કેમિકલ છોડો- અજમાવો વાળને કલર કરવાની નેચરલ ટિપ્સ

લગઅલગ લૂક ટ્રાય કરવા, કંઇક નવીન કરવું, એ તો માણસની ખાસિયત છે. અને લૂક ચેંજ કરવા માટે સૌથી વધુ ઇફેક્ટીવ ઓપ્શન પૈકીનું એક છે  હેરસ્ટાઇલ ચેંજ કરવી. એટલે તમે હેર કટ કરાવીને હેર ડાય કરાવીને હેર કલર કરાવીને કે પછી હેરની કોઇ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવીને તમારો લૂક ચેંજ કરી શકો. જો કે હેર ટ્રીટમેન્ટને લઇને ઘણા લોકો અસમંજસમાં હોય છે. એક તો ખર્ચો અને બીજી મોટી ચિંતા વાળ પર શું અસર થશે તે. કારણ કે હેર ટ્રીટમેન્ટમાં કેમિકલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ભલે એ પછી સ્ટ્રેટનીંગ, સ્મૂધનીંગ હોય કે હોય હેર કલર.બજારમાં હેર કલરની કેટલીય પ્રોડક્ટ્સ મળે છે. અને તેને સરળતાથી જાતે વાપરી પણ શકાય છે. પણ તેમાં એમોનિયા જેવા હાનિકારક કેમિકલ હોય છે. અને  જે અન્ય પ્રોડક્ટ એવા દાવા કરે છે કે તેમની પ્રોડક્ટમાં એમોનિયા નથી. તો પણ કેમિકલ તો હોય જ છે. એટલે ઘણા લોકો આવા પ્રોડક્ટ્સ અપનાવવાથી ડરતા હોય છે. પણ ડરવાની જરુર નથી. કારણ કે કેટલાક ઘરેલુ નુસ્ખા પણ છે વાળને કલર કરવાના. અને આ નુસ્ખા વધુ સરળ એટલે છે કારણ કે મોટાભાગના નુસ્ખામાં વપરાતી સામગ્રીઓ આપણા રસોડામાં જ મળી આવે છે. જો કે આ નુસ્ખાથી તમને રાતોરાત પરિણામ નહીં મળે, જેવું કેમિકલ એન્હાન્સ્ડ પ્રોડક્ટથી મળે છે. સમયાંતરે કરેલા આ ઉપાયથી થોડુ લેટ પરિણામ ભલે મળે પણ એકંદરે વાળની દેખભાળ સારી રીતે થાય. અને આપણે હાનિકારક અસરથી પણ બચી જઇએ છીએ.

7 એવી સામગ્રીઓ અહીં વર્ણવી છે, કે જે નેચરલ હેર કલર તરીકેનો ગુણધર્મ ધરાવે છે. દરેક સામગ્રીથી તમને અલગ રંગ મળી શકે છે.

1 કોફી –  તમને ડાર્ક કલર પસંદ છે. અને થોડા સફેદ વાળ છે જેને કાળા કરવા છે. તો તમે કોફી વાપરી શકો. કોફીના શેડની જેમ જ ડાર્ક બ્રાઉન અને બ્લેકની વચ્ચેનો શેડ મળે છે કોફીથી. સ્ટ્રોંગ કોફીને પાણીમાં ઉકાળીને તેને ઠંડી થવા દો. તેમાં થોડું કંડિશનર નાખીને હલાવો. તેમાં બે ચમચી કોફી બીન્સ પણ એડ કરી શકો. એ વધુ ડાર્ક શેડ માટે કામ કરશે. ત્યાર બાદ આ મિશ્રણને વાળમાં લગાવીને અડધા કલાકથી કલાક સુધી રહેવા દો. અહીં કંડિશનર નહીં લગાવો તો પણ ચાલે. અને  કંડિશનર તરીકે દહીં, મધ જેવી નેચરલ વસ્તુ પણ એડ કરી શકો. વાળમાં આ કંડિશનર અડધા કલાકથી કલાક સુધી રાખવાનુ હોવાથી કંડિશનર એવું પસંદ કરવુ જેનાથી આડઅસર ન થાય. એટલા માટે ઘરેલુ વસ્તુને પ્રાધાન્ય આપવું યોગ્ય રહેશે. આ પ્રયોગથી મહિનામાં તમારા વાળમાં ફરક ચોક્કસ દેખાશે. વાળના કલરની સાથે સ્ટ્રક્ચરમાં પણ સુધાર અનુભવાશે.

