પુરુષોને પણ છે હેન્ડસમ દેખાવાનો હક

મોટાભાગે લગ્ન પ્રસંગ હોય કે કોઇ રિસેપ્શન જેવા ઇવેન્ટમાં હાજરી આપવાની હોય તો તૈયાર થવામાં સૌથી વધુ વાર મહિલાઓને લાગે એવી માન્યતા છે. ચલો આને માન્યતા નહીં પણ હકીકત જ માની લઇએ. બધા જાણે છે કે સુંદર દેખાવા માટે તૈયાર થવાનો સજવા સવરવાનો જન્મસિદ્ધ હક છે મહિલાઓનો. પણ એનો અર્થ શું એવો હોય કે પુરુષોને એવો હક નથી. અફકોર્સ ખોટી વાત છે. જો મહિલાઓને સુંદર દેખાવાનો હક છે તો પુરુષોને પણ તો હેન્ડસમ દેખાવાનો પુરેપુરો હક છે. પણ પુરુષોની હંમેશા કમ્પલેઇન રહે છે કે આટલો સમય તે કંઇ લગાવાય તૈયાર થવામાં. કેટલાય એવા જોક્સ પણ આપણે વાંચ્યા હશે જેનો સાર એવો હોય છે કે લગ્ન કે કોઇ પણ પ્રસંગમાં કે ઇવેન્ટમાં છોકરાઓ તૈયાર નથી થતાં જ્યારે એ એક ઇવેન્ટ માટે છોકરીઓ મહીના પહેલા તૈયારી કરવા માંડે છે.ઠીક છે, પુરુષોએ મેકઅપ નહીં કરવાનો હોય એટલે સમયતો નહીં જ લાગે. પણ પુરુષો હેન્ડસમ દેખાવા કેટલીક નાની નાની ટ્રીક અજમાવી શકે. ખાસ તો લગ્ન પ્રસંગની જ વાત કરીએ કારણ કે તે જ એવો સમય છે જ્યાં પુરુષો આરામથી થોડી ફુટેજ ખાઇ શકે છે. લગ્નપ્રસંગમાં પુરુષો સરસ મજાનો સુટ અથવા ઇંડો-વેસ્ટર્ન કપડાંની સાથે કેટલીક ટ્રીક પણ ટ્રાય કરે તો ભીડમાં અલગ તરી આવે.

કઇ સિઝનમાં લગ્ન પ્રસંગ છે, તેના પર આધાર હોય છે આપણા કપડાં અને પહેરવેશનો. જો ગરમીમાં લગ્ન લેવાના હોય તો પુરુષો માટે લિનેન મટીરીયલ સારી ચોઇસ છે. એક તો લિનેનનો લુક જે એક ક્લાસીક અને રીચ લુક આપે છે તેવો અન્ય મટિરિયલમાં નથી આવતો. અને સાથે લિનેન ખાદી જેવુ હોવાથી તેમાં ગરમી ઓછી લાગે અને કમ્ફર્ટેબલ પણ એટલુ જ રહેવાય.

લગ્ન પ્રસંગ છે એટલે ચમક દમક વાળુ પહેરવું કે પછી સિલ્કી પહેરવુ એવી માન્યતા જો તમે રાખો છો તો તેને પહેલા બાજુ પર મુકી દો. લગ્ન પ્રસંગમાં શાઇની ભડક કપડાંને બદલે  હલ્કા રંગ જેવાકે ક્રિમ, ફિરોજી, લાઇટ લેમન અથવા ઓલ ટાઇમ ફેવરેટ વ્હાઇટ પસંદ કરવા જોઇએ. આ કપડાં કમફર્ટેબલ હોવાની સાથોસાથ તમને એલીગંટ અને પ્લીંઝીંગ લુક આપશે.

તમે આ કલરના બ્લેઝર પણ પહેરી શકો છો. પણ યાદ રાખજો અહીં સિમ્પલીસીટી જ સાર છે. અને હટકેની લ્હાયમાં એવુ પણ હટકે નહીં થઇ જતાં કે ઉડીને આંખે વળગો.

મહિલાઓની જેમ જ પુરુષોએ પણ એ વાતનુ ધ્યાન રાખવુ કે જ્યારે પણ તમે કોઇ આવા પ્રસંગમાં જાઓ છો ત્યારે તમારુ અટાયર એટલે કે તમે પહેરેલા કપડા તમારી છાપ છોડે છે. એટલે ક્યારેય ફીટીંગ વિનાના કપડાં નહીં પહેરવા. ન વધુ ટાઇટ ન ઢીલા. હંમેશા તમારા બોડી-કમ્ફર્ટ ફીટીંગ અનુસાર આઉટફીટ્સ પહેરવા. અને જો લગ્ન પ્રસંગ છે તો તેમાં કેઝ્યુલ કપડાંથી બચવું. એટલે જીન્સ ટીશર્ટ જેવુ પહેરીને તમે પ્રસંગમાં જાઓ તો તમારી છાપ બગડી શકે. ભલે તમે બહાર એ જીન્સ ટીશર્ટમાં ગમે તેટલા હેન્ડસમ કે કુલ લાગતા હોવ પણ લગ્ન પ્રસંગમાં આ લુક તમારી ઇમેજને નુકસાન પહોંચાડશે. હા પણ તમે જીન્સ પર લોંગ કુર્તા પહેરી શકો.

ઇંડો વેસ્ટર્નની આજકાલ ફેશન છે. એટલે આપણા પારંપરિક વસ્ત્રોની સાથે થોડું વેસ્ટર્ન ફ્યુઝન. આવા ફ્યુઝનમાં એમ્બ્રોઇડરી કે જરદોષી જેવું વર્ક હોય તો સોને પે સુહાગા. કારણ કે એ એમ્બ્રોઇડરી કે કોઇ પણ પ્રકારનુ વર્ક એક ટ્રેડિશનલ છાપ છોડે છે. અને ભારતીય લગ્ન પ્રસંગતો પરંપરાઓનો મેળાવડો હોય છે. એટલે આવા પ્રસંગમાં ઇન્ડો વેસ્ટર્ન પરફેક્ટ લુક આપે છે. હા,

આ સિવાય વાળ નાના અને સ્વચ્છ રાખવા અને સારી રીતે શેમ્પૂ કરીને જવું. તમે ક્લીનશેવ પણ રાખશો તો જચશો. જો કે આજકાલ દાઢીની ફેશન છે. અને જો તમને દાઢીનો શોખ છે, તો તેને ટ્રીમ કરાવવી. એટલે નીટ લુક આવે. દાઢી રાખવામાં કોઇ ુવાંધો નથી, પણ તેને મેઇન્ટેઇન કરવી જરૂરી છે.

આખા અટાયરની વાત હોય તો જૂતા કેવી રીતે ભુલાય. ફુટવેર પણ એટલા જ મહત્વના છે. લગ્નપ્રસંગ માટે લોફર્સ, ફૈશનેબલ શૂઝની પસંદગી કરવી.અને જો તમને જ્યુલરી/ એસેસરીઝનો શોખ હોય તો સિલ્વર જ્યુલરી પસંદ કરી શકો. ધ્યાન રાખવું કે એકદમ બપ્પી લહેરી કે જૂનાગઢના ગોલ્ડ બાબા નહીં બની જવું.

આમ તો નાની નાની વાતો છે પણ ધ્યાન રાખશો, તો હેન્ડસમ લાગશો અને બધાનું ધ્યાન ખેંચીવામાં સફળ રહેશો.