંબઈમાં રહેતી બહેન હસીના વિશે એવું માનવામાં આવતું કે એ ભાઈ વતી મુંબઈનું એનું કામકાજ સંભાળે છે અને એ રીતે એ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ઈન્વૉલ્વ છે. જો કે હસીના આ બધાંથી દૂર રહીને આદર્શ ગૃહિણી, વત્સલ માતા બનાવાના પ્રયાસ કરે છે, પણ સંજોગ એવા સર્જાય છે કે એનો પરિવાર ખેદાનમેદાન થઈ જાય છે અને એણે અંધારી આલમ તરફ વળવું પડે છે. હસીના હવે નાગપાડાની ગૉડમધર છે, આપા (મોટી બહેન) છે. શું એ ખરેખર ભાઈની ગેરહાજરીમાં મુંબઈમાં ‘બિઝનેસ’ સંભાળતી હતી? આ અને આવા અનેક પ્રશ્ર્ન (2014માં) હસીના પારકરનું હાર્ટ ઍટેકથી અવસાન થયું પછી નિરુત્તર રહ્યા.

ડિરેક્ટર અપૂર્વ લાખિયાને 1990ના દાયકામાં પ્રકાશમાં આવેલી હસીના પારકરની લાઈફમાં એક સશક્ત વાર્તા દેખાઈ ને એમણે એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. દાઉદના ભાઈ સબિર કાસકરની હત્યા, જે.જે. હૉસ્પિટલમાં થયેલું શૂટઆઉટ, બાબરી મસ્જિદ તૂટી એ પછી મુંબઈમાં ફાટી નીકળેલાં રમખાણ અને મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાને સર્જકે તથા એમના કથા-પટકથાલેખકે (સુરેશ નાયરે) આવરી લીધા છે.

કમનસીબે નબળી પટકથા અને ગોથાં ખવડાવી દે એવું કથાકથન (નેરેશન) ફિલ્મને એક તબક્કે કંટાળાજનક બનાવી દે છે. એક્સટોર્શન (ખંડણી) માટે પકડાયેલી આપા પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એણે વાર્તાનો પાયો રચી આપ્યો છે. પણ આ કોર્ટરૂમ ડ્રામા એક તબક્કે નિરર્થક બની જાય છે. એ હદે કે જજ કપાળ કૂટતાં કહે છેઃ

‘નૉવેલ નહીં લિક્ખ રહે હૈં હમ ઈન પર!’

શ્રદ્ધા કપૂરે ગાલનાં ગલોફાંમાં રૂના ડૂચા ખોસીને આપા બનવાનો પ્રયાસ કર્યો છે, પણ એ બિલકુલ ફિટ થતી નથી, જ્યારે એનો ભાઈ સિદ્ધાંત કપૂર ખતરનાક ડૉન જેવો જરાયે લાગતો નથી. જો કે હસીનાના ખાવિંદ ઈબ્રાહિમ પારકરની ભૂમિકામાં અંકુર ભાટિયા સરસ.

ટૂંકમાં, હસીના પારકર બનાવીને અપૂર્વે એક સરસ વાર્તા વેડફી નાખી. કોર્ટમાં હસીનાની કેફિયત સાંભળીને જજને પ્રભાવિત થતાં જોઈને લાગ્યા વગર રહે નહીં કે એ શા માટે ગુનાખોરી તરફ એનું દિગ્દર્શક જસ્ટિફિકેશન આપવા માગે છે.