  1. ચા(ચ્હા) – કોફીની જેમ જ ચા(ચ્હા) પણ હેર કલર માટે વાપરી શકાય. બ્લેક ટી તમારા વાળને ડાર્ક બ્લેક શેડ આપશે. ચાનું પાણી કંડિશનર તરીકે પણ કામ કરે છે. એટલે તમારા વાળ વધુ ચમકીલા અને સ્મૂધ દેખાશે. પણ આ ઉપાય અજમાવતા સમયે ચા વધુ ગાઢી રાખવી. તમે 3થી 5 ટી બેગનો ઉપયોગ પણ કરી શકો. ઠંડુ કરેલું ચાનું પાણી વાળમાં લગાવીને અડધા કલાકથી કલાક સુધી રહેવા દેવું. જેટલી વધારે વાર તમે તેને વાળમા રહેવા દેશો એટલો કલરનો શેડ વધુ દેખાશે.
  2. ગલગોટાના ફુલ – લાલ જેવો શેડ જોઇએ તો ગલગોટાના ફુલ તમને એ માટે મદદ કરશે. અડધો કલાક ફુલને પાણીમાં ધીમી આંચે ઉકાળીને ત્યાર બાદ ગાળી લેવા. અને એ પાણીને વાળમાં લગાવીને સુકાવા દેવું. આમ તો વાળ તમે સામાન્ય રીતે સુકવી શકો. પણ વાળને સૂર્યપ્રકાશમાં સૂકવવાથી અસર વધુ દેખાશે. તમે દરરોજ ન્હાયા બાદ પણ એ પાણી વાળમાં લગાવી શકો છો. અને થોડા દિવસમાં જ તમને ફરક દેખાવા લાગશે. કલરને વધુ સમય ટકાવી રાખવા તમે આમાં બ્લેક ટી પણ એડ કરી શકો.
  3. બીટ અને ગાજરનો રસ – આ બંને રસથી તમારા વાળને નેચરલ રેડ ટીંટ મળશે.  તમે આમાંથી એકનો પણ ઉપયોગ કરી શકો છો. બરગંડી કલરના શેડ માટે તમે વધુ બીટનો રસ વાપરી શકો. જ્યારે ગાજર લાલ અને ઓરેંજના શેડ માટે કામ કરશે. એક કપ આ રસ લઇને વાળ પર લગાવી દેવુ . તમે આ રસમાં કોપરેલ પણ સાથે મિક્ષ કરી શકો છો. આ રસ લગાવ્યા બાદ કલાક સુધી વાળને લપેટીને રહેવા દેવા. જેને માટે તમે હેર કેપ લગાવી શકો છો. વાળ ધોયા બાદ એપલ સીડર વિનેગર વાળમાં લગાવી ફરી તેને લપેટી લેવા. જેથી કલર વધુ ટકશે.

5. મહેંદી – હેર કલરમાં સૌથી પ્રચલિત છે મહેંદી. મહેંદીના પાનથી તમારા વાળને રેડ-ઓરેંજ શેડ મળે છે. તમે મહેંદીના એક કપ પાવડરમાં 2 કપ લીંબુનો રસ એડ કરીને તમારી હેર ડાઇ બનાવી શકો છો. તમે એક ચમચી વિનેગર પણ એડ કરી શકો. આ મિશ્રણને વાળમાં કાંસકાની મદદથી લગાવીને કલાક રહેવા દેવા અને વાળને લપેટીને રાખવા. જેથી વાળ જલદી સૂકાઇ નહીં. સૂકાઇ જશે તો વાળ વધુ તુટે તેવી સંભાવના છે. એટલે વાળ ધોતી વખતે પણ એ વાતનુ ધ્યાન રાખીને હળવે હાથે ધોવા. આ પ્રયોગમાં પાણી વધુ વપરાશે.

  1. લીંબુનો રસ –  હેર કલરમાં હાઇલાઇટ્સ ઇનટ્રેન્ડ છે. હાઇલાઇટ્સ માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય.  લીંબુના રસને વાળમાં કાંસકાની મદદથી સ્પ્રેડ કરીને તેને સુકાવા દો. જો સૂર્યપ્રકાશમાં વાળને સુકવશો તો અસર વધુ દેખાશે. જો કે તમારે આ પ્રયોગમાં ધીરજ રાખવી પડશે.

7. અખરોટ – અખરોટને તોડીને ખાઇ લઇએ પછી તેના જે  છાલ હોય તે આપણે ફેંકી દઇએ છીએ. પણ અખરોટની છાલ આપણા વાળને  ડાર્ક બ્રાઉન શેડ આપી શકે છે. અખરોટની છાલને વાટીને તેને અડધો કલાક ઉકાળી લેવી. ત્યાર બાદ ગાળીને ઠંડુ કરી દેવું એ પાણી વાળમાં લગાવવુ અને કલાક રહેવા દઇને વાળ સાદા પાણીએ ધોઇ લેવા. જો કલરનો શેડ વધુ ઘેરો જોઇએ તો આ ઠંડુ પડેલુ પાણી ફરી ઉકાળવું અને અડધુ પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળ્યા બાદ તેને વાળમાં લગાવવુ.

તો આ સાત એવી વસ્તુઓ કે જે તમને મદદ કરશે નેચરલી તમારા વાળને રંગવામાં. અને ફાયદો એ પણ થશે કે કોઇ હાનિકારક કેમિકલ વિના જ વાળ દેખાશે રંગીન અને ચમકીલા.