સ્ટાઇલિશ સનવેર બાળકો માટે કેમ નહીં!

નાળાના સમયમાં યુવાનોને તો સનવેર એટલે કે સનગ્લાસીસ જરૂર પડે જ છે. તમને સનવેર શબ્દ કદાચ નવો લાગશે પરંતુ  હાલના ફેશન ટ્રેન્ડમાં સન ગ્લાસીસ શબ્દ થોડો જૂનો થઈ ગયો છે અને સનગ્લાસીસ માટે આઇવેર કે સનવેર શબ્દ જેવા શબ્દ પ્રયોગ કરે છે. યુવાનો માટે તો ખરાં જ, પરંતુ હવે તો બાળકો માટે પણ  સ્ટાઇલિશ આઇ વેર  માર્કેટમાં જોવા મળી રહ્યાં છે. પહેલા તો એવું હતું કે વેકેશનમાં બાળકો ઘરમાં રહેતાં હતાં. હવે બાળકો વેકેશનમાં વિવિધ એક્ટિવિટી ક્લાસીસમાં જતા હોય છે આવા સમયે નાના બાળકોને પણ કેપ અને સનગ્લાસની જરૂર પડે જ છે. હવે તમે જ વિચારો કે જ્યારે નાનું ટાબરિયું સન ગ્લાસ  અને કેપ પહેરીને  નીકળે તો એટલાં ક્યૂટ લાગે છે કે ન પૂછો વાત…હવે આધુનિક સમયના માતા પિતા પણ સંતાનોની જરુરિયાતનું ઘણું ધ્યાન રાખે છે. તેથી જ આજે વાત કરવી છે બાળકોના  સ્ટાઇલિશ સનગ્લાસસીસની.

બાળકોના સનગ્લાસમાં પણ UV પ્રોટેક્શન

છેલ્લાં કેટલાક વર્ષોથી સૂર્યદેવ આકરાં પાણીએ હોય છે તેના કારણે છેલ્લાં થોડા સમયમાં  કિડ્સ અને ચિલ્ડ્રન સનગ્લાસીસનું વેચાણ વધ્યું છે અને તેમાં ઘણું બધું વૈવિધ્ય પણ ઉપલબ્ધ છે. આજે બાળકો પણ તેમના દેખાવ માટે સભાન બની ગયા છે. સનગ્લાસીસની ડિઝાઇન તો આકર્ષક અને મનમોહક હોય છે સાથે સાથે તેમાં  ખાસ યુવી પ્રોટેક્ટેડ અલ્ટ્રાવાયોલેટ તથા એકદમ ડાર્ક ગ્લાસના  સન ગ્લાસીસ બનાવવામાં આવે છે.  અને તે તૂટી ન જાય તે માટે રબર મટિરિયલ તથા એસિટેટેટ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે જેથી  બાળકો માટે તે સુવિધા જનક રહે છે.

આકર્ષક રંગો અને ફ્રેમમાં ઉપલબ્ધ છે બાળકોના સનગ્લાસ

બાળકો માટે જુદા જુદા આકાર તથા રંગની ફ્રેમ માર્કેટમાં ઉપલબ્ધ છે. તેમાં પણ  જુદા જુદા કાર્ટુન કેરેક્ટર્સ તેમજ ફ્રૂટ આકારના સનગ્લાસ બાળકોને વધારે ગમે છે.  ઉપરાંત સનગ્લાસની દાંડી પર એવેન્જર્સ, છોટા ભીમ, મીનિયોન્સ, બાહુબલી, મોટું-પતલું જેવા તમામ કેરેકટર્સની પ્રિન્ટ પણ જોવા મળે છે. જે બાળકોને આકર્ષે છે અને આકરા તાપથી બચાવે છે.એક્સપર્ટસ જણાવે છે કે  જેમ યુવાનોને ચહેરાના આકાર પ્રમાણે જ સન ગ્લાસની પસંદગીની જરૂર પડે છે. તેવી જ રીતે બાળકોના સનગ્લાસની પસંદગી પણ બાળકોના ચહેરાના આકાર પ્રમાણે જ કરવી જોઈએ છે.  તમે ફોટામાં વિવિધ પ્રકારની બાળકો માટેની ફ્રેમ જોઈ શકો છો અને એ પ્રમાણે  તમારા બાળક માટે યોગ્ય આઇવેરની પસંદગી કરી શકો છો.