ન હોય! ઊર્જા ક્ષેત્રે ભારતનો વિકાસ ગાંડો થશે!

ચારે તરફથી મંદી અને અર્થંતંત્રની માઠી બેઠીના સમાચારનો દેકારો ભલે મચ્યો હોય, પરંતુ એક ક્ષેત્ર એવું છે જ્યાંથી આનંદના સમાચાર મળી રહ્યા છે. ‘વિકાસ ગાંડો થયો’ના દેકારા વચ્ચે આ ક્ષેત્ર ખરેખર પર્યાવરણને જાળવી રાખનારું છે એટલે તેમાં ભારતનો વિકાસ થાય તે ચોક્કસ જ ખુશીની વાત છે અને આ  છે પુનઃપ્રાપ્ય ઊર્જાનું. કોલસાને બનતા લાખો વર્ષો લાગે છે જ્યારે સૂર્યદેવ તો આપણને રોજેરોજ કેટલી બધી ઊર્જા આપે છે જેનો આપણે ઉપયોગ ન કરતાં તેને વેડફાવા દઈએ છીએ. પરંતુ ધીમેધીમે આ ક્ષેત્ર વિશે પણ લોકોમાં જાગૃતિ આવતી જાય છે. ઉદ્યોગપતિઓને પણ તેમાં બજાર દેખાઈ રહ્યું છે.

આ ક્ષેત્ર વિશે ભારત માટે આનંદના સમાચાર એ છે કે ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણીથી વધુ થઈ જશે અને આ આગાહી ભારતના કોઈ નિષ્ણાતે નથી કરી, પરંતુ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઇએ)એ કરી છે.

આ એજન્સીએ તેના અહેવાલમાં જે જણાવ્યું છે તે ભારતીયો માટે ગર્વની વાત છે. એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા બમણા કરતાં વધુ થઈ જશે. તેના કરતાંય વધુ આનંદની વાત એ છે કે આ બાબતે આપણે યુરોપીય સંઘને પછાડી દઈશું. એજન્સીએ અનુમાન કર્યું છે કે પહેલી વાર ભારત આ ક્ષેત્રે વિકાસની રીતે યુરોપીય સંઘથી આગળ નીકળી જશે. આઈઇએએ તેના પુનઃપ્રાપ્ય ઊર્જા બજાર અંગેના તાજેતરના વિશ્લેષણ અને આગાહીમાં આ વાત કરી છે.

કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા મુજબ, દેશની પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપન (ઇન્સ્ટૉલ્ડ) ક્ષમતા ૫૮.૩૦ જીડબ્લ્યુ છે. સરકારે ૧૭૫ જીડબ્લ્યુનો લક્ષ્યાંક રાખ્યો છે જેમાં સૌર ઊર્જા ૧૦૦ જીડબલ્યુ અને પવન ઊર્જા ૬૦ જીડબલ્યુનો સમાવેશ થાય છે.

આ બન્ને ટૅક્નૉલૉજીમાં હરાજીમાં વિશ્વના સૌથી નીચા ભાવ ભારતના હતા. આમ, સૌર અને પવન ઊર્જા ભારતની ક્ષમતાના વિકાસનો ૯૦ ટકા હિસ્સો ધરાવે છે.

સોલાર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એસઇસીઆઈ)એ આ વર્ષની શરૂઆતમાં હરાજી રાખી હતી તેમાં સૌર અને પવન ઊર્જાના ભાવો સર્વકાલીન નીચા એટલે કે અનુક્રમે રૂ. ૨.૪૪ પ્રતિ એકમ અને રૂ. ૩.૪૬ પ્રતિ એકમ સુધી ગગડી ગયા હતા. ઉપરાંત આ અંગેના જે ઉપકરણો તથા જે સંસાધનો હોય છે તેની આર્થિક સમસ્યા તેમજ ગ્રીડ ઇન્ટિગ્રેશનની સમસ્યાને હલ કરવા ભારતે પગલાં લીધાં છે. તેના આધારે પણ એમ કહી શકાય કે ભારત આ ક્ષેત્રે વધુ સારી પ્રગતિ સાધી શકશે.

જોકે આ બાબતે હજુ આપણે આપણા પ્રતિસ્પર્ધી ચીનથી તો ઘણા પાછળ જ છીએ. ભારત વિશેની આગાહી ૧૭૫ જીડબલ્યુની છે જ્યારે ચીન આટલા જ વર્ષ સુધીમાં ૩૬૦ જીડબલ્યુ સુધી પહોંચી જાય તેવું અનુમાન છે. વિશ્વના આ ૪૦ ટકા છે! ચીનમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ છે. (ભારતમાં પણ છે, પરંતુ) ચીન તે અંગે ખૂબ જ ચિંતિત છે અને એટલે જ પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસ પર આટલો બધો ભાર મૂકી રહ્યું છે. ચીને વર્ષ ૨૦૨૦ માટે જે પંચવર્ષીય યોજના બનાવી હતી તેમાં સૌર ઊર્જા અંગે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો તે તેણે ત્રણ વર્ષ પૂર્વે જ પ્રાપ્ત કરી લીધો છે! અને પવન ઊર્જા અંગેનો લક્ષ્યાંક તે વર્ષ ૨૦૧૯ સુધીમાં પ્રાપ્ત કરી લેશે તેવું અનુમાન છે. જોકે આ ક્ષેત્રે જે સબસિડી અપાય છે તે અને ગ્રિડ ઇન્ટિગ્રેશનનો ખર્ચ સતત વધી રહ્યો છે જે ચિંતાનો વિષય બની રહે છે.

સૌર ઊર્જાના વધતા જતા બજારના લીધે ગયા વર્ષે નવી ઊર્જા ક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો બે તૃત્તીયાંશ જેટલો છે. આવનારાં વર્ષોમાં પણ પુનઃપ્રાપ્ય ઊર્જાનો વિકાસ ગાંડો થતો રહેશે તેવી આઈઇએએ કરી છે. જો ચોક્કસ વાત કરીએ તો વર્ષ ૨૦૨૨ સુધીમાં પુનઃપ્રાપ્ય વીજળીની ક્ષમતામાં ૪૩ ટકા વધારો થશે.

આમ, પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ભારતનો વિકાસ ગાંડો થતો રહેશે.