ભારતઃ આપણો ને ભાઈનો…

ફિલ્મઃ ભારત

કલાકારોઃ સલમાન ખાન, કટરીના કૈફ, સુનીલ ગ્રોવર

ડાયરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર

અવધિઃ 167 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

ફિલ્મના આરંભમાં કાબરચીતરા બાલ-દાઢીવાળા ભારતભાઈ (સલમાનભાઈ) સૂત્રધારની અદામાં કહે છેઃ “આપ સોચતે હોગે કિ એક મિડલ ક્લાસ બુઢ્ઢે કી કહાની કાફી બોરિંગ રહી હોગી”… પછી એક ઊંડો શ્વાસ લઈને પોતે જ જવાબ આપે છેઃ “ના, આ બુઢ્ઢાની કહાણી રંગીન છે, હોં”.

ઓક્કે. કોઈ એક સમી સાંજે સલ્લુભાઈ કોરિયન ફિલ્મ ‘ઓડે ટુ માય ફાધર’ જોઈને એટલા ગળગળા થઈ ગયા કે એમણે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને આદેશ દીધોઃ “ચલો, ઈસકે ઉપર સે ફિલ્મ બનાતે હૈ ઔર અગલી ઈદ કો રિલીઝ કરતે હૈ”. હવે, ભાઈને ના તો કેમ પડાય? એટલે ઝફરમિયાંએ ફિલ્મ જોઈ હિંદુસ્તાનના ભાગલાની પૃષ્ઠભૂમાં વાર્તા લખી. મૂળ ફિલ્મના બકાયદા હક્ક મેળવવામાં આવ્યા ને… લો, ફિલ્મ ઈદ-રિલીઝ માટે રેડી. ઓરિજિનિલ ફિલ્મમાં કોરિયાના વિભાજનના વિગ્રહ-વેદના છે તો અહીં હિંદુસ્તાન-પાકિસ્તાનમાં બિછડતા એક પરિવારની કથા છે. ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે ભારત એ સાવ ‘રેસ-3’ નથી જ નથી. ફિલ્મમાં અનેક હળવી, લાગણીનીતરતી પળ છે, કમનસીબે આવી પળ આંગળીના વેઢે ગણાય એટલી જ છે.

ફિલ્મ ઓપન થાય છે ભારત (સલમાન ખાન)ના સિત્તેરમા બર્થડેથી. એ દિવસે ભારતદાદા પોતરા-પોતરીને પોતાની લાઈફસ્ટોરી સંભળાવે છે ને ફિલ્મ આપણને લઈ જાય છે દેશના ભાગલા થયા એ કાળમાં. લાહોરની નજીકના મીરપુરના રેલવે સ્ટેશનમાસ્તર ગૌતમ કુમાર પત્ની જાનકી (જૅકી શ્રોફ-સોનાલી કુલકર્ણી) તથા બાળકો સાથે લોહિયાળ વિગ્રહ, નાસભાગ વચ્ચે હકડેઠઠ ભરાયેલી દિલ્હી જતી ટ્રેન પર ચડવાની કોશિશ કરી રહ્યા છે. આઠ વર્ષી પુત્ર ભારત (બાળકલાકાર કબિર સાજિદ, જેને તમે ‘સિક્રેટ સુપરસ્ટાર’માં જોયો છે)ને લગભગ એ જ ઉંમરની પુત્રી ગૂડિયાની જવાબદારી સોંપે છે. ભારત અને ગૂડિયા ટ્રેન પર ચડવાની કોશિશ કરે છે, પણ બિછડી જાય છે. ગૂડિયાને પાછા લાવવા જતાં પિતા બાલક ભારત પાસેથી વચન લે છે કે કોઈ પણ ભોગે એ એની મા તથા અન્ય ભાઈભાંડુની કાળજી લેશે, હંમેશાં એમની સાથે રહેશે… ભારત એની માતા, નાનાં બહેન-ભાઈ સાથે દિલ્હી આવે છે ને અહીંથી શરૂ થાય છે પરિવારને એકતાંતણે બાંધી રાખવાનો સંઘર્ષ. એ રશિયન સર્કસના મોતના કુંવામાં મોટરસાઈકલના સ્ટંટ કરે છે, ખાડી દેશની પેટ્રોલ રિફાયનરીમાં મઝદૂરી કરે છે, જ્યાં એની બૉસ કુમુદ (કટરીના કૈફ) સાથે એને ઈશ્ક થાય છે, મર્ચન્ટ નેવી બનીને માલ્ટા, સોમાલિયા જાય છે- બસ, ગમે તે ભોગે પિતાને આપેલું વચન તૂટવું ન જોઈએ.

