શાકાહાર છે કોહલીની સફળતા પાછળનું રહસ્ય…

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ માંસાહાર છોડી દીધો છે અને તે શાકાહારી બની ગયો છે. વાસ્તવમાં, કોહલી Vegan બની ગયો છે, મતલબ કે એણે ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું પણ બંધ કરી દીધું છે. એનું કહેવું છે કે પોતે લાઈફસ્ટાઈલમાં આણેલા આ પરિવર્તનને કારણે એની ગેમ, એના ક્રિકેટ પરફોર્મન્સમાં સુધારો થયો છે. વળી, હવે ચિકન, માંસ, ઈંડા ન ખાવાનો પોતાને જરાય અફસોસ પણ થતો નથી.

એ તો દેખીતું જ છે કે છેલ્લા અમુક વખતથી કોહલીની બેટિંગ, એની એકંદર ફિટનેસમાં ગજબનો સુધારો જોવા મળી રહ્યો છે.

કોહલીએ છેલ્લા ચાર મહિનાથી પ્લાન્ટ-બેઝ્ડ આહાર શરૂ કર્યો છે.

કોહલીએ એક મુલાકાતમાં કહ્યું કે શાકાહાર અપનાવ્યા બાદ એ પહેલા કરતાં વધુ શક્તિવાન મહેસુસ કરે છે.

કોહલીએ નોંધ્યું છે કે શાકાહારી બન્યા બાદ એની પાચનશક્તિ પણ સુધરી છે. એણે ઈંડા ખાવાનુ પણ છોડી દીધું છે. માંસ, ઈંડા કે ડેરી પ્રોડક્ટ્સનો ત્યાગ કર્યા બાદ એને આ ચીજવસ્તુઓની ખોટ મહેસુસ થતી હોવાનું જરાય લાગતું નથી.

કોહલીએ ચાર મહિના પહેલા જ એનિમલ પ્રોટીનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે અને એને લાગે છે કે એને લીધે જ એની ગેમમાં સુધારો થયો છે.

કોહલીના વર્તમાન આહારમાં પ્રોટીન શેક્સ, શાકભાજી અને સોયાનો સમાવેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, કોહલીની પત્ની, બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ આટલા જ મહિનાઓથી શાકાહારી બની ગઈ છે.

વેગન અને વેજિટેરિયનમાં થોડોક ફરક છે. વેજિટેરિયન લોકો દૂધ અને દૂધમાંથી બનતી ચીજવસ્તુઓ જેવી કે, માખણ, ચીઝ, પનીર ખાતા હોય છે, જ્યારે વેગન લોકો આવી દૂધ આધારિત ચીજો પણ ખાતા નથી.

કોહલીએ તો બે વર્ષ પહેલાં જ કહ્યું હતું કે તે માંસાહાર છોડી દેવા વિચારે છે.

વિશ્વમાં દર વર્ષે 1 નવેંબરનો દિવસ ‘વર્લ્ડ વેગન ડે’ એટલે કે ‘વિશ્વ શાકાહારી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

કોહલી ઉપરાંત બીજા કયા એથ્લીટ્સ શાકાહારી છે?

દુનિયામાં આજકાલ વર્લ્ડ ચેમ્પિયન્સ, માર્શલ આર્ટ્સ એક્સપર્ટ્સ સહિત ઘણા ટોચના એથ્લીટ્સ માંસાહાર છોડીને શાકાહાર અપનાવી રહ્યા છે.

આ છે, દુનિયાના ટોચના શાકાહારી એથ્લીટ્સ.

અમેરિકાની ટેનિસ સ્ટાર વિલિયમ્સ બહેનો – વીનસ અને સેરેના

લિયોનેલ મેસ્સી (માત્ર વર્લ્ડ કપ વખતે માંસાહારનો ત્યાગ કરે છે)

કાર્લ લૂઈસ – અમેરિકાનો ભૂતપૂર્વ સ્પ્રિન્ટર

લૂઈસ હેમિલ્ટન – ફોર્મ્યુલા 1 ચેમ્પિયન

સ્કોટ લ્યૂરેક – અમેરિકન લોન્ગ ડિસ્ટન્સ રનર

જર્મેન ડેફો – ફૂટબોલર

ડેવીડ હેય – બોક્સર

બાર્ની ડુ પ્લેસીસ – બોડીબિલ્ડર

કેન્ડ્રિક યાકુબ ફારિસ – વેઈટલિફ્ટર

નેટ ડિયાઝ – માર્શલ આર્ટિસ્ટ

જેક લિન્ક્વિસ્ટ – ટ્રેક સાઈક્લિસ્ટ