લગ્નનો મોભોઃ વેડિંગ ડેસ્ટિનેશન

0
2413

જીવનનો સૌથી મહત્વનો પ્રસંગ એટલે લગ્ન પ્રસંગ. અને એટલે જ લોકો આ એક પ્રસંગને જીવનભરની યાદમાં ફેરવવા આતુર હોય છે. જીવનનો સૌથી મહત્વનો પડાવ આવે અને બીજા જીવનની શરુઆત થાય. એક મેકનો સથવારો, ગૃહસ્થ જીવનની શરૂઆત. અરમાન સાકાર કરવાની આ બધી વાતોને કારણે બધાને એવી ઇચ્છા હોય કે આ મહત્વનો પ્રસંગ એટલો યુનિક હોય કે પોતાની સાથે બધા તેને વર્ષો સુધી યાદ રાખે. બસ આ જ અરમાનને પોષતો વિકલ્પ છે ડેસ્ટિનેશન વેડિંગ.પ્રકૃતિના ખોળે તેની સુંદરતા વચ્ચે લગ્નનો માંડવો બંધાઇ અને પોતાના આપ્તજનો, વ્હાલા પરિવારજનો સાથે અદભુત ક્ષણોની યાદો રચાય તેવુ કોને નહીં ગમે. આજકાલ તો આવો સિરસ્તો ખુબ પ્રચલિત છે. તમને બેન્ડ બાજા બારાત ફિલ્મ તો યાદ જ હશે, કેવી ધમાલ મસ્તી થાય છે ડેસ્ટિનેશન વેડિંગમાં તે એ ફિલ્મમાં જોયુ જ હશે. તમારા પણ લગ્ન જો એવી જ રીતે થાય તો!ગુજરાતમાં ડેસ્ટિનેશન વેડિંગના ઓપ્શન્સની ભરમાર છે. જેમ કે દિવ અથવા દમણનો સમુદ્ર કિનારો, વડોદરાનુ લક્ષ્મીવિલાસ પેલેસ. અથવા અમદાવાદનુ કોઇ ફાર્મહાઉસ કે પછી રિસોર્ટ. આમ તો યાદી લાંબી છે અને ઘણા બધા નામ આપી દેવાથી તમે કન્ફ્યુઝ થઇ જશો. પણ એ નામ લેવા સિવાય તમને જણાવીએ કેટેગરીઝ. કે જેનાથી તમને પસંદગી કરવામાં મદદ મળશે.જો ડેસ્ટિનેશન વેડિંગમાં તમારે રાજાશાહી ઠાઠ બતાવવો છે તો તમે પેલેસ પસંદ કરી શકો. અથવા હવે તો એવી હોટેલ્સ પણ હોય છે અને એવા સેટ પણ બને જ છે. પેલેસ ડેસ્ટિનેશનથી તમારા વેડિંગમાં એક ભવ્યતાનો ઉમેરો થશે. ઇમેજીન, મોટા મહેલના પરિસરમાં લગ્નની ચોરીના ફેરા ફરતાં વર વધુ જેઓ એક બીજાને જીવનભરના સાથ નિભાવવાના કોલ આપે છે. જોનારના મનમાં જરુરથી એક ઉદગાર સરી પડે, કે ,હાઉ રોમેન્ટીક. આવા પેલેસ ડેસ્ટિનેશન તમને વડોદરા, રાજપીપળા, ગોંડલ. વિજયનગર, માંડવી વગેરે જગ્યાઓ પર આસાનીથી મળી પણ જશે.ભવ્યતા તો જોઇ લીધી પણ કોઇને નેચર પર પ્રેમ છે. અને પોતાના લગ્ન પ્રકૃતિના ખોળે કરવાની ઇચ્છા છે તો તેવા લોકો માટે સુંદર ઓપ્શન છે ગાર્ડન અને પાર્ટી પ્લોટ્સ. જો કે પાર્ટીપ્લોટ્સ તો પહેલેથી ગુજરાતીઓની પસંદ રહી જ છે. પણ ગાર્ડન અને પાર્ટીપ્લોટમાં તમે અલગ અલગ રીતે ફ્લાવર-ફાઉન્ટેઇન ડેકોરેશન કરીને એક નેચરલ એન્ડ બ્યુટિફુલ લુકિંગ પ્લેસ બનાવી શકાય. ઉદાહરણ તરીકે, ગાર્ડનમાં રાતરાણીના ફુલોની નીચે તમે ઉભા હોવ અને તમારી પાછળ ઝરણું વહેતુ હોય તેવુ સેટઅપ હોય. અને તેની સામે તમે એક મેકના હાથમાં હાથ પરોવીને વડીલોના આશિર્વાદ જીલતા હોવ. આવા સેટઅપ રિસેપ્શન માટે પણ ઉત્તમ બની રહે છે. અને વધુ સારી વાત એ છે કે આવા સેટઅપ તમે કોઇ પણ મેદાન જેવી જગ્યાએ પણ કરી શકો, કારણ કે આજ કાલતો રીયલ ગાર્ડન સેટઅપ ગણતરીના સમયમાં ઉભું કરી શકાય છે. ફુલોની સુંગધ અને વહેતુ ઝરણું પણ તમે આર્ટીફિશ્યલી ઉભુ કરી શકો. આ બધા માટે એ પ્રકારનો ગાર્ડન જ હોવો જોઇએ એ બિલકુલ જરુરી નથી. અને પાર્ટીપ્લોટ્સની તો ક્યાં કમી જ છે. બસ ડિઝાઇનિંગમાં થોડુ ધ્યાન આપશો એટલે ડન. સાદગીમાં સુંદરતાનો પડઘો પાડશે તમારુ વેડિંગ ફંક્શન. આવા નેચરલ સેટઅપ કે ડેસ્ટિનેશન ઇટરનલ ફીલીંગ આપે છે.લગ્નનો માંડવો, કે પછી રિસેપ્શન માટે તો તમને ઓપ્શન મળી ગયા છે. પણ લગ્ન પ્રસંગમાં માત્ર બે જ પ્રસંગ તો તો હોતા નથી. કેટકેટલીય વિધીઓ અને પરંપરાઓ પણ હોય છે. આ પરંપરાઓ બધાની હાજરીમાં થઇ શકે તે માટે તમે ફાર્મહાઉસ પણ ભાડે રાખી શકાય. કેચ એ છે કે જો ઘરમાં આવી પરંપરાઓ નિભાવિએ તો જગ્યા કદાચ ઓછી પડે. એ હિસાબથી મહેમાનને બોલાવવામાં પણ ક્યારેક કંજૂસાઇ કરવી પડે. પણ જો ફાર્મહાઉસ કે રિસોર્ટ હોય તો જગ્યાની કોઇ સમસ્યા નહીં. જેટલા સગાવહાલાઓને આમંત્રણ આપવુ હોય આપો. અને પીઠી થી લઇને ગ્રહશાંતિ જેવી તમામ પરંપરાઓ અને વિધીમાં લોકોની સાથે મળીને મજા કરો. આખરે સેલિબ્રેશન ત્યારે જ તો કહેવાય જ્યારે બધા પોતાના વ્હાલા આપ્તજનો સાથે મળીને એ પળની ઉજવણી કરીએ.લગ્નના પ્રસંગની ઉજવણી પર ચાર ચાંદ લગાવશે ડેસ્ટિનેશન વેડિંગ અને જીવનભરની સુંદર યાદો મળશે બોનસમાં.