નદી પ્રદૂષિત કરવા માટે જેલની સજાથી પર્યાવરણને ફાયદો થશે?

ત ૨૧ નવેમ્બરે તીસ હઝારી ન્યાયાલયે એક વ્યક્તિને બે વર્ષની કેદની સજા આપી. તમને થશે કે આ તો સામાન્ય વાત છે. આમાં નવું શું છે? આવા તો અનેક અપરાધીઓને સજા થતી હોય છે. પરંતુ આમાં નવીન બાબત એ છે કે પર્યાવરણને લગતા કેસ માટે આ સજા થઈ છે. ન્યાયાલયે આ વ્યક્તિને યમુના નદી પ્રદૂષિત કરવા માટે જેલના સળિયા ગણતો કરી દીધો છે.સામાન્ય રીતે સર્વોચ્ચ ન્યાયાલય હોય કે કોઈ ઉચ્ચ ન્યાયાલય, કે પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તેઓ પર્યાવરણને લગતા મુદ્દાઓ પર ચિંતા તો વ્યક્ત કરતા હોય છે, પરંતુ સજા આપવાનું ટાળતા હોય છે. યમુના નદી હોય કે ગંગા નદી, વાયુ પ્રદૂષણ હોય કે પછી કચરાનું વ્યવસ્થાપન, તેઓ અવારનવાર ચિંતા વ્યક્ત કરતા રહે છે. સમયે-સમયે સરકારોને ઠપકા પણ આપતા હોય છે. પરંતુ કોઈ ન્યાયાલયે કોઈ વ્યક્તિને પ્રદૂષણ માટે દોષી ઠેરવીને સજા આપી હોય તેવું કેટલી વાર બને છે?

આ પ્રકારના ચુકાદા ભાગ્યે જ જોવા મળે છે. આ કેસની હકીકતો ઘણી જ દુર્ભાગ્યપૂર્ણ છે. હરિયાણા પાનીર ભંડાર કે જે મીઠાઈ અને નમકીન બનાવે છે તે પ્રક્રિયા વગરના ધંધાના પ્રવાહી તત્ત્વોને નદીમાં વહાવતા પકડાયું હતું. તેની સામેની ફરિયાદ તો છેક જૂન ૨૦૦૦માં દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા જળ (પ્રદૂષણ અટકાયત અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૭૪ હેઠળ નોંધાવાઈ હતી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરાયા પછી આમ કરાયું હતું.

પરંતુ આ ફરિયાદ નોંધાયાને ૧૭-૧૭ વર્ષનાં વહાણાં વહી ગયા પછી, અધિક મુખ્ય મેટ્રૉપૉલિટન મેજિસ્ટ્રેટે પ્રક્રિયા કર્યા વગર કચરા (પ્રદૂષકો)ને નદીમાં નાખવાના અને જરૂરી મંજૂરી વગર કામગીરી કરવાના ગુના બદલ આ કંપનીના માલિકને દોષી ઠરાવ્યો છે. જળ અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેને ત્રણ વર્ષની કેદ અને રૂ. ૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. માલિકે આ ચુકાદા સામે અપીલેટ કૉર્ટમાં અપીલ કરી હતી અને ન્યાયાધીશ સંજયકુમાર અગરવાલે એક જ આધાર પર ચુકાદાને માન્ય રાખી ૪૪ પાનાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ બીજા આધાર તેમણે અમાન્ય રાખ્યા હતા. તેમણે સજાને ત્રણ વર્ષની જેલના બદલે બે વર્ષ કરી નાખી હતી અને દંડ એક લાખ રૂપિયાનો કરી નાખ્યો હતો. તેમણે અરજદારને સમાજના હિતમાં વળતર તરીકે રૂ. ૨.૫ લાખ વડા પ્રધાનના રાહત ફંડમાં ચુકવવા પણ નિર્દેશ આપ્યો હતો.

ઘણાને લાગે કે આ સજા વધુ પડતી છે, કારણકે પ્રદૂષણ કરવામાં સમાજનો બહોળો વર્ગ જોડાયેલો છે, પરંતુ જળ અધિનિયમ ૧૯૭૪થી અમલમાં છે અને કોઈ ધારા, કૂવા કે જમીનને પ્રદૂષિત કરવી એ ફોજદારી ગુનો ગણાવાયેલો છે. મોટા ભાગે આવા વેપારીઓ કે ઉદ્યોગપતિઓ પ્રદૂષણ કરીને કૉર્ટમાંથી કાં તો નિર્દોષ છૂટે છે અથવા તેમને દંડ ફટકારવામાં આવે છે જે તેઓ ભરી દે છે. આવા ચુકાદાઓના લીધે ઘણા લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે કૉર્ટમાં કેસ થાય તો કોઈ વાંધો નહીં, દંડ ભરીને છૂટી જઈશું. નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો મુજબ, ૨૦૧૬માં જળ અધિનિયમ હેઠળ છ કેસો પર ચુકાદા આવ્યા હતા. તેમાં ત્રણમાં લોકો દોષી ઠર્યા હતા અને ત્રણ નિર્દોષ છૂટ્યા હતા. વાયુ (પ્રદૂષણ અટકાયત અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૮૧ હેઠળ માત્ર એક કેસમાં કૉર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં વ્યક્તિને નિર્દોષ છોડવામાં આવી હતી. આનો અર્થ એ નથી કે આપણા દેશમાં પ્રદૂષણ થતું જ નથી. પ્રદૂષણ તો થાય છે, અને કંપનીઓ-વેપારીઓ બિન્દાસ્ત કરે છે, પરંતુ તેની સામે કાં તો ફરિયાદો નથી થતી અથવા તો થાય છે તો કૉર્ટમાંથી નિર્દોષ અથવા દંડ ભરીને છૂટી જાય છે. જો આ રીતે જેલના સળિયા પાછળ દોષિત વ્યક્તિ ધકેલાશે તો જ તેને અને આવા ગુના કરનારાઓને પાઠ મળશે.