ગોલ્ડઃ ચોવીસ કૅરેટનો સ્પૉર્ટસ ડ્રામા…

ફિલ્મઃ ગોલ્ડ

કલાકારોઃ અક્ષયકુમાર, કુણાલ કપૂર, અમીત સઢ, મૌનિ રૉય, વીનિત કુમારસિંહ

ડાયરેક્ટરઃ રીમા કાગતી

અવધિઃ આશરે અઢી કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★1/2

ફિલ્મ ઓપન થાય છે 1936ના બર્લિનમાં. ઑલિમ્પિક્સની હોકી ફાઈનલ રમાઈ રહી છે. ભારતનો મુકાબલો યજમાન જર્મની સામે છે. અચાનક સ્ટેડિયમમાં પિન-ડ્રૉપ સાઈલન્સ પથરાઈ જાય છે. એડોલ્ફ હિટલરે એન્ટ્રી મારી છે. તમામ પ્રેક્ષક તથા મેદાન પર હાજર જર્મનીની ટીમ જમણો હાથ હવામાં અધ્ધર કરી હિટલરને (નાઝી સ્ટાઈલમાં) વંદન કરે છે. બટ નો, ઈન્ડિયન ટીમ એવું કંઈ કરતી નથી, એ તો બન્ને હાથ ટટાર રાખી, મોં પર કશાયે ભાવ લાવ્યા વિના ઊભા રહે છે. કારણ એ કે થોડા દિવસ પહેલાં જ હિટલરે ભારતવિરોધ કશુંક અગડંબગડં બયાન કર્યું હોય છે.

આ ઓપનિંગ સીનમાં જ ખ્યાલ આવી જાય છે કે સર્જક રીમા કાગતી આગળ જતાં દેગડા ભરી ભરીને આપણી સમક્ષ દેશદાઝ ઠાલવવાનાં છે. ભલે એમ તો એમઃ ‘ગોલ્ડ’ જોવાલાયક બની છે સ-રસ લેખન-દિગ્દર્શન તથા પાવરફુલ પરફોરમન્સને લીધે. રેગ્યુલર સિનેમા જોતા પ્રેક્ષકને ઘણે ઠેકાણે શીમિત અમીનની ‘ચક દે’ યાદ આવી જશે, ને અક્ષયકુમારની સરખામણી શાહરુખ ખાન સાથે કરશે, પણ એનો કોઈ ઉપાય નથી.

ખેર. 1936ની એ ઑલિમ્પિક્સ ફાઈનલ ભારત જીતીને ગોલ્ડ મેડલ ઘરભેગો તો કરી લે છે, પણ એ આનંદ અધૂરો છે. બિકૉઝ, જીત ઈન્ડિયાની નહીં, બ્રિટિશ ઈન્ડિયાની થઈ ગણાય. મેદાન પર સ્વર્ણપદક એનાયત થતી વખતે પણ બ્રિટિશ રાષ્ટ્રધ્વજ લહેરાય છે ને રાષ્ટ્રગાન પણ બ્રિટનનું વાગે છે. મુદ્દો એ કે આપણને આઝાદી મળી એ પહેલાં હૉકીમાં આપણે ત્રણ-ત્રણ વખત ગોલ્ડ મેડલ લાવ્યા, પણ બ્રિટિશ ઈન્ડિયા માટે. ‘ગોલ્ડ’ ફિલ્મ છે આઝાદ ભારતની હોકી ટીમે ઘરભેગા કરેલા પહેલવહેલા સ્વર્ણપદક વિશેની.

ઓક્કે. 1936ની એ જીત બાદ બીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળતાં બે વાર ઑલિમ્પિક્સ મુલતવી રહે છે. બધું થાળે પડતાં 1946માં સમાચાર આવે છે કે 1948માં લંડનમાં ઑલિમ્પિક્સનું યોજાશે. ભારત એક રાષ્ટ્ર તરીકે દૂર દૂર ક્ષિતિજે આઝાદી નિહાળી રહ્યો છે, અને… 1936માં વિનિંગ ઈન્ડિયન હોકી ટીમના જુનિયર મૅનેજર રહી ચૂકેલા કોલકાતાના તોપોન દાસ (અક્ષય કુમાર) મનમાં ગાંઠ વાળે છે કે “દોસો શાલ હમારા પર રાજ કરને વાલા શાલા… લોંડોન કા ટીમ કો લોંડોન મેં હી હરાયેગા” : ઈંગ્લેંડને એની જ ધરતી પર ધૂળ ચાટતું કરવું. તૈયારી માટે બે જ વર્ષ છે. તપન દાસ સામે બે મુખ્ય પડકાર છેઃ દેશભરમાં ફરીને ચુનંદા હોકી-ખેલાડી ભેગા કરી ટીમ બનાવવી તથા ટીમને ઑલિમ્પિક્સ માટે સજ્જ કરવી.

ટીમ બને છે ને 1948ના ઑલિમ્પિક્સમાં પહોંચે પણ છે. જો તમે ગૂગલ પર સર્ચ કરશો તો 12 ઑગસ્ટ, 1948ના દિવસે ઐતિહાસિક ફાઈનલ કોણ જીત્યું ને એમાં કયા ખેલાડીનું પ્રદાન હતું, વગેરે માહિતી મળી જશે. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે આ એક ઐતિહાસિક જીતની આસપાસ રીમા કાગતી (યાદ હોય તો આમીર ખાનવાળી ‘તલાશ’ એમણે સર્જેલી)એ એક સુવાંગ કથા-પટકથા લખી એને યોગ્ય ન્યાય આપ્યો. જો કે ‘ખેલકૂદમાં આઝાદ ભારતની પહેલી મોટી જીત’ એટલો પાઠ સામે રાખી રીમાબહેને એ વિશેની કાલ્પનિક વાર્તા-પાત્રો સરજ્યાં છે એની સામે (મારા જેવા) ઘણાને પ્રોબ્લેમ થઈ શકે, પણ ‘ગોલ્ડ’ને સતત આવતા રહેતા ટ્વિસ્ટ-ટર્નવાળી, ઈમોશનલ, મનોરંજક હિંદી ફિલ્મ તરીકે જોવી, અક્ષયકુમાર સહિત તમામ કલાકારના અભિનય જોવા, રીમાબહેને ઝીણી ઝીણી ડિટેલ પર ધ્યાન આપી એ કાળનું ભારત સરજ્યું છે એ જોવું. પછી એ કોલકાતાનાં મકાન હોય કે સિગારેટના પતરાના ગોળ ડબ્બા, મુંબઈનું એલ્ફિન્સ્ટન સ્ટેડિયમ હોય કે રિચાર્ડ ટૉકીઝ. મૂળ સ્પેનિશ સિનેમેટોગ્રાફર અલ્વારો ગુતિયેરેઝે હોકીની મૅચનાં દશ્ય પ્રેક્ષકને સીટ સાથે જકડી રાખે એવાં ચિત્રિત કર્યાં છે.

ટૂંકમાં બેએક નબળા સીન્સ, બિનજરૂરી સોંગ તથા ‘ચક દે’ના હેન્ગઓવર (એ માટે જ ચારમાંથી અડધો સ્ટાર કાપી લીધો છે)ને નજરઅંદાજ કરી ગોલ્ડ અવશ્ય જોઈ શકાય.

 

 

(જુઓ ‘ગોલ્ડ’નું ટ્રેલર)

httpss://youtu.be/Pcv0aoOlsLM