બોહેમિયન ફેશન પ્રોપ્ઝથી આકર્ષક બને કોલેજીયન…

હાલમાં ગુજરાતમાં જે રીતનું વાતાવરણ છે તેમાં ક્યાંક વરસાદ અને કયાંક હજી પણ સૂર્યદેવ આકરો મિજાજ બતાવી રહ્યાં છે ત્યારે મોટા ભાગની ફેશન પરસ્ત સ્ત્રીઓ કોટન વસ્ત્રો જ પહેરવાનું પસંદ કરે છે.  જેમ જેમ ઋતુનો મિજાજ બદલાય તેમ તેમ  ફેશન પણ બદલાતી હોય છે જોકે  આપણે ત્યાં ગરમી અને બફારાનો માહોલ હોવાથી કોઈ પણ ફેશનેબલ વસ્ત્રો હોય તેમાં  કોટન એટલે  કે સૂતરાઉ વસ્ત્રોને પ્રાધાન્ય અપાય છે એટલે જ  કદાચ આપણે ત્યાં સ્ત્રી પુરુષોની ફેશનમાં કોટન જિન્સનો મોટો ઓપ્શન મળી રહે છે.

આ સિઝન એવી છે જેમાં તમે વસ્ત્રોને બદલે વિવિધ  એકસેસરીઝ પર ધ્યાન આપીને તમારા સ્ટાઇલ સ્ટેટસને અપડેટ કરી શકો છો. આજકાલ એવી  ઘણી એકસેસરીઝ તેમજ  પ્રોપઝ ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા સિમ્પલ વસ્ત્રોને પણ સ્ટાઇલિશ લુક આપીને  પરફેક્ટ લુક મેળવી શકો છો. ખાસ તો કોલેજિયન યુવક યુવતીઓ ફેશનેબલ વસ્ત્રોના દીવાના હોય છે હાલમાં કોલેજો ખૂલી ગઈ છે એટલે સ્વાભાવિક છે કે કોલેજમાં તમને  નવા લુકમાં જવાનું પસંદ હોય  ત્યારે તમે  કોટન ગાઉન, જિન્સ ટોપ અને  જમ્પસૂટ સાથે વિવિધ એકસેસરીઝ અને પ્રોપ્સ ટ્રાય કરી શકો છે. વળી  તે પણ નજીવા બજેટમાં.

આવી એકેસેસરીઝની વાત કરીએ તો સૌથી સરળ રીતે મળી રહે છે ઇયરિંગ્સ. વિવિધ પ્રકારના ઇયરિંગ્સની હાલમાં ભરમાર છે તેમાં તમને સ્માઇલીથી માંડીને ફ્રૂટ અને આઇસ્ક્રીમ સુધીની ડિઝાઇનના ઇયરિંગ્સ મળી રહે છે.  તમે ઝૂમખાથી માંડીને  ટોપ્સ અને મિડલ લેન્થની બુટ્ટીઓ ખરીદી શકો છો.

ત્યારબાદ અત્યારે યુવતીઓની સૌથી મનગમતી એકસેસરીઝ છે સ્કાર્ફ . અને સ્ટોલ. જેને યુવતીઓ તડ઼કાથી બચવા બુકાનીની જેમ બાંધે છે અને સ્કાર્ફનો ઉપયોગ સ્ટાઇલિંગ એકસેસરીઝ તરીકે વાપરે છે. તમે નજીવા બજેટમાં વિવિધ સ્કાર્ફ જેમાં અલગ અલગ પ્રિન્ટ હોય તેનો ઉપયોગ કરી શકો છો.  હાલમાં બોહેમિયન સ્કાર્ફ ઘણા પ્રચલિત થયા છે. જેમાં ઝીણી ડિઝાઇન હોય છે યુવકો ચેક્સવાળા સ્કાર્ફનો વધારે ઉપયોગ કરે છે.

આ પ્રકારના સ્કાર્ફ ડ્રેસ અને ટોપથી માંડીને કુર્તી –કોઈ પણ પોશાક ઉપર ઉઠાવ આપે છે.  વળી તે લાંબાથી માંડીને મિડિયમ લેન્થ સુધી સરળતાથી મળી રહે છે. તેમાં રંગોનું વૈવિધ્ય પણ અપાર હોવાથી કોઈ પણ રંગો સાથે આ સ્કાર્ફ શોભી ઉઠે છે.

ફન્કી અને ટ્રાયબલ જ્વેલરી

કોલેજ ગોઇંગ યુવતીઓ ફન્કી જ્વેલરી વધારે પહેરે છે. તેઓ અફઘાની, કે બોહેમિયન જેવી વિવિધ ટ્રાયબલ જ્વેલરી પહેરી શકે છે તે તમને 30થી માંડીને 50 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધી મળી શકે છે. વળી તેમાં હાથના બ્રેસલેટથી માંડીને  પગના એન્કલેટ, હાથની રિંગ, માથામાં નાખવાની હેર એકસેસરીઝ જેવા ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. જેનો તમે જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો.

કોલેજ શરૂ થશે તે દિવસોમાં વરસાદી માહોલ હશે એટલે આ દિવસોમાં  તમે વરસાદી સિઝનને અનુરૂપ ડ્રેસિંગ કરો અને કોલેજની ફ્રેશર્સ પાર્ટીમાં પણ આ રીતની વિવિધ એકસેસરીઝનો ઉપયોગ કરશો  તો એ તમારા સિમ્પલ વસ્ત્રોને પણ  એકદમ ફ્રેશ લુક આપે છે. જરૂરી એ છેકે તમે વિવિધ એકસેરીઝનો ઉપયોગ કેવા વસ્ત્રો સાથે અને કેવી રીતે કરો છો.