એ રીતે જોતાં કેવળ આશાને તાંતણે ટકી રહેલા એક ઓર્ડિનરી ભારતીયના દઢ મનોબળની, એના કમિટમેન્ટની, આઠ વર્ષથી સિત્તેર વર્ષના એના પ્રવાસની કથા છે, સાથે સાથે સ્વાતંત્ર્ય બાદ, ભાગલાની કારમી થપાટ બાદ, દેશનું કેવી રીતે ઘડતર થયું એની પણ કહાણી છેઃ ફર્સ્ટ ક્રિકેટ વર્લ્ડ કપની જીત, સચીન તેંડુલકર જેવા ખેલાડીની ખોજ, મનમોહનસિંહની લિબરલાઈઝેશનની આર્થિક નીતિથી દેશના અર્થતંત્રની મજબૂત સ્થિતિ, જેના પગલે ખાનગી ટીવીચેનલો શરૂ થઈ અને, રૂપેરી પરદા પર શાહરુખની એન્ટ્રી- આ છે સ્વાતંત્ર્ય બાદ રાષ્ટ્ર તરીકે આપણે મેળવેલી સિદ્ધિ… કમસે કમ એવું ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને લાગે છે.

કમનસીબે કથામાં જેટલું કૌવત હતું એનું પટકથામાં જોઈએ એવું રૂપાંતર થઈ શક્યું નહીં, જેને કારણે ફિલ્મ વચ્ચે વચ્ચે લથડિયાં ખાતી રહે છે. અને સલમાન ખાનનો અભિનય પણ અમુક ઈમોશનલ સીન્સને બાદ કરતાં નિરાશાજનક છે. એ કોઈ પણ વયના ભારત રજૂ કરતો હોય- એની સંવાદ બોલવાની છટા, હાવભાવ, વેશભૂષા, બધું એકસરખું. સાઠી વટાવી ગયેલો સલમાન પણ એવો જ જેવો યુવાનીમાં હોય. કટરીના પણ એટલી જ આર્ટિફિશિયલ લાગે છે. ભારતના બાળપણના ભેરુથી લઈને છેક વૃદ્ધાવસ્થામાં એના પડછાયાની જેમ સાથે રહેતા વિલાયતીની ભૂમિકામાં સુનીલ ગ્રોવર સ-રસ. સોનાલી કુલકર્ણીના ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું નથી. રશિયન સર્કસમાં કામ કરતી રાધા તરીકે દિશા પટની સાવ જ વેડફાઈ ગઈ છે.

ઊભા રહો- ભારત આપણને એક સંદેશ પણ આપે છે. સંદેશ એ કે બે દેશ વચ્ચેના સંઘર્ષનો ઉકેલ લાવવા ભાઈચારો જ કાફી નથી. બલકે બન્ને પક્ષે બોલિવૂડ માટે પ્યાર હોવો પણ જરૂરી છે. વિરાટ શિપ પર ચિત્રિત થયેલી આ આખી સિકવન્સીસ ફિલ્મની સૌથી કમજોર કડી છે. જો તમે સલ્લુ મિયાંના ફૅન છો તો તમને કદાચ આ ફિલ્મ નિરાશ કરશે. સલમાનફૅનને એ નિરાશામાંથી ઉગારવા અસ્સલ સલમાન-છાપ એક ફાઈટ સિક્વન્સ રાખવામાં આવી છે, જે મારીમચડીને રાખવામાં આવી હશે એ ખ્યાલ આવી જાય છે. જો વીકએન્ડમાં કરવા જેવું કંઈ ન હોય અને આશરે અઢી કલાક દરમિયાન વચ્ચે વચ્ચે બગાસાં ખાવાની તૈયારી હોય તો ‘ભારત’ જોવા જઈ શકો છો.

(જુઓ ‘ભારત’નું ટ્રેલર)

httpss://youtu.be/Ea_GKoe81GY