102 નૉટ આઉટ: 102 મિનિટનો જીવનોત્સવ

0
3771

ફિલ્મઃ 102 નૉટ આઉટ

કલાકારોઃ અમિતાભ બચ્ચન, રિશી કપૂર, જીમિત ત્રિવેદી

ડિરેક્ટરઃ ઉમેશ શુક્લ

અવધિઃ એકસો ને બે મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★ 1/2

બંગાળી નાટ્યઋષિ શંભુ મિત્રા કહેતા કે “પડદો પડતાંની સાથે પ્રેક્ષકના અંતરમાં દીવડો પ્રગટાવે એનું નામ નાટક”. સૌમ્ય જોશી લિખિત-દિગ્દર્શિત ‘102 નૉટઆઉટ’ એવું એક નાટક હતું (રાધર છે- હજી એના શો થાય છે). પડદો પડે, પ્રેક્ષક એની ખુરશી પરથી ઊભો થાય એ સાથે એના અંતરમાં કોડિયું પ્રગટે છેઃ ડોન્ટ ડાય, ટિલ યૂ અલાઈવઃ જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી મરવાનું નથી. ઈશ્વરે આપેલી એક અણમોલ ગિફ્ટ જીવનને ભરપૂર માણી લો.

-અને હવે, આજે 4 મેના મંગળ દિવસે એ જ નાટક પરથી એ જ શીર્ષકવાળી ફિલ્મ ડિરેક્ટર ઉમેશ શુક્લએ સર્જેલી ફિલ્મ રિલીઝ થઈ છે. અફ કોર્સ, નાટક અને ફિલ્મ એ બે જુદાં માધ્યમ હોઈને લેખક-દિગ્દર્શકે એમાં યથોચિત ફેરફાર કર્યા છે, પણ હાર્દ એ જ છે.

લેખકનો વિજય છે પાત્રાલેખન તથા જિવાતા જીવનનાં ઝીણાં ઝીણાં નિરીક્ષણમાં, અને એ જ ‘102 નૉટઆઉટ’ને ચીલાચાલુ હિંદી ફિલ્મ કરતાં વેંત ઊંચી બનાવે છે. આમ જુઓ તો આ વખારિયા-પરિવારનું (ગુજરાતીઓ વાતવાતમાં કહે છે એમ) ફૅમિલી મેટર છે, જે નાનામોટા ડ્રામા ને રમૂજની છાંટ સાથે એ પ્રેક્ષક સામે ધીમી, પણ મક્કમ ગતિથી રજૂ થયું છે. કથાકથનમાં “ઝિંદગી મેરે ઘર આના” તથા “વક્ત ને કિયા ક્યા હસીં સિતમ” જેવાં હિંદી સિનેમાનાં ગીતરત્નો બખૂબી વણી લેવામાં આવ્યાં છે. બાપ-દીકરા વચ્ચેની કડી છે ઘરની નજીક આવેલી કેમિસ્ટ શૉપમાં કામ કરતો ધીરુ (જીમિત ત્રિવેદી). ફિલ્મ બહુધા આ ત્રણ પાત્રની આસપાસ ફરે છે.

ઓક્કે, ફિલ્મનો ઉપાડ અને એ પછીનો અમુક ભાગ બાબુલાલ વખારિયા (રિશી કપૂર)ના રોજિંદા જીવન જેવો, ધૈર્યની કસોટી કરતો લાગશે, પણ કેરેક્ટર એસ્ટાબ્લિશ કરવા, વાત રજૂ કરવા માટે એ જરૂરી છે, જ્યારે ઈન્ટરવલ પછી ફિલ્મ દત્તાત્રેય વખારિયાની લાઈફની જેમ ધસમસવા માંડે છે.

જી હા, બાબુલાલથી સાવ વિપરીત છે એમના પિતા, 102 વર્ષી દત્તાત્રેય વખારિયા (અમિતાભ બચ્ચન). એ પોતાના પંચોતેર વર્ષના પુત્ર બાબુલાલના બ્લૅક ઍન્ડ વ્હાઈટ જીવનને કલરફુલ બનાવવા માગે છે. એ પુત્રને કહેવા માગે છે કે યાર, રગશિયા ગાડાની જેમ ખેંચ્યે જવું એ જીવન નથી. જીવન તો આનંદદાયી, ધસમસતો પ્રવાસ છે. બસ, આ જ ફિલ્મનું હાર્દ છે, જે પ્રેક્ષકના હૃદયને સીધું સ્પર્શી જાય છે, એની જડ થઈ પડેલી વિચારપ્રક્રિયા બદલવા પ્રેરે છે, જરાય ઉપદેશાત્મક બન્યા વગર, કોઈ હળવેકથી કાનમાં કહેતું હોય એમ.

ફિલ્મમાં હિંદી સિનેમાના બે દિગ્ગજ બે કલાકારઃ અમિતાભ બચ્ચન-રિશી કપૂર. બન્નેને મજબૂત ટેકો મળ્યો છે ગુજરાતી રંગભૂમિ-ફિલ્મના કલાકાર જીમિત ત્રિવેદીનો. જીમિત અહીં બન્યો છે ધીરુ, જે પિતા-પુત્રના પ્યાર-ધિક્કારના સંબંધનો સાક્ષી પણ છે અને એમની વચ્ચેની કડી પણ. ઈન ફૅક્ટ જીમિત પોતાના પ્રભાવશાળી અભિનયથી બે મોટા ગજાના અભિનયના પારાને સમતોલ રાખે છે. આથી જ, વધારાનો અડધો સ્ટાર અમિતાભ-રિશી તેમ જ જીમિતના સહજ અભિનય માટે જ આપ્યો છે.

(જુઓ ‘102 નૉટ આઉટ’નું ટ્રેલર)