ફન્ને ખાન: અધકચરી… બેસૂરી!

ફિલ્મઃ ફન્ને ખાન

કલાકારોઃ અનિલ કપૂર, ઐશ્વર્યા રાય-બચ્ચન, રાજકુમાર રાવ, પિહુ

ડાયરેક્ટરઃ અતુલ માંજરેકર

અવધિઃ બે કલાક દસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

માનીતા-જાણીતા સંગીતકાર-ગાયકને ફૅન્સ આજકાલ એની વસ્ત્રસજ્જા, ફૅશન એક્સેસરીઝ ને અટિટ્યૂડથી ઓળખે છે એવા ઘોર કળિયુગમાં એક પૉપ્યુલર સિંગરનો બિઝનેસ મૅનેજર કહે છેઃ “મ્યુઝિક આજકાલ સાંભળવાની નહીં, બલકે, જોવાની ચીજ બની ગઈ છે”…

આ અને આવા એકાદબે સંવાદ-સીનને બાદ કરતાં ‘ફન્ને ખાન’ પહાડ જેવડી નિરાશા જ છે. જો તમને હજીયે ખબર ન હોય તો જાણી લો કે ‘ફન્ને ખાન’ સાલ 2000માં આવેલી બેલ્જિયન ફિલ્મ ‘એવરીબડી ઈઝ ફૅમસ’ની સત્તાવાર રિમેક છે. પ્રસિદ્ધિ મેળવવા કોઈ કઈ હદ સુધી જઈ શકે એ સવાલની આસપાસ ફરતી ‘એવરીબડી ઈઝ ફેમસ’ ખડખડ હસાવતી કૉમેડી હતી ને એકેડમી એવૉર્ડ્સમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની કેટેગરીમાં નૉમિનેટ પણ થયેલી. ઈન્ટરવલ પહેલાં ફિલ્મ ધીમી, પણ મક્કમ ગતિએ આગળ વધે છે, જેમાં પત્ની, મિત્રો દ્વારા ફન્ને ખાનનું કેરેક્ટર સમજવા મળે છે. નકલી પૉપસ્ટાર, એને ફેમસ બનાવવા કરવામાં આવતાં જાતજાતનાં તરકટ સામે અસલ હીર કેવી રીતે ચળકે? કેવી રીતે ટકે? સપનાં પૂરાં કરવાની કોશિશ તો કરવી જ જેવા મેસેજ પણ છે કિંતુ, ઈન્ટરવલ બાદ…

વાર્તા સિંગર બનવા સંઘર્ષ કરી રહેલી ઈન્સિયા (ઝાયરા વસીમ)વાળી ‘સિક્રેટ સુપરસ્ટાર’થી ઊંધી છે. ‘સિક્રેટ સુપરસ્ટાર’માં ઈન્સિયાના અબ્બુ ચાહતા નહોતા કે દીકરી ફિલ્મ-મ્યુઝિક જેવી આડી લાઈનમાં જાય, જ્યારે અહીં પાર્ટટાઈમ ઓર્કેસ્ટ્રા સિંગર ફન્ને ખાન (અનિલ કપૂર) લાડલી દીકરી લતા (પિહુ સાંડ)ને સિંગર બનાવવા કંઈ પણ કરવા તૈયાર છે. લતાનો પ્રોબ્લેમ એ છે કે એ સ્થૂળ છે, જે આજના જમાનામાં સિંગર માટે, ખાસ કરીને ફિમેલ સિંગર માટે, સ્વીકાર્ય નથી. એ જ્યાં ઑડિશન આપવા જાય છે ત્યાં મજાકનો વિષય બની જાય છે. રાજકુમાર રાવ બન્યો છે, આદિર, ફન્ને ખાનનો દોસ્ત, જ્યારે ઐશ્વર્યા રાય છે આજની હૉટ પૉપસિંગર બેબીસિંહ. દીકરીને સિંગર બનાવવામાં જ્યારે બધી બાજુથી નિરાશા સાંપડે છે ત્યારે ફન્ને ખાન દોસ્ત આદિર સાથે મળીને એક પ્લાન બનાવે છે…

ડિરેક્ટર અતુલ માંજરેકરની આ પહેલી ફિલ્મ છે ને એની (ફિલ્મની) મુશ્કેલી છેઃ રાઈટિંગ. ઈન્ટરવલ પછી તો સ્ક્રિપ્ટ હકીકત, તર્ક, વગેરેથી જોજનો દૂર જતી રહે છે. પ્રેક્ષક એ સમજવામાં નિષ્ફળ જાય છે કે શા માટે લતા દરેક સીનમાં પોતાના પિતાને અપમાનિત કરે છે? એક બાજુ પુત્રીને સિંગર બનાવવા પિતા કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે, ત્યાં પુત્રીનું આવું વર્તન પ્રેક્ષકને કન્ફ્યુઝ કરે છે. ક્લાઈમૅક્સ પણ ઈમોશનલી ફૂલિશ જ નહીં હાસ્યાસ્પદ, મારીમચડીને ઊભો કરવામાં આવ્યો હોય એવો છે. અનિલ કપૂર, દિવ્યા દત્ત, ગિરીશ કુલકર્ણી (બેબીસિંહના મૅનેજરના રોલમાં) જેવાં દાદૂ ઍક્ટર પણ ફિલ્મને બચાવી શક્યાં નથી. રાજકુમાર રાવ-ઐશ્વર્યા રાય ઑલમોસ્ટ એક્સ્ટ્રા બનીને રહી ગયા છે. ગીતસંગીત વિશેની ફિલ્મ છે, પણ એકમાત્ર ‘તેરે જૈસા તૂ’ (મોનાલી ઠાકૂર) સિવાય અમિત ત્રિવેદી સુધ્ધાં નિરાશ કરે છે. ઈન્ટરવલ પહેલાં ફન્ને ખાનને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવેલા ગીત ‘મેરે અચ્છે દિન કબ આયેંગે’ને ઈન્ટરવલ બાદ અચ્છે દિન અબ આયેમાં તબદીલ કરવામાં આવ્યું છે, પણ થિયેટરની બહાર નીકળી રહેલો પ્રેક્ષક ફન્ને ખાન જેટલો નસીબદાર નથી.

(જુઓ ‘ફન્ને ખાન’નું ટ્રેલર)

httpss://youtu.be/uxLR6529mdw