સાયન્સે પુરવાર કર્યું છેઃ ‘સારી જન્નતે’ આમ મળે!

તેરે હાથ મે મેરા હાથ હો, સારી જન્નતે મેરે પાસ હો. ફનાનું આ ગીત ખૂબ જ રોમેન્ટિક છે. પણ શું તમે જાણો છો કે આ સાયન્ટિફકલી સાબિત થયેલું સત્ય છે. લાગી ને નવાઇ. તો ચલો એક પ્રયોગ કરીએ. તમે જ્યારે લો ફીલ કરો, બેચેની અનુભવો, કે અકળામણ કે ગભરામણ થાય ત્યારે તમે તમારા પાર્ટનરનો હાથ પકડી લો. અહીં આ પ્રયોગ કરવા માટે જરુરી નથી કે પાર્ટનર જ જોઇએ. તમે તમારી સૌથી નજીક જે હોય, મિત્ર કે પરિવારના સભ્યો, ભાઇબહેન કોઇ પણ તેનો હાથ પકડી જુઓ. અને પછી જુઓ કે તમારી લાગણીઓ કેવી ડાઉન માંથી અપ થાય છે.વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ દંપતિઓ પર કર્યો. જે અનુસાર તેમણે તારણ કાઢ્યું કે જ્યારે કોઇ વ્યક્તિ દુઃખમાં હોય, અને તે પોતાના પાર્ટનરનો હાથ પકડે છે ત્યારે તેઓની માનસિક તરંગો પરસ્પર મળે છે. અને તેને કારણે દુઃખ ઓછુ અનુભવાય છે. પાર્ટનરનો હાથ પકડવાથી તેની સહાનુભુતિ અને સથવારો અનુભવાતા આરામ લાગે છે. જેટલી માનસિક તરંગો મળે તેટલી જ વધુ રાહત અનુભવાય. અને દુઃખ દર્દ ઓછુ અનુભવાય.

આ પ્રાયોગિક અભ્યાસ યુનિવર્સિટી ઓફ કૉલોરાડોમાં કરવામાં આવ્યો હતો. અને આ રિસર્ચ અભ્યાસ બાદ રિસર્ચરે વિચાર માગી લે તેવી વાત કહી. રિસર્ચર પૉવેલ ગોલ્ડસ્ટીને કહ્યું કે આપણે લોકોએ આજના આ આધુનિક સમયમાં કોમ્યુનિકેશનના ઘણા માધ્યમ વિકસાવી લીધા છે, પણ આપણી વચ્ચે સ્પર્શનો સેતુ મર્યાદિત થઇ ગયો છે. આ સ્ટડી કરવાનો હેતુ જ સ્પર્શની શક્તિ અને તેના મહત્વને ઉજાગર કરવાનો હતો.

આ રિસર્ચ માટે રિસર્ચરે 23થી 32 વર્ષની વચ્ચેના 22 દંપતિઓને પસંદ કર્યા. આ તમામ એવા હતા જેઓ એક વર્ષ કરતાં વધુ સમયથી સાથે રહેતા હતા. અભ્યાસમાં આ કપલ્સને અનેક પરિસ્થિતિઓમાંથી પસાર કરી તે સમયે તેમની ઇલેક્ટ્રો એન્સફ્લોગ્રાફી (ઇઇજી) કરીને તેમની માનસિક તરંગોની એક્ટિવીટી નોટ કરવામાં આવી. આ પ્રયોગ દરમિયાન અલગ અલગ પરિસ્થિતિઓમાં કપલ્સને સાથે રાખીને, તેમને અલગ અલગ રુમમાં બંધ રાખીને તેમજ સાથે હાથ પકડીને રાખીને અનેક પરિસ્થિતિઓમાંથી પસાર કરવામાં આવ્યા અને ત્યાર બાદ આ બધા ડેટા પર એનાલિસીસ કરવામાં આવ્યુ. આ પ્રયોગ દરમિયાન જ્યારે કપલ્સ સાથે  બેઠા હતા, તે કંડિશનમાં મહિલાઓમાં થોડી હુંફનો અનુભવ થયો. કપલ્સના સાથે રહેવા પર તેમની માનસિક તરંગો મળી રહી હતી. જ્યારે મહિલાને દુઃખ થતુ અને ત્યારે તેમનો પાર્ટનર તેનો હાથ પકડે તો એ સમયે માનસિક તરંગોનુ મિલન બેગણુ થઇ ગયુ. અને જે સમયે મહિલાને દુઃખ કે પીડા થતી અને તેમના પાર્ટનરે તેમનો હાથ નહીં પકડ્યો ત્યારે માનસિક તરંગો મળવાની બંધ થઇ ગઇ. અહીં ખેલ બધો માનસિક તરંગોના મળવાનો છે. તરંગોના સિક્રોનાઇઝેશનની આ વેવલેન્થ એ જ વેવલેન્થ છે જે આપણે કોઇ વસ્તુ પર ફોકસ કરીએ ત્યારે હોય છે. અને આ સિંક્રોનાઇઝેશન એટલે કે તરંગોનું મિલન સ્પર્શથી બેવડાઇ જાય છે. અહીં સ્થિતીને સમજીએ તો જ્યારે પ્રોબ્લમ હોય ત્યારે તેને સોલ્વ કરવા માટે આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એટલે જો દુઃખની ઘડીમાં આ રીતે માનસિક તરંગો મળે છે તો એ સમયે દુઃખ હળવુ થવાની સાથે એ અહેસાસ પણ થાય છે કે, જીત જાયેંગે હમ તુ અગર સંગ હે..

પ્રેમની અનુભુતિ હોય કે પોતિકાપણાનો અહેસાસ, સ્પર્શથી જે વ્યક્ત થાય છે એ ભાવને ભાષાની જરુર નથી પડતી. કદાચ તમારા પાર્ટનર પોતાની લાગણી વ્યક્ત ન પણ કરતાં હોય પણ જો તેમના હાથ પકડવાથી તમને રાહત અને આરામ મહેસુસ થાય તો સમજી લેજો કે સામેવાળુ વ્યક્તિ દિલ અને દિમાગથી તમારુ છે. પછી તમે જ એ કહી દેજો, કે “જાને ક્યુ દિલ જાનતા હૈ, તુ હૈ તો I’ll be all right.”